ચિત્ર દોરવા લાગતી ત્યાં હાથ ધ્રૂજીને કલમ પડી જતી. તેનાં સર્વ અંગ દુર્બળ થઈ ગયાં,
આભૂષણો ઢીલાં પડવાથી નીકળી જતાં, દીર્ધ ઉષ્ણ ઉચ્છ્વાસથી તેના ગાલ કરમાઈ ગયા,
શરીર પર તેને વસ્ત્રનો પણ ભાર લાગતો, પોતાનાં અશુભ કર્મોને તે નિંદતી,
માતાપિતાને વારંવાર યાદ કરતી, તેનું હૃદય શૂન્ય બની ગયું હતું, શરીર ક્ષીણ થયું હતું,
તે મૂર્છિત બની જતી, નિશ્ચેષ્ટ થઈ જતી, રોઈરોઈને તેનું ગળું રૂંધાઈ ગયું હતું. વિહ્વળ
થઈને તે પૂર્વોપાર્જિત કર્મને ઠપકો દેતી, ચંદ્રનાં કિરણોથી પણ તેને દાહ થતો, મહેલમાં
ફરતાં તે પડી જતી અને પોતાના મનમાં જ પતિને આ પ્રમાણે કહેતી કે હે નાથ!
આપનાં મનોહર અંગ મારા હૃદયમાં નિરંતર રહે છે, મને શા માટે આપ સંતાપો છો? મેં
આપનો કોઇ અપરાધ કર્યો નથી, વિના કારણે આપ મારા પર કેમ કોપ કરો છો? હવે
પ્રસન્ન થાવ. હું તમને ભજું છું, મારા ચિત્તનો વિષાદ દૂર કરો, જેમ અંતરમાં દર્શન આપો
છો તેમ બહાર પણ આપો, હું હાથ જોડીને આપને વિનંતી કરું છું. જેમ સૂર્ય વિના
દિવસની શોભા નથી અને ચંદ્ર વિના રાત્રિની શોભા નથી, દયા, ક્ષમા, શીલ, સંતોષાદિ
ગુણ વિના વિદ્યા શોભતી નથી તેમ આપની કૃપા વિના મારી શોભા નથી. આ પ્રમાણે તે
ચિત્તમાં વસેલા પતિને સંબોધતી. તેનાં મોતી સમાન મોટાં નેત્રોમાંથી આંસુનાં બિંદુઓ
ખરતાં. તેની કોમળ શય્યા પર સખીઓ અનેક સામગ્રી લાવતી, પણ તેને કશું ગમતું
નહિ. ચક્રની જેમ તનૈ મનમાં વિયોગથી ભ્રમ ઉપજ્યો હતો, સ્નાનાદિ સંસ્કાર, કેશ
ઓળવા ગૂંથવાનું પણ તે કરતી નહિ, વાળ પણ લૂખા બની ગયા હતા, તે સર્વ ક્રિયામાં
જડ જાણે કે પૃથ્વી જેવી બની ગઈ હતી, આંખમાં નિરંતર આંસુ વહેવાને કારણે જાણે કે
તે જળરૂપ જ થઈ રહી છે, હૃદયના દાહના યોગથી જાણે કે અગ્નિરૂપ જ થઈ રહી છે,
નિશ્ચળ ચિત્તના યોગથી જાણે કે વાયુરૂપ થઈ રહી છે, શૂન્યતાના યોગથી જાણે કે
ગગનરૂપ જ થઈ રહી છે. મોહના યોગથી તેનું જ્ઞાન ઢંકાઈ ગયું છે, તેણે પોતાના સર્વ
અંગ ભૂમિ પર ફેંકી દીધાં છે, તે બેસી શકતી નહિ, બેસે તો ઊભી થઈ શકતી નહિ,
ઊભી થાય તો શરીરને ટેકાવી શકતી નહોતી, તે સખીઓનો હાથ પકડી ચાલતી, જેથી
પગ ડગે નહિ, ચતુર સખીઓ સાથે વાત કરવાની તે ઇચ્છા કરતી, પણ બોલી શકતી
નહિ અને હંસલી, કબૂતરી આદિ સાથે ક્રીડા કરવા ઇચ્છતી, પણ ક્રીડા કરી શકતી નહિ.
એ બિચારી બધાથી જુદી બેસી રહેતી. તેનું મન અને નેત્ર તો પતિમાં જ લાગી રહ્યાં છે,
તેનું કારણ વિના પતિ દ્વારા અપમાન થયું હતું. એનો એકેક દિવસ એક વરસ જેવો થતો
હતો. તેની આવી અવસ્થા જોઈને આખું કુટુંબ દુઃખી થયું. બધા વિચારતા હતા કે આને
વિના કારણે આટલું દુઃખ કેમ આવ્યું? આ કોઈ પૂર્વોપાર્જિત પાપકર્મનો ઉદય છે.
પાછળના ભવમાં આણે કોઈના સુખમાં અંતરાય કર્યો હશે તેથી એને પણ સુખનો
અંતરાય પડયો. વાયુકુમાર તો નિમિત્તમાત્ર છે. આ ખૂબ ભોળી અને નિર્દોષ છે. આને
પરણીને કેમ છોડી દીધી? આવી કન્યા સાથે દેવ સમાન ભોગ કેમ ન ભોગવ્યા? આણે