ભૂમિગોચરીઓમાં ભગવાન તીર્થંકર જન્મે છે તેમને ઇન્દ્રાદિક દેવ ભૂમિ પર મસ્તક
અડાડી નમસ્કાર કરે છે, વિદ્યાધરોની શી વાત છે? જ્યારે જનકે આમ કહ્યું ત્યારે તે
વિદ્યાધરો એકાંતમાં બેસીને અંદરોઅંદર મંત્રણા કરીને જનકને કહેવા લાગ્યા કે હે
ભૂમિગોચરીઓના રાજા! તમે રામ-લક્ષ્મણનો આટલો પ્રભાવ બતાવો છો અને મિથ્યા
ગર્જીગર્જીને વાતો કરો છો, પણ અમને એમના બળ-પરાક્રમની પ્રતીતિ થતી નથી, માટે
અમે કહીએ છીએ તે સાંભળો. એ વજ્રાવર્ત અને બીજું સાગરાવર્ત આ બે ધનુષ્યોની દેવ
સેવા કરે છે. હવે જો એ બન્ને ભાઈ આ ધનુષ્યો ચડાવે તો અમે એમની શક્તિ માનીએ.
અધિક કહેવાથી શું? જો વજ્રાવર્ત ધનુષ્ય રામ ચડાવે તો તમારી કન્યા પરણે, નહિતર
અમે બળાત્કારે કન્યાને અહીં લઈ આવીશું, તમે જોતા રહેશો. ત્યારે જનકે કહ્યું કે એ
વાત મને કબૂલ છે. પછી તેમણે બેય ધનુષ્ય દેખાડયાં. જનક તે ધનુષ્યોને અતિવિષમ
જોઈને કાંઈક આકુળતા પામ્યા. પછી તે વિદ્યાધરો ભાવથી ભગવાનની પૂજા-સ્તુતિ કરીને
ગદા અને હળાદિ રત્નોથી સંયુક્ત ધનુષ્યોને તથા જનકને લઈને મિથિલાપુરી આવ્યા.
ચંદ્રગતિ ઉપવનમાંથી રથનૂપુર ગયો. જ્યારે રાજા જનક મિથિલાપુરી આવ્યા ત્યારે
નગરીની શોભા કરવામાં આવી, મંગળાચાર થયા અને બધા લોકો સામા આવ્યા.
વિદ્યાધરો નગરની બહાર એક આયુધશાળા બનાવીને ત્યાં ધનુષ્ય રાખીને અત્યંત ગર્વિષ્ઠ
બનીને રહ્યા. જનક ખેદપૂર્વક થોડું ભોજન કરીને ચિંતાથી વ્યાકુળ, ઉત્સાહરહિત શય્યામાં
પડયા. તેની નમ્રીભૂત થયેલી ઉત્તમ સ્ત્રી બહુ આદરપૂર્વક ચંદ્રમાના કિરણ સમાન
ઉજ્જવળ ચામર ઢોળવા લાગી. રાજા અગ્નિ સમાન ઊના ઊના દીર્ઘ નિશ્વાસ કાઢવા
લાગ્યા. ત્યારે રાણી વિદેહાએ કહ્યું કે હે નાથ! તમે કયા સ્વર્ગલોકની દેવાંગના જોઈ, જેના
અનુરાગથી આવી અવસ્થા પામ્યા છો? અમારા ખ્યાલ પ્રમાણે તે કામિની ગુણરહિત અને
નિર્દય છે, જે તમારા સંતાપ પ્રત્યે કરુણા કરતી નથી. હે નાથ! તે સ્થાન અમને બતાવો
કે જ્યાંથી તેને લઈ આવીએ. તમારા દુઃખથી મને અને સકળ લોકને દુઃખ થાય છે. તમે
આવા મહાસૌભાગ્યશાળી તે કોને ન ગમે? તે કોઈ પથ્થરદિલ હશે. ઊઠો, રાજાઓને માટે
જે ઉચિત કાર્ય હોય તે કરો. આ તમારું શરીર સ્વસ્થ હશે તો બધાં જ મનવાંછિત કાર્ય
થશે. આ પ્રમાણે જનકની પ્રાણથી અધિક પ્યારી રાણી વિદેહા કહેવા લાગી ત્યારે રાજા
બોલ્યાઃ હે પ્રિયે, હે શોભને! હે વલ્લભે! મને ખેદ બીજી જ વાતનો છે, તું મિથ્યા આવી
વાતો કરે છે, શા માટે મને અધિક ખેદ ઉપજાવે છે? તને એ વૃત્તાંતની ખબર નથી તેથી
આમ કહે છે. પેલો માયામયી તુરંગ મને વિજ્યાર્ધગિરિ પર લઈ ગયો હતો ત્યાં
રથનૂપુરના રાજા ચંદ્રગતિ સાથે મારો મેળાપ થયો. તેણે કહ્યું કે તમારી પુત્રી મારા પુત્રને
આપો. ત્યારે મેં કહ્યું કે મારી પુત્રી દશરથના પુત્ર શ્રી રામચંદ્રને આપવાનું નક્કી કર્યું છે.
તે વખતે તેણે કહ્યું કે જો રામચંદ્ર વજ્રાવર્ત ધનુષ્ય ચડાવી શકે તો તમારી પુત્રી તેને
પરણે, નહિતર મારો પુત્ર પરણશે. ત્યાં હું તો પરવશ થયો હતો એટલે એના ભયથી અને
અશુભ કર્મના ઉદયથી એ વાત મેં માન્ય રાખી. તે વજ્રાવર્ત અને