Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 222 of 660
PDF/HTML Page 243 of 681

 

background image
૨૨૨ એકવીસમું પર્વ પદ્મપુરાણ
કર્યું. ભગવાને યતિધર્મ અને શ્રાવકધર્મનું વિધિપૂર્વક વર્ણન કર્યું. ધર્મનું શ્રવણ કરીને
કેટલાક મનુષ્યો મુનિ થયા. કેટલાક મનુષ્યો શ્રાવક થયા, કેટલાક તિર્યંચોએ શ્રાવકનાં વ્રત
ધારણ કર્યાં. દેવોને વ્રત હોતાં નથી, પણ કેટલાક દેવો સમ્યક્ત્વ પામ્યા. શ્રી
મુનિસુવ્રતનાથ ધર્મતીર્થનું પ્રવર્તન કરી, સુર-અસુર અને મનુષ્યો દ્વારા સ્તુતિ કરવા યોગ્ય
અનેક સાધુઓ સહિત પૃથ્વી પર વિહાર કરતા હતા. તેઓ સમ્મેદશિખર પર્વત ઉપરથી
લોકશિખરને પામ્યા. આ શ્રી મુનિસુવ્રતનાથનું ચરિત્ર જે પ્રાણી ભાવ ધરીને સાંભળે તેનાં
સર્વ પાપ નાશ પામે છે અને જ્ઞાનસહિત તપથી પરમસ્થાનને પામે છે કે જ્યાંથી ફરી
પાછા ફરવાનું નથી.
ત્યારબાદ મુનિસુવ્રતનાથના પુત્ર રાજા સુવ્રત ઘણો કાળ રાજ્ય કરીને દક્ષ નામના
પુત્રને રાજ્ય આપીને જિનદીક્ષા ધારણ કરીને મોક્ષ પામ્યા. દક્ષને એલાવર્ધન નામે પુત્ર
હતો, તેને શ્રીવર્ધન, તેને શ્રીવૃક્ષ, તેને સંજયંત, તેને કુણિમ, તેને મહારથ, તેને પુલોમ
ઈત્યાદિ અનેક રાજા હરિવંશમાં થયા. તેમાં કેટલાક મુક્તિ પામ્યા અને કેટલાક સ્વર્ગે
ગયા. આ પ્રમાણે અનેક રાજા થયા. પછી આ જ કુળમાં એક વાસવકેતુ નામે રાજા થયા.
તે મિથિલાનગરીના સ્વામી હતા, તેને સુંદર નેત્રોવાળી વિપુલા નામની પટરાણી હતી.
પરમલક્ષ્મીનું સ્વરૂપ એવી તેને જનક નામે પુત્ર થયો. સમસ્ત નીતિમાં પ્રવીણ તે પિતા
પુત્રનું પાલન કરે તેમ પોતાના રાજ્યની પ્રજાનું પાલન કરતા હતા. ગૌતમ સ્વામી કહે છે
કે હે શ્રેણિક! આ તને જનકની ઉત્પત્તિ કહી. જનક હરિવંશી છે.
(દશરથની ઉત્પત્તિ આદિનું વર્ણન)
હવે ઋષભદેવના કુળમાં રાજા દશરથ થયા. તેમના વંશનું વર્ણન સાંભળ.
ઈક્ષ્વાકુવંશમાં શ્રી ઋષભદેવ નિર્વાણ પધાર્યા પછી તેમના પુત્ર ભરત પણ નિર્વાણ પધાર્યા.
તે ઋષભદેવના સમયથી માંડીને મુનિસુવ્રતનાથના સમય સુધી ઘણો કાળ વીતી ગયો તેમાં
અસંખ્ય રાજા થયા. કેટલાક તો મહાદુર્દ્ધર તપ કરીને નિર્વાણ પામ્યા, કેટલાક અહમિંન્દ્ર
થયા, કેટલાક ઇન્દ્રાદિક મોટી ઋદ્ધિના ધારક દેવ થયા; અને સાવ થોડા પાપના ઉદયથી
નરકમાં ગયા. હે શ્રેણિક! આ સંસારમાં અજ્ઞાની જીવ ચક્રની જેમ ભ્રમણ કરે છે, કોઈ વાર
સ્વર્ગાદિ ભોગ પામે છે, તેમાં મગ્ન થઈ ક્રીડા કરે છે, કેટલાક પાપી જીવ નરક નિગોદમાં
કલેશ ભોગવે છે. આ પ્રાણી પુણ્યપાપના ઉદયથી અનાદિકાળથી ભ્રમણ કરે છે. કોઈ વાર
કષ્ટ ભોગવે છે. કોઈ વાર ઉત્સવ માણે છે. જો વિચાર કરીને જોવામાં આવે તો દુઃખ મેરુ
સમાન, સુખ રાઈ સમાન છે. કેટલાક દ્રવ્ય વિના કષ્ટ ભોગવે છે. કેટલાક બાલ્યાવસ્થામાં
મૃત્યુ પામે છે, કેટલાક શોક કરે છે, કેટલાક રુદન કરે છે, કેટલાક વિવાદ કરે છે, કેટલાક
ભણે છે, કેટલાક બીજાની રક્ષા કરે છે, કેટલાક પાપી બાધા કરે છે, કેટલાક ગર્જે છે,
કેટલાક ગાન કરે છે, કેટલાક બીજાની સેવા કરે છે, કેટલાક ભાર વહે છે, કેટલાક શયન
કરે છે, કેટલાક બીજાની નિંદા કરે છે, કેટલાક કેલિ કરે છે, કેટલાક યુદ્ધમાં શત્રુઓને જીતે
છે, કેટલાક શત્રુઓને પકડી છોડી દે છે, કેટલાક કાયરો યુદ્ધ દેખીને ભાગે છે, કેટલાક