આજ્ઞાપત્ર લઈને દૂત ગયા. રાવણ રાજ્ય-કાર્યમાં નિપૂણ છે. કિહકંધાપુરના રાજા અને
અલકાના રાજા, રથનૂપુર તથા ચક્રવાલપુરના રાજાઓ, વૈતાઢયની બન્ને શ્રેણીઓના
વિદ્યાધર અને ભૂમિગોચરી બધા જ આજ્ઞા પ્રમાણ કરીને રાવણની સમીપે આવ્યા.
હનૂરુહદ્વીપમાં પણ પ્રતિસૂર્ય અને પવનંજયના નામના આજ્ઞાપત્ર લઈને દૂત આવ્યા તેથી
બન્ને આજ્ઞાપત્ર માથે ચડાવી, દૂતનું ખાસ સન્માન કરી, આજ્ઞા પ્રમાણે જવા તૈયાર થયા.
પછી હનુમાનને રાજ્યાભિષેક કરવામાં આવ્યો. વાજિંત્રો વાગવા લાંગ્યા, હાથમાં કળશ
લઈને ઊભેલા પુરુષો આગળ આવ્યા. ત્યારે હનુમાને પ્રતિસૂર્ય અને પવનંજયને પૂછયું કે
આ શું છે? તેમણે જવાબ આપ્યો. ‘હે વત્સ! તું હનૂરુહ દ્વીપનું પ્રતિપાલન કર, અમે
બન્ને રાવણના નિમંત્રણને કારણે તેને મદદ કરવા જઈએ છીએ. રાવણ વરુણ પર ચઢાઈ
કરે છે, વરુણે ફરીથી માથું ઊંચકયું છે, તે મહાસામંત છે, તેની પાસે મોટું સૈન્ય છે, પુત્ર
બળવાન છે અને ગઢનું પણ બળ છે. ત્યારે હનુમાન વિનયથી કહેવા લાગ્યા કે હું હોઉં
અને તમે જાવ તે ઉચિત નથી, તમે મારા વડીલ છો. તેમણે કહ્યું કે વત્સ! તું બાળક છે,
તેં હજી સુધી લડાઈ જોઈ નથી. હનુમાને કહ્યું કે અનાદિકાળથી જીવ ચારગતિમાં ભ્રમણ
કરે છે, જ્યાં સુધી અજ્ઞાનનો ઉદય છે ત્યાં સુધી જીવે પંચમગતિ (મુક્તિ) પ્રાપ્ત કરી
નથી, પરંતુ ભવ્યજીવ પામે જ છે. તેમ મેં હજી સુધી યુદ્ધ કર્યું નથી, પણ હવે યુદ્ધ કરીને
વરુણને જીતીશ જ અને વિજય મેળવીને તમારી પાસે આવીશ. જોકે પિતા આદિ કુટુંબના
અનેક જનોએ તેમને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ એ નહિ રોકાય એમ જાણ્યું ત્યારે
તેમણે આજ્ઞા આપી. એ સ્નાન-ભોજન કરીને પહેલાં મંગળ દ્રવ્યોથી ભગવાનની પૂજા
કરી, અરિહંત સિદ્ધને નમસ્કાર કરી, માતાપિતા અને મામાની આજ્ઞા લઈ, વડીલોને
વિનય કરીને યોગ્ય વાત કરીને સૂર્યતુલ્ય જ્યોતરૂપ વિમાનમાં બેઠા. શસ્ત્રો સહિત અને
સામંતો સાથે જેનો યશ દશે દિશામાં ફેલાઈ ગયો છે એવા તે લંકા તરફ ચાલ્યા. તે
ત્રિકૂટાચળની સામે વિમાનમાં બેસીને જતા એવા શોભતા હતા, જેવા મંદરાચળ સન્મુખ
જતા ઈશાનચંદ્ર શોભે છે. તે વખતે જલવીચિ નામના પર્વત પર સૂર્યાસ્ત થયો. કેવો છે તે
પર્વત? સમુદ્રની લહેરોથી તેના તટ શીતલ છે. ત્યાં સુખપૂર્વક રાત્રિ પૂર્ણ કરી, મહાન
યોદ્ધાઓ પાસેથી વીરરસની કથા સાંભળી. ખૂબ ઉત્સાહથી વિવિધ પ્રકારના દેશ, દ્વીપ,
પર્વતોને ઓળંગતા, સમુદ્રના તરંગોથી શીતળ સ્થાનોનું અવલોકન કરતા, સમુદ્રમાં મોટા
મોટા જળચર જીવોને દેખતા તે રાવણના સૈન્યમાં પહોંચ્યા. હનુમાનની સેના જોઈને મોટા
મોટા રાક્ષસો અને વિદ્યાધરો વિસ્મય પામ્યા. તેઓ પરસ્પર વાતો કરે છે