કાળની સંધ્યામાં વૃષ્ટિ થઈ. પંદર મહિના સુધી રાજાના ઘરમાં રત્નોની વૃષ્ટિ થઈ. છ
કુમારિકા સમસ્ત પરિવાર સહિત માતાની સેવા કરતી હતી. જન્મ થતાં જ ઇન્દ્ર લોકપાલ
સહિત આવીને ભગવાનને ક્ષીરસાગરના જળથી સુમેરુ પર્વત ઉપર સ્નાન કરાવવા લઈ
ગયા હતા. પછી ઇન્દ્રે ભક્તિથી પૂજા કરી, સ્તુતિ કરી અને નમસ્કાર કરી. સુમેરુ પર્વત
પરથી ભગવાનને પાછા લાવી માતાની ગોદમાં પધરાવ્યા હતા. જ્યારથી ભગવાન
માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી જ લોકો અણુવ્રત મહાવ્રતમાં વિશેષ પ્રવર્ત્યા અને
માતાએ વ્રત લીધાં તેથી ભગવાન પૃથ્વી પર મુનિસુવ્રત કહેવાયા. તેમનો વર્ણ અંજનગિરિ
સમાન હતો. પણ શરીરના તેજથી તેમણે સૂર્યને જીતી લીધો અને કાંતિથી ચંદ્રમાને જીતી
લીધો. કુબેર ઇન્દ્રલોકમાંથી બધી ભોગની સામગ્રી લાવતા. તેમને મનુષ્યભવમાં જેવું સુખ
હતું તેવું અહમિંદ્રોને પણ નહોતું. હાહા, હૂહૂ, તુંબર, નારદ, વિશ્વાવસુ, ઈત્યાદિ ગંધર્વોની
જાતિ છે તે સદા તેમની નિકટ ગીત ગાયા જ કરતા. કિન્નરી જાતિની દેવાંગનાઓ તથા
સ્વર્ગની અપ્સરાઓ નૃત્ય કર્યા જ કરતી, વીણા, બંસરી, મૃદંગ આદિ વાજિંત્રો જુદી જુદી
જાતના દેવો વગાડયાં જ કરતા. ઇન્દ્ર સદા સેવા કરતા. પોતે મહાસુંદર હતા, યૌવન
અવસ્થામાં તેમણે વિવાહ પણ કર્યા, તેમને અદ્ભુત રાણીઓ મળતી ગઈ કે જે અનેક
ગુણ, કળા, ચાતુર્યથી પૂર્ણ હાવભાવ, વિલાસ, વિભ્રમ ધારણ કરતી હતી. તેમણે કેટલાક
વર્ષ રાજ્ય કર્યું અને મનવાંછિત ભોગ ભોગવ્યા. એક દિવસે શરદ ઋતુનાં વાદળાંને
વિલય પામતાં જોઈ પોતે પ્રતિબોધ પામ્યા. તે વખતે લૌકાંતિક દેવોએ આવીને સ્તુતિ
કરી. તે પોતાના સુવ્રત નામના પુત્રને રાજ્ય આપીને મુનિ થયા. ભગવાનને કોઈ
વસ્તુની વાંછા નથી, પોતે વીતરાગભાવ ધારણ કરી દિવ્ય સ્ત્રીરૂપ કમળોના વનમાંથી
નીકળી ગયા. તે સુંદર સ્ત્રીરૂપ કમળોનું વન કેવું છે? જ્યાં દશે દિશામાં સુગંધ વ્યાપી
ગઈ છે, મહાદિવ્ય સુગંધાદિકરૂપ મકરંદ તેમાં છે, જ્યાં સુગંધાદિ પર ભમરાઓ ઉડયા કરે
છે અને હરિતમણિની પ્રભાનો પુંજ તે જ જ્યાં પાંદડાં છે, દાંતની પંક્તિની ઉજ્જવળ
પ્રભારૂપ ત્યાં કમળતંતુ છે, નાના પ્રકારનાં આભૂષણોના ધ્વનિરૂપ પક્ષીઓ છે તેના
અવાજથી વન ભરેલું છે, સ્તનરૂપ ચકવાથી શોભિત છે, ઉજ્જવળ કીર્તિરૂપ રાજહંસથી
મંડિત છે, આવા અદ્ભુત વિલાસનો ત્યાગ કરીને વૈરાગ્યને માટે દેવો દ્વારા લાવવામાં
આવેલી પાલખીમાં બેસીને વિપુલ નામના ઉદ્યાનમાં ગયા. ભગવાન મુનિસુવ્રત સર્વ
રાજાઓનાં મુગટમણિ છે. તેમણે વનમાં પાલખીમાંથી ઊતરીને અનેક રાજાઓ સહિત
જિનેશ્વરી દીક્ષા ધારણ કરી. બે ઉપવાસની પ્રતિજ્ઞા લીધી. રાજગૃહનગરમાં વૃષભદત્તે
મહાભક્તિથી શ્રેષ્ઠ અન્ન વડે તેમને પારણું કરાવ્યું. ભગવાન પોતે મહાશક્તિથી પૂર્ણ છે
તે કાંઈ ક્ષુધાની બાધાથી પીડિત નથી, પરંતુ આચારાંગ સૂત્રની આજ્ઞા પ્રમાણે તેમણે
અંતરાયરહિત ભોજન કર્યું. વૃષભદત્ત ભગવાનને આહાર આપી કૃતાર્થ થયા. ભગવાને
કેટલાક મહિના તપ કરી ચંપાના વૃક્ષ નીચે શુક્લધ્યાનના પ્રતાપથી ઘાતિકર્મોનો નાશ કરી
કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી ઇન્દ્ર સહિત દેવોએ આવી પ્રણામ અને સ્તુતિ કરી ધર્મશ્રવણ