સમીપ લાવ્યો, વરુણે રાવણની સેવા અંગીકાર કરી, રાવણ પવનંજય પ્રત્યે અત્યંત પ્રસન્ન
થયા. પવનંજય રાવણની વિદાય લઈને અંજનાના સ્નેહથી શીઘ્ર ઘર તરફ ઉપડયા. રાજા
પ્રહલાદે સાંભળ્યું કે પુત્ર વિજય કરીને આવ્યો છે એટલે ધજા, તોરણ, માળાદિકોથી
નગરની શોભા કરી, બધાં જ સગાં-સ્નેહીઓ અને નગરજનો સામે આવ્યાં. નગરનાં સર્વ
નરનારીઓએ એમના પરાક્રમની પ્રશંસા કરી. તેમને રાજમહેલના દ્વાર પર અર્ધ્યાદિક વડે
ખૂબ સન્માન આપીને મહેલમાં લઈ ગયા. સારભૂત મંગળ વચનો દ્વારા કુંવરની બધાએ
પ્રશંસા કરી. કુંવર માતાપિતાને પ્રણામ કરી, બધાના નમસ્કાર ઝીલી થોડીવાર સભામાં
બધાની સાથે વાતચીત કરી, પોતે અંજનાના મહેલે પધાર્યા. મિત્ર પ્રહસ્ત સાથે હતો. જેમ
જીવ વિના શરીર સુંદર લાગતું નથી તેમ અંજના વિના તે મહેલ મનોહર લાગ્યો નહિ.
તેનું મન નારાજ થઈ ગયું. તે પ્રહસ્તને કહેવા લાગ્યા કે હે મિત્ર! અહીં તે કમળનયની
પ્રાણપ્રિયા દેખાતી નથી, તે ક્યાં હશે? તેના વિના આ મહેલ મને ઉજ્જડ જેવો લાગે છે
અથવા આકાશ સમાન શૂન્ય લાગે છે. માટે તમે તપાસ કરો કે તે ક્યાં છે? પછી પ્રહસ્તે
અંદરના માણસો સાથે વાતચીત કરીને બધો વૃત્તાંત કહ્યો. આ સાંભળી તેનું હૃદય ક્ષોભ
પામ્યું. તે માતાપિતાને પૂછયા વિના જ મિત્ર સાથે રાજા મહેન્દ્રના નગરમાં ગયા. તેનું
ચિત્ત ઉદાસ હતું. જ્યારે તે રાજા મહેન્દ્રના નગર સમીપ પહોંચ્યા ત્યારે મનમાં એમ હતું કે
આજે પ્રિયાનો મેળાપ થશે. તેણે મિત્રને કહ્યું કે હે મિત્ર! જુઓ, આ નગર મનોહર
દેખાય છે, જ્યાં તે સુંદર કટાક્ષવાળી સુંદરી બિરાજે છે. જેમ કૈલાસ પર્વતનાં શિખર શોભે
છે તેમ મહેલનાં શિખર રમણીક દેખાય છે, વનનાં વૃક્ષો એવાં સુંદર છે કે જાણે
વર્ષાકાળની સઘન ઘટા જ હોય. મિત્ર સાથે આમ વાતો કરતાં તે નગર પાસે જઈ
પહોંચ્યા. મિત્ર પણ ખૂબ પ્રસન્ન હતો. રાજા મહેન્દ્રે સાંભળ્યું કે પવનંજયકુમાર વિજય
કરી, પિતાને મળીને અહીં આવ્યા છે એટલે નગરની ખૂબ શોભા કરાવી અને પોતે
અર્ધ્યાદિ સામગ્રી લઈ સામે આવ્યા. નગરજનોએ ખૂબ આદરથી તેમનાં ગુણગાન કર્યાં.
કુંવર રાજમહેલમાં આવ્યા. થોડીવાર સસરા સાથે બેઠા, બધાનું સન્માન કર્યું અને
પ્રસંગોચિત વાતો કરી. પછી રાજાની આજ્ઞા લઈ સાસુને વંદન કર્યા. પછી પ્રિયાના
મહેલમાં પધાર્યા. કુમારને કાંતાને દેખવાની તીવ્ર અભિલાષા છે. ત્યાં પણ પત્નીને જોઈ
નહિ એટલે વિરહાતુર થઈને કોઈને પૂછયુંઃ હે બાલિકે! અમારી પ્રિયા ક્યાં છે? ત્યારે
તેણે જવાબ આપ્યો કે દેવ! અહીં આપની પ્રિયા નથી. તેના વચનરૂપી વજ્રથી તેનું હૃદય
ચૂરેચૂરા થઈ ગયું. કાનમાં જાણે ઊના ઊના ખારજળનું સીંચન થયું. જીવરહિત મૃતક
કલેવર હોય તેવું શરીર થઈ ગયું, શોકરૂપી દાહથી તેનું મુખ કરમાઈ ગયું. એ સસરાના
નગરમાંથી નીકળીને પૃથ્વી પર સ્ત્રીની શોધ માટે ભટકવા લાગ્યો, જાણે વાયુકુમારને
વાયુનો સપાટો લાગ્યો. તેને અતિઆતુર જોઈને તેનો મિત્ર પ્રહસ્ત એના દુઃખથી ખૂબ
દુઃખી થયો અને એને કહેવા લાગ્યો, હે મિત્ર! શા માટે ખિન્ન થાય છે? તારું ચિત્ત
નિરાકુળ કર. આ પૃથ્વી કેવડીક છે? જ્યાં હશે ત્યાંથી ગોતી કાઢીશું. પછી કુમારે મિત્રને
કહ્યું કે તમે આદિત્યપુર મારા