ચાલી મેં મોટાનો વિરોધ કરીને મારું અહિત કર્યું. એક દિવસ એ મુનિઓના આશ્રમમાં
જઈ આચાર્યને નમસ્કાર કરી ભાવસહિત ધર્મનો ભેદ પૂછવા લાગ્યો. ગૌતમ સ્વામી રાજા
શ્રેણિકને કહે છે કે હે રાજન! દુઃખી, દરિદ્રી, કુટુંબરહિત, વ્યાધિપીડિત આમાંથી કોઈ ભવ્ય
જીવને ધર્મબુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેણે આચાર્યને પૂછયું કે હે ભગવાન! જેની મુનિ થવાની
શક્તિ ન હોય તે ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે ધર્મનું સાધન કરે? આહાર, ભય, મૈથુન અને
પરિગ્રહ એ ચાર સંજ્ઞામાં તત્પર આ જીવ કેવી રીતે પાપમાંથી છૂટે? તે હું સાંભળવા
ઇચ્છું છું. આપ કૃપા કરીને કહો. ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે ધર્મ જીવદયામય છે. આ સર્વ
પ્રાણી પોતાના દોષની નિંદા કરીને તથા ગુરુની પાસે આલોચના કરીને પાપથી છૂટે છે. તું
તારું હિત ચાહે છે અને શુદ્ધ ધર્મની અભિલાષા રાખે છે તો હિંસાનું કારણ મહાઘોર કર્મ-
લોહી અને વીર્યથી ઊપજેલા માંસનું ભક્ષણ સર્વથા છોડી દે. સર્વ સંસારી જીવ મરણથી
ડરે છે. તેમના માંસથી જે પોતાના શરીરનું પોષણ કરે છે તે પાપી નિઃસંદેહ નરકમાં પડે
છે. જે માંસનું ભક્ષણ કરે અને નિત્ય સ્નાન કરે તેમનું સ્નાન વૃથા છે, મુંડન કરાવીને
વેશ ધારણ કરે તે વેશ પણ વૃથા છે. અનેક પ્રકારનાં દાન, ઉપવાસાદિક પણ માંસાહારીને
નરકથી બચાવી શકતાં નથી. આ જગતમાં આ બધી જ જાતના જીવ પૂર્વજન્મમાં આ
જીવનાં સગાંસંબંધી થયાં છે તેથી જે પાપી માંસનું ભક્ષણ કરે છે તેણે સર્વ બાંધવોનું જ
ભક્ષણ કર્યુર્ં છે. જે દુષ્ટ નિર્દય મત્સ્ય, પશુઓ અને પક્ષીઓને હણે છે અને મિથ્યામાર્ગે
પ્રવર્તે છે તે મધ, માંસના ભક્ષણથી કુગતિમાં જાય છે. આ માંસ વૃક્ષ ઉપર થતું નથી,
ભૂમિમાંથી ઉગતું નથી, કમળની જેમ જળમાંથી નીકળતું નથી અથવા અનેક વસ્તુના
યોગથી જેમ ઔષધિ બને છે તેમ માંસની ઉત્પત્તિ થતી નથી. દુષ્ટ નિર્દય જીવ નિર્બળ,
રંક, જેને પોતાનું જીવન અતિપ્રિય છે એવાં પક્ષી, પશુ, મત્સ્યાદિને હણીને માંસ મેળવે છે
તેને ઉત્તમ દયાળુ જીવ ખાતા નથી. જેમના દૂધથી શરીર વૃદ્ધિ પામે છે એવા ગાય, ભેંસ,
બકરીના મૃત શરીરને જે ખાય છે અથવા મારી નાખીને ખાય છે તથા તેના પુત્ર,
પૌત્રાદિને જે ખાય છે તે અધર્મી મહાનીચ નરક નિગોદના અધિકારી છે. જે દુરાચારી
માંસભક્ષણ કરે છે તે માતા, પિતા, પુત્ર, મિત્ર, સહોદર સર્વનું ભક્ષણ કરે છે. આ પૃથ્વીની
નીચે ભવનવાસી વ્યંતરદેવોનો નિવાસ છે અને મધ્યલોકમાં પણ છે, ત્યાં દુષ્ટ કર્મ
કરનારા નીચ દેવ છે. જે જીવ કષાય સહિત તાપસ થાય છે તે નીચ દેવોમાં ઉપજે છે.
પાતાળમાં પ્રથમ જ રત્નપ્રભા પૃથ્વી છે. તેના ત્રણ ભાગ છે તેમાં ખર અને પંક ભાગમાં
ભવનવાસી અને વ્યંતરદેવોનો નિવાસ છે અને અબ્બહુલ ભાગમાં પહેલી નરકભૂમિ છે.
તેની નીચે બીજી છ નરકભૂમિ છે. એ સાતેય નરક છ રાજુમાં અને સાતમી નરક
ભૂમિની નીચે એક રાજુમાં નિગોદાદિ સ્થાવર જ છે, ત્રસ જીવ નથી અને નિગોદથી ત્રણે
લોક ભરેલા છે.