Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 7 of 660
PDF/HTML Page 28 of 681

 

background image
પદ્મપુરાણ પ્રથમ પર્વ
જે કાન સત્પુરુષની કથા સાંભળે છે, તે જ કાન ઉત્તમ છે, અને જે કાન કુકથા
સાંભળે છે, તે કાન નથી, માત્ર આકાર છે. જે મસ્તક સત્પુરુષનાં કાર્યોના વર્ણનથી ડોલી
ઊઠે છે, તે જ મસ્તક ધન્ય છે. બાકીનાં મસ્તક ખાલી નાળિયેર સમાન જાણવા.
સત્પુરુષના યશકીર્તનમાં પ્રવર્તતા હોઠ જ શ્રેષ્ઠ છે. બાકીના હોઠ ઈતરડીના વાંસા સમાન
નિષ્ફળ જાણવા. જે પુરુષને સત્પુરુષની કથામાં અનુરાગ ઉત્પન્ન થાય છે, તેમનું જ જીવન
સફળ છે. મુખ તે જ છે જે મુખ્ય પુરુષની કથામાં લીન થાય છે, બાકીનાં મુખ દાંતરૂપી
જંતુઓથી ભરેલ બખોલ સમાન છે. જે સત્પુરુષની કથાના વક્તા અથવા શ્રોતા છે તે જ
પુરુષ પ્રશંસનીય છે, બાકીના મનુષ્યોને ચિત્ર જેવા જાણવા. ગુણ અને દોષના સંગ્રહમાં જે
ઉત્તમ પુરુષ છે તે ગુણોનું જ ગ્રહણ કરે છે. પાણીમિશ્રિત દૂધમાંથી હંસ દૂધને જ ગ્રહણ
કરે છે. ગુણદોષના મિશ્રણમાંથી નીચ પુરુષ દોષને જ ગ્રહણ કરે છે, જેમ હાથીના
મસ્તકમાં મોતી અને માંસ બન્ને છે, તેમાંથી કાગડો મોતીને છોડી માંસનું જ ગ્રહણ કરે
છે. જે દુષ્ટ છે તે નિર્દોષ રચનાને પણ દોષરૂપ દેખે છે. જેમ ઘૂવડ સૂર્યના બિંબને
તમાલવૃક્ષના પાંદડા સમાન કાળુ દેખે છે જે દુર્જન છે તે સરોવરમાં પાણી આવવાની
જાળી સમાન છે. જેમ જાળી પાણીને છોડીને ઘાસ, પાંદડાં, કંટક, વગેરેને ગ્રહણ કરે છે
તેમ દુર્જનનો આવો સ્વભાવ જાણીને જે સજ્જન પુરુષ છે તે પોતાના હિત માટે
સત્પુરુષની કથાના શ્રવણમાં જ રોકાય છે. સત્પુરુષની કથાના શ્રવણથી મનુષ્યોને
પરમસુખ થાય છે. વિવેકી પુરુષોને ધર્મકથા પુણ્યોત્પત્તિનું કારણ છે. જેવું કથન શ્રી
વર્ધમાન જિનેન્દ્રની દિવ્ય ધ્વનિમાં આવ્યું હતું, તેનો અર્થ ગૌતમ ગણધરે અવધાર્યો હતો
અને ગૌતમ પાસેથી તે સુધર્માચાર્યને મળ્‌યો હતો અને ત્યારપછી જંબૂસ્વામીએ તેનો
પ્રકાશ કર્યો હતો. જંબૂસ્વામી પછી બીજા પાંચ શ્રુતકેવળી થયા તેમણે પણ તે જ પ્રમાણે
કથન કર્યું. એ જ પ્રમાણે મહાપુરુષોની પરંપરાથી કથન થતું રહ્યું, તે પ્રમાણે રવિસેનાચાર્યે
વ્યાખ્યાન કર્યું છે. આ શ્રી રામચંદ્રનું સંપૂર્ણ ચરિત્ર સજ્જન પુરુષો, સાવધાન થઈને
સાંભળો! આ ચરિત્ર સિધ્ધપદરૂપ મંદિરની પ્રાપ્તિનું કારણ છે અને સર્વ પ્રકારનાં સુખો
આપનારું છે. જે મનુષ્ય શ્રી રામચંદ્ર આદિ મહાપુરુષોનું ચિંતવન કરે છે, અતિશય
ભાવસહિત નમ્ર બનીને પ્રમોદ લાવે છે, તેમના અનેક જન્મોનાં સંચિત પાપ પણ નાશ
પામે છે. જે સંપૂર્ણ પુરાણનું શ્રવણ કરે છે તેમનાં પાપ અવશ્ય દૂર થાય જ, એમાં સંદેહ
નથી. કેવું છે પુરાણ? ચન્દ્રમા સમાન ઉજ્જવળ છે તેથી જે વિવેકી ચતુર પુરુષ છે તે આ
ચરિત્રનું સેવન કરો. આ ચરિત્ર મહાપુરુષો વડે સેવવા યોગ્ય છે.
આ ગ્રંથમાં છ મહાધિકાર છે, તેમાં અવાન્તર અધિકાર અનેક છે. અહીં મૂળ
અધિકારનાં નામ કહ્યાં છે. ૧ લોકસ્થિતિ, ૨ વંશનીઉત્પત્તિ, ૩ વિનવિહાર અને સંગ્રામ, ૪
લવણાંકુશની ઉત્પત્તિ, પ ભવનિરૂપણ, અને ૬ રામચંદ્રનો મોક્ષ. શ્રી વર્ધમાન દેવાધિદેવ
સર્વકથનના વક્તા છે, જે અતિવીર અથવા મહાવીર કહેવાય છે. રામચરિત્રના મૂળ
કહેનાર શ્રી મહાવીર સ્વામી છે તેથી પ્રથમ તેમનું કથન કરીએ છીએ.