ન કરો, જે બાબત બની તે સાંભળો જેથી સર્વ દુઃખ દૂર ટળી જાય. બાળકને પડેલો
જોઈને હું વિલાપ કરતો વિમાનમાંથી નીચે ઊતર્યો ત્યાં શું જોયું કે પર્વતના ટુકડેટુકડા થઈ
ગયા હતા અને એક શિલા પર બાળક પડયો હતો અને જ્યોતિથી દશે દિશા પ્રકાશરૂપ
થઈ રહી હતી. પછી મેં ત્રણ પ્રદક્ષિણા દઈ, નમસ્કાર કરી બાળકને ઊઠાવી લીધો, તેની
માતાને સોંપ્યો અને માતા અત્યંત વિસ્મય પામી. પુત્રનું નામ શ્રી શૈલ રાખ્યું. પછી હું
વસંતમાલા અને પુત્ર સહિત અંજનાને હનૂરુહ દ્વીપ લઈ ગયો. ત્યાં પુત્રનો જન્મોત્સવ
થયો તેથી બાળકનું બીજું નામ હનુમાન પણ છે. આ તમને મેં બધી હકીકત કહી. તે
પતિવ્રતા પુત્ર સહિત મારા નગરમાં સુખપૂર્વક રહે છે. આ વૃત્તાંત સાંભળીને પવનંજય
તત્કાળ અંજનાને જોવાને અભિલાષી હનૂરુહ દ્વીપ તરફ ચાલ્યા. બધા વિદ્યાધરો પણ
તેમની સાથે ચાલ્યા. હનૂરુહ દ્વીપમાં ગયા તે બધાને પ્રતિસૂર્ય રાજાએ બે મહિના સુધી
આદરપૂર્વક રાખ્યા. પછી બધા રાજી થઈને પોતપોતાના સ્થાનકે ગયા. ઘણા દિવસો પછી
તેની પત્નીનો મેળાપ થયો હતો તે પવનંજય અહીં જ રહ્યો. તે પુત્રની ચેષ્ટાથી
અતિઆનંદ પામી હનૂરુહ દ્વીપમાં દેવની જેમ રમ્યા. હનુમાન નવયૌવન પામ્યા. મેરુના
શિખર સમાન જેનું શિર છે, તે બધા જીવોનાં મનનું હરણ કરતા, તેમને અનેક વિદ્યાઓ
સિદ્ધ થઈ હતી. તે અત્યંત પ્રભાવશાળી, વિનયવાન, મહાબળવાન, સર્વ શાસ્ત્રોના અર્થમાં
પ્રવીણ, પરોપકાર કરવામાં ચતુર, પૂર્વભવમાં સ્વર્ગમાં સુખ ભોગવીને આવ્યા હતા અને
હવે અહીં હનૂરુહ દ્વીપમાં દેવોની જેમ રમતા હતા.
ભાવ ધરીને આ કથા વાંચે, વંચાવે, સાંભળે, સંભળાવે તેમને અશુભ કર્મમાં પ્રવૃત્તિ થતી
નથી અને તે શુભ ક્રિયામાં ઉદ્યમી થાય છે; અને જે આ કથા ભાવ ધરીને ભણે, ભણાવે
તેમને પરભવમાં શુભ ગતિ, દીર્ઘ આયુષ્ય, નીરોગ સુંદર શરીર મળે, તે મહાપરાક્રમી થાય
અને તેમની બુદ્ધિ કરવા યોગ્ય કાર્યનો પાર પામે, ચંદ્રમા સમાન નિર્મલ કીર્તિ પ્રગટે,
જેનાથી સ્વર્ગ-મોક્ષનાં સુખ મળે એવા ધર્મની વૃદ્ધિ થાય, જે લોકમાં દુર્લભ વસ્તુ છે તે
બધી સુલભ બને અને સૂર્ય સમાન પ્રતાપના ધારક થાય.
વર્ણવતું અઢારમું પર્વ પૂર્ણ થયું.