ઈચ્છે છે? બધી વસ્તુઓમાં જીવન પ્રિય છે અને સર્વ દુઃખોથી મરણનું દુઃખ મોટું છે. એવું
તને શું દુઃખ છે કે તેં વિષ મંગાવ્યું? તું મારા હૃદયનું સર્વસ્વ છે. જેણે તને કલેશ
ઉપજાવ્યો હોય તેને હું તત્કાળ દંડ દઈશ. હે સુંદરમુખી! તું જિનેન્દ્રનો સિદ્ધાંત જાણે છે,
શુભ-અશુભ ગતિનું કારણ જાણે છે, જે વિષ તથા શસ્ત્ર આદિથી આપઘાત કરીને મરે છે
તે દુર્ગતિમાં પડે છે, આવી બુદ્ધિ તને ક્રોધથી ઉપજી છે તે ક્રોધને ધિક્કાર હો! આ ક્રોધ
મહાઅંધકાર છે, હવે તું પ્રસન્ન થા. જે પતિવ્રતા છે તેમણે જ્યાં સુધી પ્રીતમના
અનુરાગના વચન ન સાંભળ્યાં હોય ત્યાં સુધી જ તેમને ક્રોધનો આવેશ રહે છે. ત્યારે
સુપ્રભાએ કહ્યું કે હે નાથ! તમારા ઉપર ક્રોધ શેનો હોય? પણ મને એવું દુઃખ થયું કે
મરણ વિના શાંત ન થાય. ત્યારે રાજાએ કહ્યું કે હે રાણી! તને એવું તે કયું દુઃખ થયું?
રાણીએ જવાબ આપ્યો કે તમે ભગવાનનું ગંધોદક બીજી રાણીઓને મોકલ્યું અને મને ન
મોકલ્યું તો મારામાં કયા કારણે હીનતા લાગી? અત્યાર સુધી તમે મારો કદી પણ
અનાદર કર્યો નહોતો, હવે શા માટે અનાદર કર્યો? રાણી જ્યાં આમ રાજાને કહી રહી
હતી તે જ સમયે વૃદ્ધ કંચૂકી ગંધોદક લઈને આવ્યો અને કહેવા લાગ્યો કે હે દેવી! આ
ભગવાનનું ગંધોદક મહારાજાએ આપને મોકલ્યું છે તે લ્યો. અને તે સમયે ત્રણ રાણી પણ
આવી અને કહેવા લાગી કે હે મુગ્ધે! પતિની તારા ઉપર ખૂબ જ કૃપા છે, તું ગુસ્સે શા
માટે થઈ? જો તારા માટે તો ગંધોદક વૃદ્ધ કંચૂકી લાવ્યા અને અમારા માટે તો દાસી
લાવી હતી. પતિની તારા પ્રત્યે પ્રેમની ન્યૂનતા નથી. જો પતિનો અપરાધ હોય અને તે
આવીને સ્નેહની વાત કરે તો પણ ઉત્તમ સ્ત્રી પ્રસન્ન જ થાય છે. હે શોભને! પતિ પ્રત્યે
ક્રોધ કરવો તે સુખના વિઘ્નનું કારણ છે, માટે ક્રોધ કરવો યોગ્ય નથી. આ પ્રમાણે તેમણે
જ્યારે સંતોષ ઉપજાવ્યો ત્યારે સુપ્રભાએ પ્રસન્ન થઈ ગંધોદક શિર પર ચડાવ્યું અને આંખે
લગાડયું. રાજા કંચૂકીને ગુસ્સાથી કહેવા લાગ્યા કે હે નિકૃષ્ટ! તેં આટલી વાર ક્યાં કરી?
તે ભયથી ધ્ર્રૂજતો હાથ જોડી, માથું નમાવીને કહેવા લાગ્યોઃ હે ભક્તવત્સલ! હે દેવ! હે
વિજ્ઞાનભૂષણ! હું અત્યંત વૃદ્ધ હોવાથી શક્તિહીન થયો છું. તેમાં મારો શો અપરાધ છે?
આપ મારા ઉપર કોપ કરો છો, પણ હું ક્રોધને પાત્ર નથી. પ્રથમ અવસ્થામાં મારા હાથ
હાથીની સૂંઢ સમાન હતા, છાતી મજબૂત, પગ થાંભલા જેવા અને શરીર દ્રઢ હતું. હવે
કર્મના ઉદયથી શરીર શિથિલ થઈ ગયું છે. પહેલાં તો ઊંચી ધરતી રાજહંસની જેમ
ઓળંગી જતો, મનવાંછિત સ્થળે જઈ પહોંચતો, હવે સ્થાન પરથી ઉઠાતું પણ નથી.
તમારા પિતાની કૃપાથી મેં આ શરીરને લાડ લડાવ્યા હતા, હવે તે કુમિત્રની જેમ દુઃખનું
કારણ થઈ ગયું છે. પહેલાં મારામાં શત્રુઓને હણવાની શક્તિ હતી, હવે તો લાકડીના ટેકે
મહાકષ્ટથી ચાલી શકું છું. બળવાન પુરુષે ખેંચેલા ધનુષ્ય સમાન મારી પીઠ વાંકી થઈ ગઈ
છે, મસ્તકના કેશ સફેદ થઈ ગયા છે. મારા દાંત પડી ગયા છે, જાણે કે શરીરનો આતાપ
જોઈ ન શકતા હોય. હે રાજન્! મારો બધો ઉત્સાહ ભાંગી ગયો