આનદ્ધ, બંસરી અને ફૂંક મારીને વગાડવાનાં તે સુષિર અને કાંસીનાં વાજિંત્ર તે ધન. આ
ચાર પ્રકારનાં વાજિંત્ર જેવાં કૈકેયી વગાડતી તેવાં કોઈ વગાડી શકતું નહિ. ગીત, નૃત્ય
અને વાજિંત્ર એ ત્રણ ભેદ છે એ ત્રણે નૃત્યમાં સમાઈ ગયા. રસના નવ ભેદ છે-શૃંગાર,
હાસ્ય, કરુણ, વીર, અદ્ભુત, ભયાનક, રૌદ્ર, બીભત્સ અને શાંત. તેના ભેદ જેવા કૈકેયી
જાણતી તેવા બીજું કોઈ ન જાણતું. તે અક્ષર, માત્રા અને ગણિતશાસ્ત્રમાં નિપુણ, ગદ્ય-
પદ્યમાં સર્વમાં પ્રવીણ, વ્યાકરણ, છંદ, અલંકાર, નામમાળા, લક્ષણશાસ્ત્ર, તર્ક, ઇતિહાસ,
ચિત્રકળામાં અતિપ્રવીણ, રત્નપરીક્ષા, અશ્વપરીક્ષા, નરપરીક્ષા, શાસ્ત્રપરીક્ષા, ગજપરીક્ષા,
વૃક્ષપરીક્ષા, વસ્ત્રપરીક્ષા, સુગંધપરીક્ષા, સુગંધાદિ દ્રવ્યો બનાવવા ઈત્યાદિ સર્વ વાતોમાં
પ્રવીણ, જ્યોતિષ વિદ્યામાં નિપુણ, બાળ, વૃદ્ધ, તરુણ, મનુષ્ય તથા ઘોડા-હાથી ઈત્યાદિ
સર્વના ઈલાજ જાણતી, મંત્ર, ઔષધાદિ સર્વમાં તત્પર, વૈદ્યવિદ્યાનો નિધાન, સર્વ કળામાં
સાવધાન, મહાશીલવંત, મહામનોહર, યુદ્ધકળામાં અતિપ્રવીણ, શ્રૃગાંરાદિ કળામાં અતિ
નિપુણ, વિનય જેનું આભૂષણ હતું તેવી, કળા ગુણ અને રૂપમાં આવી બીજી કન્યા
નહોતી. ગૌતમ સ્વામી કહે છે કે હે શ્રેણિક! ઘણું કહેવાથી શો લાભ? કૈકેયીના ગુણોનું
વર્ણન કયાં સુધી કરીએ? તેના પિતાએ વિચાર કર્યો કે આવી કન્યાનો યોગ્ય વર કોણ
થશે? સ્વયંવર મંડપ કરીએ અને તે પોતે જ પસંદ કરે તો ઠીક. તેણે સ્વયંવર મંડપ
રચ્યો અને ત્યાં હરિવાહન આદિ અનેક રાજાઓને બોલાવ્યા. વૈભવ સહિત તે બધા
આવ્યા. ફરતા ફરતા જનક અને દશરથ પણ ત્યાં આવ્યા. જોકે અત્યારે એમની પાસે
રાજ્યનો વૈભવ નહોતો તો પણ રૂપ અને ગુણોમાં તે સર્વ રાજાઓથી અધિક હતા. સર્વ
રાજા સિંહાસન ઉપર બેઠા. દ્વારપાલ બાઈ કૈકેયીને બધાનાં નામ, ગ્રામ, ગુણ વગેરે કહેતી.
તે વિવેકી, સાધુરૂપિણી, મનુષ્યોનાં લક્ષણ જાણનારી પ્રથમ તો દશરથ તરફ દ્રષ્ટિથી જોવા
લાગી અને પછી તે સુંદર બુદ્ધિ ધારણ કરનારી જેમ રાજહંસી બગલાઓની વચ્ચે બેઠેલા
રાજહંસ તરફ જાય તેમ અનેક રાજાઓની વચ્ચે બેઠેલા દશરથ તરફ ગઈ. ભાવમાળા તો
તેણે પહેલાં જ નાખી હતી અને દ્રવ્યરૂપ રત્નમાળા પણ તેણે લોકાચારને અર્થે દશરથના
ગળામાં પહેરાવી. ત્યારે ત્યાં જે કેટલાક ન્યાયી રાજાઓ બેઠા હતા તે પ્રસન્ન થયા અને
કહેવા લાગ્યા કે જેવી કન્યા હતી તેવો જ યોગ્ય વર મળ્યો. કેટલાક નિરાશ થઈને
પોતાના દેશમાં જવા માટે ઊભા થઈ ગયા. કેટલાક જે અત્યંત ધીઠ હતા તે ક્રોધે ભરાઈને
યુદ્ધ કરવા તૈયાર થયા અને કહેવા લાગ્યા કે ઊંચા ઊંચા કુળમાં જન્મેલા અને મહાન
ઋદ્ધિવાળા રાજાઓને છોડીને આ કન્યા જેનું કુળ અને શીલ જાણવામાં નથી એવા આ
પરદેશીને કેવી રીતે પરણી શકે? આ કન્યાનો અભિપ્રાય ખોટો છે. માટે આ પરદેશીને
હાંકી કાઢી, કન્યાના વાળ પકડી, બળાત્કારે તેનું હરણ કરો. આમ કહીને તે કેટલાક દુષ્ટો
યુદ્ધ માટે તૈયાર થયા. ત્યારે રાજા શુભમતિએ અત્યંત વ્યાકુળ થઈને દશરથને કહ્યું કે હે
ભવ્ય! હું આ દુષ્ટોને રોકું છું. તમે આ કન્યાને રથમાં બેસાડીને બીજે ચાલ્યા જાવ. જેવો
સમય હોય