હાથી જોયો. તે વર્ષાકાળના સઘન મેઘ સમાન છે. તેને જોઈને સર્વ વિદ્યાધરો પ્રસન્ન થયા
કે જ્યાં આ હાથી છે ત્યાં પવનંજય છે. પૂર્વે અમે આ હાથી અનેક વાર જોયો છે. આ
હાથી અંજનગિરિ જેવા રંગવાળો, કુંદપુષ્પ સમાન શ્વેત દાંતવાળો, સુંદર સૂંઢવાળો છે. પણ
જ્યારે વિદ્યાધરો હાથીની પાસે આવ્યા ત્યારે તેને નિરંકુશ જોઈને ડરી ગયા. હાથી
વિદ્યાધરોના સૈન્યોનો અવાજ સાંભળીને અત્યંત ક્ષોભ પામ્યો. હાથી મહાભયંકર, દુર્નિવાર,
શીઘ્ર વેગવાળો, મદથી ભીંજાયેલા કપોલવાળો, કાન હલાવતો અને ગર્જના કરતો જે દિશા
તરફ દોડતો તે દિશામાંથી વિદ્યાધરો ખસી જતા. લોકોનો સમૂહ જોઈને સ્વામીની રક્ષામાં
તત્પર આ હાથી સૂંઢમાં તલવાર રાખીને પવનંજયની પાસેથી ખસતો નહિ અને વિદ્યાધરો
ડરથી તેની પાસે આવતા નહિ. પછી વિદ્યાધરોએ હાથણીઓ દ્વારા એને વશ કર્યો, કેમ કે
વશ કરવાના જેટલા ઉપાયો છે તેમાં સ્ત્રી સમાન બીજો કોઈ ઉપાય નથી. પછી એ
આગળ આવીને પવનકુમારને જોવા લાગ્યા. જાણે કે લાકડાનું પૂતળું હોય, મૌન ધારીને
બેઠા છે. તેઓ તેમનો યોગ્ય ઉપચાર કરવા લાગ્યા. પણ એ તો ચિંતવનમાં લીન બીજા
કોઈ સાથે બોલતા નહિ, જેમ ધ્યાનરૂઢ મુનિ કોઈની સાથે બોલતા નથી તેમ. પછી
પવનંજયના માતાપિતા આંસુ વહાવતાં, એનું મસ્તક ચૂમતાં, છાતીએ લગાવતાં કહેવા
લાગ્યા કે હે પુત્ર! આવો વિનયવાન તું અમને છોડીને ક્યાં આવ્યો? મહાકોમળ સેજ પર
સૂનારાએ આ ભયંકર વનમાં રાત્રિ કેવી રીતે વ્યતીત કરી? આમ બોલાવવાં છતાં પણ
તે બોલ્યા નહિ. પછી એમને મૌનવ્રત ધારણ કરેલ અને નમ્રીભૂત થઈને, મરણનો નિશ્ચય
કરીને બેઠેલા જોઈને બધા વિદ્યાધરો શોક પામ્યા, પિતા સહિત સૌ વિલાપ કરવા લાગ્યા.
હકીકત કહું છું તે સાંભળો. એક મહારમણીક સંધ્યાભ્ર નામનો પર્વત છે ત્યાં અનંગવીચિ
નામના મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું અને ઇન્દ્રાદિક દેવો તેમના દર્શન કરવા આવ્યા
હતા અને હું પણ ગયો હતો. ત્યાંથી વંદના કરી પાછો ફરતો હતો ત્યાં માર્ગમાં એક
પર્વતની ગુફા પર મારું વિમાન આવ્યું ત્યારે મેં કોઈ સ્ત્રીના રુદનનો અવાજ સાંભળ્યો,
જાણે કે વીણા વાગતી હોય તેવો. હું ત્યાં ગયો અને મેં અંજનાને ગુફામાં જોઈ. મેં તેને
વનમાં નિવાસ કરવાનું કારણ પૂછયું ત્યારે વસંતમાલાએ બધી હકીકત કહી. અંજના
શોકથી વિહ્વળ બની રોતી હતી તેને મેં ધીરજ આપી અને ગુફામાં તેને પુત્રનો જન્મ
થયો તે ગુફા પુત્રના શરીરની કાંતિથી પ્રકાશરૂપ થઈ ગઈ, જાણે કે તે સોનાની જ ન
બનાવી હોય. આ વાત સાંભળીને પવનંજયને ખૂબ હર્ષ થયો અને પ્રતિસૂર્યને પૂછયુંઃ “
બાળક સુખમાં છે ને?” પ્રતિસૂર્યે કહ્યું કે બાળકને હું વિમાનમાં બેસાડીને હનૂરુહ દ્વીપ
જઈ રહ્યો હતો ત્યાં માર્ગમાં બાળક ઊછળીને એક પર્વત પર પડયું. પર્વત પર પડવાનું
નામ સાંભળીને પવનંજયના મુખમાંથી અરરર એવો શબ્દ નીકળી ગયો. ત્યારે પ્રતિસૂર્યે
કહ્યું કે શોક