ચૂરા કરી નાખ્યા હતા. આવી રીતે પોતાના યશગાન સાંભળતાં હનુમાન રાવણ પાસે
પહોંચ્યા. રાવણ હનુમાનને જોઈને સિંહાસન ઉપરથી ઊભા થયા અને વિનય કર્યો.
રાવણનું સિંહાસન પારિજાતિક એટલે કલ્પવૃક્ષોનાં ફૂલોથી ભરેલું છે, તેની સુગંધથી ભમરા
ગુંજારવ કરે છે. તેનાં રત્નોની જ્યોતથી આકાશમાં ઉદ્યોત થઈ રહ્યો છે, તેની ચારે બાજુ
મોટા સામંતો છે એવા સિંહાસન ઉપરથી ઊઠીને રાવણે હનુમાનને છાતીએ ચાંપ્યા.
હનુમાનનું શરીર રાવણ પ્રત્યેના વિનયથી નીચે નમી ગયું છે. રાવણે હનુમાનને પાસે
બેસાડ્યા. પ્રેમથી પ્રસન્નમુખે પરસ્પરની કુશળતા પૂછી અને પરસ્પરની રૂપસંપદા જોઈને
આનંદ પામ્યા. બન્ને ભાગ્યશાળી એવા મળ્યા, જાણે બે ઇન્દ્રો મળ્યા હોય. રાવણનું મન
અત્યંત સ્નેહથી પૂર્ણ છે. તેણે કહ્યું કે પવનકુમારે આવા ગુણોના સાગરરૂપ પુત્રને
મોકલીને અમારી સાથે ખૂબ સ્નેહ વધાર્યો છે. આવા મહાબલીની પ્રાપ્તિ થવાથી મારા
સર્વ મનોરથ સિદ્ધ થશે. આવો તેજસ્વી બીજો કોઈ નથી, આ યોદ્ધો જેવી તેની વાત
સાંભળી હતી તેવો જ છે, એમાં સંદેહ નથી. એ અનેક શુભ લક્ષણોથી ભરપૂર છે, એના
શરીરનો આકાર જ એનાં ગુણો પ્રગટ કરે છે. રાવણે જ્યારે હનુમાનના ગુણોનું વર્ણન કર્યું
ત્યારે હનુમાન નમ્ર બની ગયા. લજ્જાળુ પુરુષની જેમ તેમનું શરીર નમ્ર બની રહ્યું.
સંતોની એ રીત જ છે. હવે રાવણને વરુણ સાથે સંગ્રામ થશે તે જાણીને જાણે કે સૂર્ય
ભયથી અસ્ત થવાની તૈયારી કરવા લાગ્યો. તેનાં કિરણો મંદ થઈ ગયાં. સૂર્યાસ્ત થયા
પછી સંધ્યા પ્રગટી અને વિલય પામી, જાણે કે પ્રાણનાથની વિનયવંતી પતિવ્રતા સ્ત્રી જ
હોય. ચંદ્રમારૂપ તિલક કરીને રાત્રિરૂપી સ્ત્રી શોભવા લાગી. પછી પ્રભાત થયું, સૂર્યના
કિરણોથી પૃથ્વી પર પ્રકાશ ફેલાઈ ગયો. રાવણ સમસ્ત સેનાને લઈને યુદ્ધ કરવા તૈયાર
થયો. હનુમાન વિદ્યાથી સમુદ્રને ભેદીને વરુણના નગરમાં ગયા વરુણ પર ચડાઈ કરવા
જતાં હનુમાને એવી કાંતિ ધારણ કરી હતી, જેવી સુભૂમ ચક્રવર્તીએ પરશુરામ ઉપર ચડતાં
ધારણ કરી હતી. રાવણને દળ સાથે આવેલ જાણીને વરુણની પ્રજા ભયભીત થઈ ગઈ.
પાતાળ પુંડરિકનગરના યોદ્ધાઓમાં મોટો કોલાહલ થયો. યોદ્ધાઓ નગરમાંથી બહાર
નીકળ્યાં, જાણે કે તેઓ અસુરકુમાર દેવ જેવા અને વરુણ ચમરેન્દ્ર તુલ્ય હોય.
મહાશૂરવીરપણાથી ગર્વિત વરુણના સો પુત્રો અતિ ઉદ્ધત યુદ્ધ કરવા તૈયાર થયા.
જાતજાતનાં શસ્ત્રોનાં સમૂહથી સૂર્યનું દર્શન પણ રોકાઈ ગયું હતું, વરુણના પુત્રો
આવતાંવેંત રાવણનું સૈન્ય એવું વ્યાકુળ થઈ ગયું, જેમ અસુરકુમાર દેવોથી ક્ષુદ્ર દેવો
ધ્રૂજવા લાગે તેમ. ચક્ર, ધનુષ્ય, વજ્ર, ભાલા, બરછી ઈત્યાદિ શસ્ત્રો રાક્ષસોના હાથમાંથી
પડી ગયાં. વરુણના સો પુત્રો સામે રાક્ષસોનું દળ એવી રીતે ભમવા માંડયું, જેમ વૃક્ષોનો
સમૂહ વજ્ર પડવાથી કંપે. તે વખતે પોતાના સૈન્યને વ્યાકુળ જોઈને રાવણ વરુણના પુત્રો
સામે ગયો. જેમ ગજેન્દ્ર વૃક્ષોને ઉખાડી નાખે તેમ તેણે મોટા મોટા યોદ્ધાને ઉખેડી નાખ્યા.
એક તરફ રાવણ એકલો હતો અને સામી બાજુએ વરુણના સો પુત્રો હતા. તેમનાં
બાણોથી રાવણનું શરીર ભેદાઈ ગયું તો પણ રાવણે કાંઈ ગણકાર્યું નહિ.