રાત્રે થયા તેથી અયોધ્યાના સમસ્ત લોકો નિદ્રારહિત થઈ ગયા. વળી પ્રાતઃસમયે
મુનિરાજના મુખમાંથી શ્રેષ્ઠ શબ્દો સાંભળીને જૈનો હર્ષ પામ્યા. સીતા જનક રાજાનો પુત્ર
જયવંત હો’ એવો અવાજ સાંભળીને જાણે કે અમૃતથી સીંચાઈ ગઈ, તેનાં સર્વ અંગ
રોમાંચિત થઈ ગયાં, તેની જમણી આંખ ફરકી, તે મનમાં વિચારવા લાગી કે આ
વારંવાર ઊંચેથી બોલાતો શબ્દ સાંભળવામાં આવે છે કે ‘જનક રાજાનો પુત્ર જયવંત હો’
તો મારા પિતા જ જનક છે અને મારા ભાઈનું જન્મ થતાં જ હરણ થયું હતું તો તે જ
આ ન હોય? આમ વિચારીને જેનું મન ભાઈના સ્નેહરૂપ જળથી ભીંજાઈ ગયું છે, તે
ઊંચા સ્વરથી રોવા લાગી. ત્યારે અભિરામ એટલે સુંદર અંગવાળા રામ કહેવા લાગ્યા કે
હે પ્રિયે! તું શા માટે રુદન કરે છે? જો આ તારો ભાઈ હોય તો હમણાં સમાચાર આવશે
અને જો બીજું કોઈ હશે તો હે પંડિતે! તું શા માટે શોક કરે છે? જે વિચિક્ષણ હોય છે તે
મરેલાનો, હરાયેલાનો, નષ્ટ થયેલાનો શોક કરતા નથી. હે વલ્લભે! જે કાયર અને મૂર્ખ
હોય તેમને વિષાદ થાય છે અને જે પંડિત છે, પરાક્રમી છે તેમને વિષાદ થતો નથી. આ
પ્રમાણે રામ અને સીતાની વચ્ચે વાર્તાલાપ થાય છે તે જ સમયે વધાઈ આપનારા મંગળ
શબ્દો બોલતા આવ્યા. તે વખતે રાજા દશરથે ખૂબ આનંદથી અને આદરથી જાતજાતનાં
દાન આપ્યાં અને પુત્ર, કલત્રાદિ સર્વ કુટુંબ સહિત વનમાં ગયા. ત્યાં નગરની બહાર ચારે
તરફ વિદ્યાધરોની સેના સેંકડો સામંતો સહિત જોઈને આશ્ચર્ય પામ્યા. વિદ્યાધરોએ ઇન્દ્રના
નગર જેવું સેના માટેનું સ્થાન ક્ષણમાત્રમાં બનાવી દીધું હતું. તેના ઊંચા કોટ, મોટા
દરવાજા, પતાકા-તોરણોથી શોભાયમાન, રત્નોથી મંડિત એવો નિવાસ જોઈને રાજા
દશરથ જ્યાં વનમાં સાધુ બિરાજ્યા હતા ત્યાં ગયા. નમસ્કાર, સ્તુતિ કરી, રાજા
ચંદ્રગતિનો વૈરાગ્ય જોયો. વિદ્યાધરોની સાથે શ્રીગુરુની પૂજા કરી. રાજા દશરથ સર્વ
બાંધવો સહિત એક તરફ બેઠા અને ભામંડળ સર્વ વિદ્યાધરો સહિત એક તરફ બેઠો.
વિદ્યાધર અને ભૂમિગોચરી લોકો મુનિની પાસે યતિ અને શ્રાવકધર્મનું શ્રવણ કરવા
લાગ્યા. ભામંડળ પિતા વૈરાગ્ય પામ્યા હોવાથી કાંઈક શોકમગ્ન લાગતો હતો ત્યારે મુનિ
કહેવા લાગ્યા કે યતિનો ધર્મ તે શૂરવીરોનો છે, જેમને ઘરમાં રહેવાનું નથી, મહાશાંત દશા
છે, આનંદનું કારણ છે, મહાદુર્લભ છે. કાયર જીવોને ભયાનક લાગે છે. ભવ્ય જીવ
મુનિપદ પામીને અવિનાશી ધામ પામે છે અથવા ઇન્દ્ર, અહમિન્દ્રપદ પામે છે. લોકના
શિખરે જે સિદ્ધ બિરાજે છે તે પદ મુનિપદ વિના પમાતું નથી. મુનિ સમ્યગ્દર્શનથી મંડિત
છે. જે માર્ગથી નિર્વાણનું સુખ પ્રાપ્ત થાય અને ચાર ગતિનાં દુઃખથી છૂટાય તે જ માર્ગ
શ્રેષ્ઠ છે. આમ સર્વભૂતહિત મુનિએ મેઘની ગર્જના સમાન ધ્વનિથી સર્વ જીવોના ચિત્તને
આનંદ આપનારાં વચનો કહ્યાં. મુનિ સમસ્ત તત્ત્વોના જ્ઞાતા છે. સંદેહરૂપ તાપને દૂર
કરનાર મુનિના વચનરૂપ જળનું જીવોએ કર્ણરૂપી અંજલિથી પાન કર્યું. કેટલાક મુનિ થયા,
કેટલાક શ્રાવક થયા, તેમનું ચિત્ત ધર્માનુરાગથી યુક્ત થયું. ધર્મનું વ્યાખ્યાન પૂરું થયું ત્યારે