તે પ્રમાણે કરવું જોઈએ. આ વાત સર્વ રાજનીતિમાં મુખ્ય છે. જ્યારે સસરાએ આ પ્રમાણે
કહ્યું ત્યારે અત્યંત ધીર બુદ્ધિવાળા રાજા દશરથે હસીને કહ્યું કે હે મહારાજ! આપ નિશ્વિંત
રહો. જુઓ, હું આ બધાને દશે દિશાઓમાં ભગાડી મૂકું છું. આમ કહીને પોતે લડાઈમાં
જોડાયા અને કૈકેયીને પોતાના રથમાં બેસાડી દીધી. રથને મહામનોહર અશ્વ જોડેલા છે.
દશરથ જાણે કે રથ પર ચડેલા શરદઋતુના સૂર્ય જ છે. કૈકેયીએ ઘોડાની લગામ સંભાળી
લીધી. કેવી છે કૈકેયી? મહાપુરુષાર્થનું રૂપ ધારણ કરેલી યુદ્ધની મૂર્તિ જ છે. તે પતિને
વિનંતી કરવા લાગી કે હે નાથ! આપની આજ્ઞા હોય અને જેનું મૃત્યુ પાસે આવ્યું હોય
તેની તરફ જ હું રથ ચલાવીશ. ત્યારે રાજાએ કહ્યું કે હે પ્રિયે! રંક લોકોને મારવાથી શો
લાભ? જે આ સર્વ સેનાનો અધિપતિ હેમપ્રભ છે, જેના માથા ઉપર ચંદ્રમા સમાન સફેદ
છત્ર ફરે છે તેની તરફ રથ ચલાવ. હે રણપંડિતે! આજ હું આ અધિપતિને જ મારીશ.
જ્યારે દશરથે આમ કહ્યું ત્યારે તે પતિની આજ્ઞા માની તેની તરફ રથ ચલાવવા લાગી.
જેનું સફેદ છત્ર ઊંચુ છે અને મહાધજા તરંગરૂપ છે એવા રથમાં આ દંપતી દેવરૂપ
શોભતાં હતાં. તેમનો રથ અગ્નિ સમાન હતો. જે જે આ રથ તરફ આવ્યા તે હજારો
પતંગિયાની જેમ ભસ્મીભૂત થઈ ગયા. દશરથના ચલાવેલાં બાણથી અનેક રાજાઓ
વીંધાઈ ગયા અને ક્ષણમાત્રમાં બીજા ભાગી ગયા. એટલે બધાનો અધિપતિ હેમપ્રભ હતો
તેનાથી પ્રેરાયેલા અને લજ્જિત થયેલા કેટલાક દશરથ રાજા સાથે લડવા માટે હાથી,
ઘોડા, રથ અને પ્યાદાઓથી મંડિત આવ્યા, તેમણે વીરગર્જના કરી. તોમર, બાણ, ચક્ર,
કનક ઈત્યાદિ અનેક જાતનાં શસ્ત્રો એકલા દશરથ ઉપર ફેંકવા લાગ્યા. એ મોટા
આશ્ચર્યની વાત હતી કે રાજા દશરથ જે એક રથનો સ્વામી હતો તે યુદ્ધ સમયે જાણે કે
તેના અસંખ્ય રથ થઈ ગયા, પોતાનાં બાણોથી તેણે સમસ્ત શત્રુઓનાં બાણ કાપી નાખ્યાં
અને પોતે જે બાણ ચલાવ્યાં તે કોઈની નજરે પડયાં નહિ પણ શત્રુઓને વાગ્યાં. રાજા
દશરથે હેમપ્રભને ક્ષણમાત્રમાં જીતી લીધો. તેની ધજા કાપી નાખી, છત્ર ઉડાડી મૂકયું,
રથના અશ્વોને ઘાયલ કર્યા, રથ તોડી નાખ્યો અને તેને રથમાંથી નીચે ફેંકી દીધો. તે
વખતે તે રાજા હેમપ્રભ બીજા રથ ઉપર ચડીને, ભયથી ધ્ર્રૂજતો પોતાનો યશ કાળો કરીને
શીઘ્ર ભાગી ગયો. દશરથે પોતાને, પોતાની સ્ત્રીને અને પોતાના અશ્વોને બચાવી લીધાં.
તેણે વેરીઓનાં શસ્ત્રો છેદ્યાં અને વેરીઓને ભગાડયા. એક દશરથે અનંત રથ જેવું કામ
કર્યું. સિંહ સમાન એક દશરથને જોઈ સર્વ યોદ્ધાઓ હરણ સમાન બનીને સર્વ દિશાઓમાં
ભાગ્યા. અહો ધન્ય શક્તિ આ પુરુષની અને ધન્ય શક્તિ આ સ્ત્રીની! આવા શબ્દો
સસરાની સેનામાં અને શત્રુઓની સેનામાં, સર્વત્ર સંભળાયા. બંદીજનો ગુણગાન કરવા
લાગ્યા. મહાપ્રતાપધારી રાજા દશરથે કૌતુકમંગલ નગરમાં કૈકેયીનું પાણિગ્રહણ કર્યું,
મહામંગલાચાર થયા. દશરથ કૈકેયીને પરણીને અયોધ્યા આવ્યા અને જનક પણ
મિથિલાપુર ગયા. પછી એમનો જન્મોત્સવ અને રાજ્યાભિષેક વૈભવપૂર્વક થયા અને
સર્વભયરહિત થઈ ઇન્દ્ર સમાન ભોગ ભોગવવા લાગ્યા.