અંજનાસુંદરીને જોઈ. જેનું મુખ પૂનમના ચંદ્ર સમાન છે, મુખની જ્યોતિથી દીપકની
જ્યોતિ ઝાંખી પડે છે, નેત્ર શ્યામ, શ્વેત અને અરુણ એમ ત્રિવિધ રંગસહિત હોવાથી
મહાસુંદર છે, જાણે કામનાં બાણ જ છે, કુચ શૃંગારરસ ભરેલા કળશ છે, હસ્ત નવીન
કૂંપળ સમાન લાલ છે, નખની કાંતિ લાવણ્યને પ્રગટ કરતી શોભે છે, કટિ અતિનાજુક છે
એ કુચોના ભારથી જાણે ભાંગી જતી હોય તેવી શંકાથી જાણે ત્રિવલીરૂપ દોરીથી બાંધેલી
છે, તેની જાંધ કેળના થડથીય વધુ કોમળ છે, જાણે કે કામના મંદિરના સ્તંભ જ છે, તે
કન્યા ચાંદની રાત જ છે. પવનંજયકુમાર નેત્ર એકાગ્ર કરી, અંજનાને સારી રીતે જોઈ
સુખી થયા. તે જ સમયે વસંતતિલકા નામની અંજનાની મહાબુદ્ધિમતી સખી કહેવા લાગીઃ
હે સુરુપે! તું ધન્ય છે કે તારા પિતાએ તને વાયુકુમારને આપી. વાયુકુમાર મહાપ્રતાપી છે.
તેના ગુણ ચંદ્રમાનાં કિરણ સમાન ઉજ્જવળ છે. તેમનાં ગુણો વિષે સાંભળીને અન્ય
પુરુષના ગુણ મંદ ભાસે છે. જેમ સમુદ્રમાં લહેર રહે તેમ તું તે યોદ્ધાના અંગમાં રહીશ. તું
મહામિષ્ટભાષી, ચંદ્ર અને રત્નની કાંતિને જીતનારી, તું રત્નની ધરા રત્નાચળ પર્વતના
તટ પર પડી છે, તમારો સંબંધ પ્રશંસાયોગ્ય થયો છે તેનાથી બધાં જ કુટુંબીજનો રાજી
થયાં છે. સખીએ જ્યારે આ પ્રમાણે પતિના ગુણ વર્ણવ્યા ત્યારે તે લજ્જાથી ભરેલી
પગના નખ તરફ જોવા લાગી, આનંદરૂપ જળથી તેનું હૃદય ભરાઈ ગયું અને
પવનંજયકુમાર પણ અત્યંત હર્ષ પામ્યા.
વિદ્યુતપ્રભકુંવર સાથે સંબંધ થયો હોત તો અતિશ્રેષ્ઠ હતું. જો પુણ્યના યોગથી વિદ્યુતપ્રભ
કન્યાનો પતિ થયો હોત તો આનો જન્મ સફળ થાત. હે વસંતમાલા! વિદ્યુતપ્રભ અને
પવનંજયમાં સમુદ્ર અને ખાબોચિયા જેટલો તફાવત છે. વિદ્યુતપ્રભની કથા મોટા મોટા
માણસોનાં મુખે સાંભળી છે. જેમ મેઘનાં બૂંદોની સંખ્યા નથી તેમ તેનાં ગુણોનો પાર
નથી. તે નવા યૌવનવાળો, મહાસૌમ્ય, વિનયવાન, દેદીપ્યમાન, પ્રતાપવાન, ગુણવાન,
રૂપવાન, વિદ્યાવાન, બળવાન, સર્વ જગતને દર્શનીય છે, બધા એમ જ કહે છે આ કન્યા
તેને જ આપવા જેવી હતી, પણ કન્યાના બાપે સાંભળ્યું કે તે થોડા જ વર્ષમાં મુનિ થઈ
જવાનો છે તેથી સંબંધ ન કર્યો, તે ઠીક ન કર્યું વિદ્યુતપ્રભનો એક ક્ષણમાત્રનો પણ ભલો
અને તૃચ્છ પુરુષનો સંયોગ ઘણા કાળનો હોય તો પણ શા કામનો? આ વાત સાંભળીને
પવનંજય ક્રોધરૂપ અગ્નિથી પ્રજ્વલિત થયા, ક્ષણમાત્રમાં બીજું જ રૂપ બની ગયું.
રસમાંથી વિરસ આવી ગયો, આંખો લાલ થઈ ગઈ, હોઠ કરડીને તલવાર મ્યાનમાંથી
કાઢીને મિત્ર પ્રહસ્તને કહેવા લાગ્યો કે આને મારી નિંદા ગમે છે. આ દાસી આવાં
નિંદાના વચનો બોલે છે અને આ સાંભળે છે. માટે આ બન્નેનાં મસ્તક કાપી નાખું.
વિદ્યુતપ્રભ એના હૃદયનો પ્યારો છે તે કેવી રીતે સહાય કરશે. પવનંજયના આ વચન સાંભળીને