એવા, કોડી જેવા દાંતવાળા અને મોટા પેટવાળા મ્લેચ્છો કુટજ જાતિનાં વૃક્ષો ખીલ્યાં હોય
તેવા ભાસતા હતા. અસુરકુમાર દેવ જેવા ઉન્મત, મહાનિર્દય, પશુમાંસના ભક્ષક, મહામૂઢ
જીવ હિંસામાં ઉદ્યમી, જન્મથી માંડીને જ પાપ કરનારા, ખોટા આરંભ કરનારા, જેમના
ધ્વજ પર સુવ્વર, ભેંસ, વાઘ વગેરેના ચિહ્ન છે, તે જાતજાતનાં વાહનોમાં ચડીને,
અતિઝડપથી દોડનારા, પ્રચંડ તુરંગ સમાન ચંચળ તે ભીલ મેઘવાળા સમાન લક્ષ્મણરૂપ
પર્વત પર પોતાના સ્વામીરૂપ પવનથી પ્રેરાયેલા બાણવૃષ્ટિ કરવા લાગ્યા. ત્યારે લક્ષ્મણ
તેમનો ધ્વંસ કરવા માટે શીઘ્ર વેગથી તેમના તરફ દોડયા, જાણે કે મહા ગજેન્દ્ર વૃક્ષોના
સમૂહ તરફ દોડયા. લક્ષ્મણના વેગ અને પ્રતાપથી તે પાપી ભાગ્યા અને પરસ્પરના પગ
તળે કચરાઈ ગયા. પછી તેમનો અધિપતિ આતરંગતપ પોતાની સેનાને ધૈર્ય આપી સકળ
સેના સહિત પોતે લક્ષ્મણની સન્મુખ આવ્યો. ત્યાં ભયંકર યુદ્ધ થયું. તેણે લક્ષ્મણને
રથરહિત કર્યા એટલે શ્રી રામચંદ્ર પોતાનો રથ લઈ, પવન સમાન વેગથી લક્ષ્મણની પાસે
આવ્યા. લક્ષ્મણને બીજા રથમાં બેસાડી પોતે જેમ અગ્નિ વનને ભસ્મ કરે છે તેમ તેની
અપાર સેનાને ભસ્મ કરવા લાગ્યા. તેમણે કેટલાકને બાણથી માર્યા, કેટલાકને કનક
નામના શસ્ત્રથી હણ્યા, કેટલાકને તોમરથી માર્યા, કેટલાકને સામાન્ય ચક્ર નામના શસ્ત્રથી
પાડી દીધા. તે પાપી આતરંગતમ સમુદ્ર જેવડી વિશાળ સેના સાથે આવ્યો હતો તે ભય
પામી દશ ઘોડાના અસવારો સાથે ભાગ્યો ત્યારે શ્રી રામે આજ્ઞા કરી કે એ નપુંસક યુદ્ધથી
પરાઙમુખ થઈ ભાગ્યો છે. હવે એમને મારવાથી શું લાભ? પછી લક્ષ્મણ ભાઈ સહિત
પાછા ફર્યા. તે મ્લેચ્છ ભયથી વ્યાકુળ થઈ સહ્યાચળ અને વિંધ્યાચળના વનમાં છુપાઈ
ગયા. શ્રી રામચંદ્રના ડરથી પશુહિંસાદિક દુષ્ટ કર્મ છોડી વનનાં ફળોનો આહાર કરતા. જેમ
ગરુડથી સર્પ ડરે છે તેમ શ્રી રામથી ડરવા લાગ્યા. લક્ષ્મણ સહિત શ્રી રામે, જેમનું સ્વરૂપ
શાંત છે તેમણે રાજા જનકને બહુ જ પ્રસન્ન કરીને વિદાય કર્યા અને પોતે પોતાના પિતા
સમીપે અયોધ્યા ચાલ્યા. પૃથ્વીના બધા લોકો આશ્ચર્ય પામ્યા. સૌને તેમણે પરમઆનંદ
આપ્યો, બધાનાં હર્ષથી રોમાંચ ખડાં થઈ ગયાં. રામના પ્રભાવથી આખી પૃથ્વી
શોભાયમાન થઈ હતી. ધર્મ, અર્થ, કામથી યુક્ત પુરુષો વડે જગત બર્ફના અવરોધ વિના
નક્ષત્રોથી આકાશ શોભે તેમ શોભવા લાગ્યું. ગૌતમ સ્વામી કહે છે કે હે રાજા શ્રેણિક!
રામનું આવું માહાત્મ્ય જોઈને જનકે પોતાની પુત્રી સીતા રામને આપવાનું વિચાર્યું. ઘણું
કહેવાથી શો લાભ? જીવોને સંયોગ અને વિયોગનું કારણ એક કર્મનો ઉદય જ છે. શ્રીરામ
શ્રેષ્ઠ પુરુષ, મહાસૌભાગ્યવંત, અતિપ્રતાપી, બીજામાં ન હોય એવા ગુણોથી પૃથ્વી પર
પ્રસિદ્ધ થયા, જેમ કિરણોના સમૂહથી સૂર્ય મહિમા પામે તેમ.
જીતનું કથન કરનાર સત્તાવીસમું પર્વ પૂર્ણ થયું.