દશરથે પૂછયું કે હે નાથ! ચંદ્રગતિ વિદ્યાધરને શા કારણે વૈરાગ્ય ઉત્પન્ન થયો?
મહાવિનયવાન સીતા પોતાના ભાઈ ભામંડળનું ચરિત્ર સાંભળવા ઈચ્છા કરવા લાગી.
મુનિએ કહ્યું કે હે દશરથ! તું સાંભળ. આ જીવોને પોતપોતાના ઉપાર્જિત કરેલાં કર્મોથી
વિચિત્ર ગતિ થાય છે. આ ભામંડળ પૂર્વે સંસારમાં અનંતકાળ ભ્રમણ કરીને અત્યંત દુઃખી
થયો હતો, કર્મરૂપી પવનથી પ્રેરાયેલો તે આ ભવમાં આકાશમાંથી પડતો રાજા ચંદ્રગતિને
મળ્યો હતો. ચંદ્રગતિએ તેને પોતાની સ્ત્રી પુણ્યવતીને સોંપ્યો હતો, નવયૌવનમાં તે
સીતાનું ચિત્રપટ જોઈ મોહિત થયો. ત્યારે જનકને એક વિદ્યાધર કૃત્રિમ અશ્વ બનીને લઈ
ગયો અને એવો કરાર થયો કે જે વજ્રાવર્ત ધનુષ ચડાવે તે કન્યાને પરણે. પછી જનકને
મિથિલાપુરી લઈ આવ્યા અને શ્રી રામે ધનુષ ચડાવ્યું અને સીતાને પરણ્યાં. વિદ્યાધરના
મુખે આ વાત સાંભળીને ક્રોધપૂર્વક ભામંડળ વિમાનમાં બેસીને આવતો હતો તેણે માર્ગમાં
પૂર્વભવનું નગર જોયું અને જાતિસ્મરણ થયું કે હું કુંડળમંડિત નામનો આ વિદગ્ધપુરનો
અધર્મી રાજા હતો. મેં પિંગળ નામના બ્રાહ્મણની સ્ત્રીનું હરણ કર્યું હતું, મને અનરણ્યના
સેનાપતિએ પકડયો હતો, દેશનિકાલ કર્યો હતો અને મારું સર્વસ્વ લૂંટી લીધું હતું. અને
મહાપુરુષોના આશ્રયે આવીને મદ્ય-માંસનો ત્યાગ કર્યો હતો. શુભ પરિણામથી મરણ
પામીને જનકની રાણી વિદેહાના ગર્ભમાં ઉપજ્યો હતો. પેલો પિંગળ બ્રાહ્મણ જેની સ્ત્રીને
આ હરી ગયો હતો તે વનમાંથી લાકડા લાવી, સ્ત્રીરહિત શૂન્ય ઝૂંપડી જોઈ અતિવિલાપ
કરવા લાગ્યો હતો કે હે કમળનયની! રાણી પ્રભાવતી જેવી માતા અને ચક્રધ્વજ જેવા
પિતાને, મહાન વૈભવ અને મોટા પરિવારને છોડીને મારા પ્રત્યે પ્રેમ કરીને પરદેશમાં
આવી હતી, લૂખોસૂકો આહાર અને ફાટયાંતૂટયાં વસ્ત્ર તું મારા ખાતર પહેરતી એવી
સર્વસુંદર અંગવાળી, હવે તું મને છોડીને ક્યાં ગઈ? આ પ્રમાણે વિયોગરૂપ અગ્નિથી દગ્ધ
થયેલો તે પિંગળ વિપ્ર પૃથ્વી પર અત્યંત દુઃખી બની ભટકતો, મુનિરાજના ઉપદેશથી મુનિ
થઈ તપ કરવા લાગ્યો. તપના પ્રભાવથી તે દેવ થયો. તે મનમાં વિચારવા લાગ્યો કે મારી
સ્ત્રી સમ્યક્ત્વરહિત હતી તે તિર્યંચ ગતિમાં ગઈ અથવા માયાચારરહિત સરળ
પરિણામવાળી હતી એટલે મનુષ્ય થઈ કે સમાધિમરણ કરીને શ્રી જિનરાજને હૃદયમાં
ધારણ કરીને દેવગતિ પામી. અને પેલો દુષ્ટ કુંડલમંડિત, જે મારી સ્ત્રીને ઉપાડી ગયો હતો
તે ક્યાં છે? અવધિજ્ઞાનથી તેણે જનકની સ્ત્રીના ગર્ભમાં તેને આવેલો જાણીને જન્મ થતાં
જ બાળકનું હરણ કર્યું અને આકાશમાંથી પડતો મૂક્યો તેને ચંદ્રગતિએ ઝીલી લીધો અને
રાણી પુષ્પવતીને સોંપ્યો. ભામંડળે જાતિસ્મરણથી બધું જાણીને આ વૃત્તાંત ચંદ્રગતિને કહ્યો
કે સીતા મારી બહેન છે અને રાણી વિદેહા મારી માતા છે અને પુણ્યવતી મારી પાલક
માતા છે. આ વાત સાંભળીને વિદ્યાધરોની આખી સભા આશ્ચર્ય પામી. ચંદ્રગતિએ
ભામંડળને રાજ્ય આપી સંસાર, શરીર અને ભોગથી ઉદાસ થઈ, વૈરાગ્ય લેવાનો વિચાર
કર્યો. તેણે ભામંડળને કહ્યું કે હે પુત્ર! તારાં જન્મદાતા માતાપિતા તારા શોકથી ખૂબ દુઃખી
થાય છે એટલે તું તેમને દર્શન આપી તેમની આંખો ઠાર. આ પ્રમાણે સર્વભૂતહિત
મુનિરાજ રાજા દશરથને કહે છે કે