મિત્ર પ્રહસ્તે રોષથી કહ્યું, હે મિત્ર! આવાં અયોગ્ય વચન બોલવાથી શો ફાયદો? તારી
તલવાર તો મોટા સામંતના શિર પર પડે, સ્ત્રી અબળા છે, અવધ્ય છે, તેના ઉપર કેવી
રીતે પડે? આ દુષ્ટ દાસી એના (અંજનાના) અભિપ્રાય વિના આમ કહે છે. તમે આજ્ઞા
કરો તો આ દાસીને લાકડીના એક પ્રહારથી મારી નાખું, પરંતુ સ્ત્રીહત્યા, બાળહત્યા,
પશુહત્યા, દુર્બળ મનુષ્યની હત્યા ઇત્યાદિને શાસ્ત્રમાં વર્જ્ય કહી છે. મિત્રનાં વચન
સાંભળીને પવનંજય ક્રોધ ભૂલી ગયા અને મિત્રને દાસી પર ક્રૂર બનેલ જોઈ કહેવા
લાગ્યા, હે મિત્ર! તું અનેક સંગ્રામનો જીતનાર, યશનો અધિકારી, મત્ત હાથીઓના
ગંડસ્થળ વિદારનાર, તારે દીન પર દયા જ કરવી જોઈએ. અરે, સામાન્ય પુરુષ પણ
સ્ત્રીહત્યા ન કરે તો તમે કેવી રીતે કરો. જે પુરુષ ઉચ્ચ કુળમાં જન્મ્યા હોય, ગુણથી
પ્રસિદ્ધ અને શૂરવીર હોય તેમનો યશ અયોગ્ય ક્રિયાથી મલિન થાય છે માટે ઉઠો, જે માર્ગે
આવ્યા તે જ માર્ગે ચાલો. જેમ છાનામાના આવ્યા હતા તેમ જ ચાલો. પવનંજયના
મનમાં ભ્રાંતિ થઈ કે આ કન્યાને વિદ્યુતપ્રભ જ પ્રિય છે તેથી તેની પ્રશંસા સાંભળે છે
અને મારી નિંદા સાંભળે છે. જો એને ન ગમતું હોય તો દાસી શા માટે કહે? આમ
મનમાં રોષ રાખીને પોતાના સ્થાનકે પહોંચી ગયા. પવનંજયકુમાર અંજના પ્રત્યે વિરક્ત
થઈ ગયા, મનમાં એમ વિચારવા લાગ્યા કે જેને બીજા પુરુષનો અનુરાગ છે એવી
અંજનાને વિકરાળ નદીની પેઠે દૂરથી જ છોડવી. કેવી છે અંજનારૂપ નદી? સંદેહરૂપ
વિષમ ભંવર ધારે છે અને ખોટા ભાવરૂપ મગરથી ભરેલી છે. તે નારી જંગલ સમાન છે,
જે અજ્ઞાનરૂપ અંધકારથી ભરેલ છે, ઈન્દ્રિયરૂપ સર્પને રાખે છે, પંડિતોએ કદાપિ તેનું
સેવન ન કરવું. ખોટા રાજાની સેવા અને શત્રુના આશ્રયે જવું, શિથિલ મિત્ર અને
અનાસક્ત સ્ત્રીથી સુખ ક્યાંથી મળે? જુઓ, જે વિવેકી છે તે ઇષ્ટ બંધુ, સુપુત્ર, પ્રતિવ્રતા
સ્ત્રીનો પણ ત્યાગ કરી મહાવ્રત ધારણ કરે છે અને શુદ્ર પુરુષ કુસંગ પણ છોડતા નથી.
મદ્ય પાનાર વૈદ્ય, શિક્ષારહિત હાથી, નિષ્કારણ વેરી, ક્રૂર જન, હિંસારૂપ ધર્મ, મૂર્ખાઓ
સાથે ચર્ચા, મર્યાદાનું ઉલ્લંઘન, નિર્દય દેશ, બાળક રાજા, પરપુરુષ-અનુરાગિની સ્ત્રી; આ
બધાંનો વિવેકીએ ત્યાગ કરવો. આ પ્રમાણે ચિંતવન કરતા પવનંજયકુમારના મનમાંથી
જેમ કન્યા પ્રત્યેની પ્રીતિ ઊડી ગઈ તેમ રાત્રિ પણ પૂરી થઈ અને પૂર્વ દિશામાં સંધ્યા
પ્રગટ થઈ, જાણે પવનંજયે અંજનાનો રાગ છોડયો તે ભમતો રહે છે.
કોપથી પવનંજયકુમાર કોપ્યા. સૂર્યનું બિંબ તરુણ છે. જગતની પ્રવૃત્તિનું કારણ છે. પછી
પવનંજયકુમાર મિત્ર પ્રહસ્તને કહેવા લાગ્યો કે હે મિત્ર! અહીં આપણો પડાવ છે ત્યાથી
તેનું સ્થાન નજીક છે માટે અહીં સર્વથા ન રહેવું. તેને સ્પર્શીને જે પવન આવે તે પણ
મને ગમતો નથી માટે ચાલો, આપણા નગરમાં જઈએ, ઢીલ કરવી ઉચિત નથી. કારણ કે
પવનંજયકુમારનું મન અંજનાથી વિમુખ થયું હતું. ત્યારે મિત્રે કુમારની આજ્ઞા પ્રમાણે
સેનાના લોકોને પ્રયાણની આજ્ઞા આપી.