કર્મરહિત કરો. સંસારના તારક, મોહમલ્લના જીતનાર, બાહ્યાભ્યંતર મળરહિત એવા
ઓગણીસમા શ્રી મલ્લિનાથ સ્વામી અમને અનંત વીર્યની પ્રાપ્તિ કરાવો. સુન્દર વ્રતોના
ઉપદેશક અને સમસ્ત દોષના વિદારક વીસમા શ્રી મુનિસુવ્રતનાથ કે જેમના તીર્થમાં શ્રી
રામચંદ્રનું શુભ ચરિત્ર પ્રગટ થયું તે અમારા અવ્રત મટાડી મહાવ્રતની પ્રાપ્તિ કરાવો. સુર,
નર, અસુરોના ઇન્દ્ર જેમને નમ્યા છે એવા એકવીસમાં શ્રી નમિનાથ પ્રભુ અમને
નિર્વાણની પ્રાપ્તિ કરાવો. સમસ્ત અશુભ કર્મોરૂપી અરિષ્ટને કાપવાને ચક્રની ધાર સમાન
બાવીસમા શ્રી અરિષ્ટનેમિ ભગવાન, હરિવંશના તિલક શ્રી નેમિનાથ સ્વામી અમને
યમનિયમાદિ અષ્ટાંગયોગની સિદ્ધિ કરાવો. ઇન્દ્ર, નાગેન્દ્ર, ચંદ્ર, સૂર્યાદિથી પૂજિત દેવાધિદેવ
તેવીસમા શ્રી પાર્શ્વનાથ અમારો ભવસંતાપ હરો. ચોવીસમા શ્રી મહાવીર સ્વામી, જે
ચતુર્થકાળના અંતે થયા છે તે અમને મહામંગળ કરો. આ ઉપરાંત અન્ય પણ ગણધરાદિ
મહામુનિઓને મનવચનકાયાથી વારંવાર નમસ્કાર કરીને રામચંદ્રના ચરિત્રનું વ્યાખ્યાન
કરું છું.
જેમનું વળી, જેમનું ચરિત્ર કેવળજ્ઞાનને જ ગમ્ય છે એવા જે રામ તેમનું ચરિત્ર શ્રી
ગણધરદેવ જ કિંચિત્ માત્ર કહેવાને સમર્થ છે. એ મોટા આશ્ચર્યની વાત છે કે મારા જેવા
અલ્પબુધ્ધિ પુરુષ પણ તેમના ચરિત્રનું કથન કરે છે. જો કે મારા જેવા આ ચારિત્રનું
કથન કરવાને સમર્થ નથી તો પણ મહામુનિ પરંપરાથી જે રીતે કહેતા આવ્યા છે તેમના
કથનાનુસાર કાંઈક સંક્ષેપથી હું કહું છું. જેમ જે માર્ગ પર મદમત્ત હાથીઓ ચાલે છે તે
માર્ગ પર મૃગ પણ ગમન કરે છે અને જેવી રીતે યુધ્ધમાં મહાસુભટ અગ્રે રહીને
શસ્ત્રપ્રહાર કરે છે, તેમની પાછળ બીજા પુરુષો પણ યુધ્ધમાં જાય છે, જેમ સૂર્યથી
પ્રકાશિત પદાર્થોને બીજા નેત્રધારી લોકો પણ સહેલાઈથી દેખે છે અને વજ્રની સોયની
અણીથી છેદવામાં આવેલ મણિમાં સૂતરનો દોરો પણ પ્રવેશ કરે છે તેમ જ્ઞાનીઓ દ્વારા
કહેવાયેલ અને પરંપરાથી ચાલ્યા આવતા રામચરિત્રનું કથન કરવાની ભક્તિથી પ્રેરાયેલી
અમારી અલ્પબુધ્ધિ પણ ઉદ્યત થઈ છે. મહાન પુરુષના ચિંતવનથી ઉત્પન્ન થયેલ પુણ્યના
પ્રસાદથી અમારી શક્તિ ઉત્પન્ન થઈ છે. મહાપુરુષોના યશકીર્તનથી બુધ્ધિ વધે છે, યશ
અત્યંત નિર્મળ થાય છે અને પાપ દૂર જાય છે. આ પ્રાણીનું શરીર અનેક રોગોથી ભરેલું
છે, એની સ્થિતિ અત્યંત અલ્પકાળની છે અને સત્પુરુષની કથાથી ઉત્પન્ન થયેલો યશ
સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી ટકે છે માટે જે આત્મજ્ઞાની પુરુષ છે તે સર્વ પ્રકારે મહાપુરુષના
યશકીર્તન વડે પોતાનો યશ ફેલાવે છે. જેણે સજ્જનોને આનંદ આપનારી સત્પુરુષની
રમણીય કથાનો આરંભ કર્યો છે તેણે બન્ને લોકનું ફળ મેળવ્યું છે.