પુત્રના શોકથી અત્યંત પીડિત થઈને રોતી રોતી પ્રહસ્તને કહેવા લાગી કે તું મારા પુત્રને
એકલો છોડીને આવ્યો તે સારું નથી કર્યું. ત્યારે પ્રહસ્તે કહ્યું કે મને અત્યંત આગ્રહ કરીને
તમારી પાસે મોકલ્યો છે તેથી આવ્યો છું. હવે ત્યાં જઈશ. માતાએ પૂછયું કે તે ક્યાં છે?
ત્યારે પ્રહસ્તે કહ્યું કે જ્યાં અંજના હોય ત્યાં હશે. માતાએ ફરી પૂછયું કે અંજના ક્યાં છે?
પ્રહસ્તે જવાબ આપ્યો કે મને ખબર નથી. હે માતા! જે વગર વિચાર્યે ઉતાવળું પગલું
ભરે છે તેને પસ્તાવો થાય છે. તમારા પુત્રે એવો નિશ્ચય કર્યો છે કે જો હું પ્રિયાને નહિ
જોઉં તો પ્રાણત્યાગ કરીશ. આ સાંભળી માતા અત્યંત વિલાપ કરવા લાગી, અંતઃપુરની
બધી સ્ત્રીઓ રોવા લાગી. માતા વિલાપ કરે છે, હાય મેં પાપિણીએ શું કર્યું? મહાસતીને
કલંક લગાડયું, જેથી મારા પુત્રને જીવનની શંકા થઈ. હું ક્રૂર ભાવવાળી, મહાવક્ર,
મંદભાગીએ વિના વિચાર્યે આ કામ કર્યું. આ નગર, આ કુળ, આ વિજ્યાર્ધ પર્વત અને
રાવણની સેના પવનંજય વિના શોભતી નથી, મારા પુત્ર સિવાય બીજો એવો કોણ છે કે
જેણે રાવણથી પણ અસાધ્ય એવા વરુણને લડાઈમાં ક્ષણમાત્રમાં બાંધી લીધો. હાય વત્સ!
વિજયના આધાર, ગુરુપૂજામાં તત્પર, જગતસુંદર, વિખ્યાત ગુણના ધારક એવો તું ક્યાં
ગયો? હે પુત્ર! તારા દુઃખરૂપ અગ્નિથી તપ્ત એવી તારી માતા સાથે તું વાતચીત કર,
મારો શોક ટાળ. આમ વિલાપ કરતી પોતાની છાતી અને શિર કૂટતી કેતુમતીએ આખા
કુટુંબને શોકરૂપ કર્યું. પ્રહલાદ પણ આંસુ સારવા લાગ્યા. પોતાના પરિવારજનોને સાથે લઈ
પ્રહલાદને આગળ કરી પોતાના નગરમાંથી પુત્રને ગોતવા બહાર સૌ નીકળ્યા. બન્ને
શ્રેણીઓના બધા વિદ્યાધરોને પ્રેમથી બોલાવ્યા, તે બધા પરિવાર સહિત આવ્યા. બધા
આકાશમાર્ગે કુંવરને ગોતે છે. પૃથ્વી પર, ગંભીર વન, તળાવો અને પર્વતો પર ગોતે છે.
રાજા પ્રતિસૂર્ય પાસે પણ પ્રહલાદનો દૂત ગયો. તે સાંભળીને ખૂબ શોક પામ્યા અને
અંજનાને વાત કરી તેથી અંજના પ્રથમ દુઃખ કરતાં પણ અધિક દુઃખ પામી. અશ્રુધારાથી
વદન ભીંજાવતી રુદન કરવા લાગી કે હે નાથ! મારા પ્રાણના આધાર! મારામાં જ જેનું
મન બંધાયું છે એવી જન્મદુઃખિયારી મને છોડીને ક્યાં ગયા? શું મારા પ્રત્યેનો ગુસ્સો
હજી ઊતર્યો નથી, કે જેથી સર્વ વિદ્યાધરોથી અદ્રશ્ય થઈ ગયા છો. એક વાર એક પણ
અમૃત સમાન વચન મને કહો, આટલા દિવસ આ પ્રાણ તમારાં દર્શનની ઇચ્છાથી ટકાવ્યા
છે. હવે જો તમારાં દર્શન ન થાય તો આ મારા પ્રાણ શા કામના છે? મારા મનમાં
અભિલાષા હતી કે પતિનો સમાગમ થશે, પણ દૈવે તે મનોરથ તોડી નાખ્યો. મંદભાગિની
એવી મારા માટે આપ કષ્ટ પામ્યા. તમારા કષ્ટની વાત સાંભળીને મારા પાપી પ્રાણ કેમ
નથી ચાલ્યા જતા? આમ વિલાપ કરતી અંજનાને જોઈને વસંતમાલા કહેવા લાગી કે હે
દેવી! આવાં અમંગળ વચન ન બોલો. તમારો પતિ સાથે અવશ્ય મેળાપ થશે. પ્રતિસૂર્ય
પણ આશ્વાસન આપતા કે તારા પતિને શીઘ્ર ગોતી લાવીશું. આમ કહીને રાજા પ્રતિસૂર્યે
મનથી પણ ઉતાવળા વિમાનમાં બેસીને આકાશમાંથી નીચે ઉતરીને પૃથ્વી પર શોધ કરી.
પ્રતિસૂર્યની સાથે બન્ને શ્રેણીઓના વિદ્યાધરો અને લંકાના લોકો પણ યત્નથી