આવું કાર્ય કરે નહિ. મેં અશુભ કર્મોના ઉદયથી અત્યંત મલિન પરિણામ કર્યાં. હું અને
સીતા એક જ માતાના ઉદરથી જન્મ્યાં છીએ. હવે મારાં અશુભ કર્મ ગયાં અને સાચી
વાત મેં જાણી છે. તેનાં આવાં વચન સાંભળીને અને તેને શોકથી પીડિત જોઈને તેના
પિતા રાજા ચંદ્રગતિએ તેને ગોદમાં લઈ તેનું મુખ ચૂમી તેને પૂછયું કે હે પુત્ર! આ તું શું
કહે છે? ત્યારે કુમારે કહ્યું કે હે પિતાજી! મારું ચરિત્ર સાંભળો. પૂર્વભવમાં હું આ જ
ભરતક્ષેત્રમાં વિદગ્ધપુર નગરનો રાજા હતો. મારું નામ કુંડળમંડિત હતું. પરરાજ્યનો
લૂંટનારો, સદા વિગ્રહ કરનારો, પૃથ્વી પર પ્રસિદ્ધ, મારી પ્રજાનો રક્ષક, વૈભવસંયુક્ત હતો.
માયાચારથી મેં એક બ્રાહ્મણની સ્ત્રીનું હરણ કર્યું હતું. તે વિપ્ર તો અત્યંત દુઃખી થઈને
ક્યાંક ચાલ્યો ગયો અને હું રાજા અનરણ્યના દેશમાં ત્રાસ વર્તાવવા લાગ્યો એટલે
અનરણ્યના સેનાપતિએ મને પકડી લીધો અને મારી બધી સંપત્તિ લૂંટી લીધી. હું
શરીરમાત્ર રહી ગયો. કેટલાક દિવસ પછી બંદીગૃહથી છૂટયો અને અત્યંત દુઃખી થઈને
પૃથ્વી ઉપર ભટકતાં, મુનિઓનાં દર્શન કરવા ગયો, મહાવ્રત, અણુવ્રતનું વ્યાખ્યાન
સાંભળ્યું, ત્રિલોકપૂજ્ય સર્વજ્ઞ વીતરાગદેવના પવિત્ર માર્ગની શ્રદ્ધા કરી. જગતના બાંધવ
એવા ગુરુની આજ્ઞાથી મેં મદ્ય-માંસના ત્યાગરૂપ વ્રત આદર્યું, મારી શક્તિ અલ્પ હતી
તેથી આ વિશેષ વ્રતો આદરી ન શક્યો. જિનશાસનનું અદ્ભુત માહાત્મ્ય કે હું મહાપાપી
હતો તો પણ આટલાં જ વ્રતથી હું દુર્ગતિમાં ન ગયો. જિનધર્મના શરણથી જનકની રાણી
વિદેહાના ગર્ભમાં ઉત્પન્ન થયો અને સીતા પણ ઉપજી, અમારા બન્નેનો સાથે જન્મ થયો.
પેલો પૂર્વભવનો વિરોધી વિપ્ર, જેની સ્ત્રીનું મેં હરણ કર્યું હતું તે દેવ થયો અને મને
જન્મથી જ જેમ ગીધ માંસનો ટુકડો ઊઠાવી જાય તેમ નક્ષત્રોથી ઉપર આકાશમાં લઈ
ગયો. પહેલાં તો તેણે વિચાર કર્યો કે આને મારું. પછી કરુણાથી કુંડળ પહેરાવી, લઘુપર્ણ
વિદ્યાથી મને વિમાનમાંથી નીચે ફેંક્યો. રાત્રે નીચે પડતાં તમે મને ઝીલી લીધો અને દયા
લાવીને આપની રાણીને સોંપ્યો, તમારી કૃપાથી હું મોટો થયો અને અનેક વિદ્યાઓ
મેળવી. તમે મને ઘણા લાડ લડાવ્યા અને માતાએ મારું ઘણું રક્ષણ કર્યું. આમ કહીને
ભામંડળ ચૂપ થઈ ગયો. રાજા ચંદ્રગતિ આ વૃત્તાંત સાંભળીને જ્ઞાન પામ્યો, ઇન્દ્રિયોની
વાસના છોડી, વૈરાગ્ય અંગીકાર કરવા તૈયાર થયો. લોકધર્મ એટલે કે સ્ત્રીસેવનરૂપી વૃક્ષને
ફળરહિત જાણ્યું અને સંસારનું બંધન જાણી, પોતાનું રાજ્ય ભામંડળને આપી, પોતે શીઘ્ર
સર્વભૂતહિત સ્વામીની સમીપે આવ્યો. સર્વભૂતહિત સ્વામી પૃથ્વી પર સૂર્ય સમાન પ્રસિદ્ધ
ગુણરૂપ કિરણોના સમૂહથી ભવ્ય જીવોને પ્રતિબોધ કરતા હતા. રાજા ચંદ્રગતિ વિદ્યાધરે
મહેન્દ્રોદય ઉદ્યાનમાં આવી મુનિની પૂજા કરી. વળી નમસ્કાર સ્તુતિ કરી, મસ્તક નમાવી,
હાથ જોડી આ પ્રમાણે કહેવા લાગ્યોઃ હે ભગવાન્! આપની કૃપાથી હું જિનદીક્ષા લઈ તપ
કરવા ઈચ્છું છું, હું ગૃહવાસથી ઉદાસ થયો છું. ત્યારે મુનિએ કહ્યું કે ભવસાગરને પાર
કરનારી આ ભગવતી દીક્ષા તું લે. રાજા વૈરાગ્ય પામ્યા અને ભામંડળના રાજ્યનો ઉત્સવ
થયો, ઊંચા અવાજે નગારાં વાગ્યાં, સ્ત્રીઓ ગીત ગાવા લાગી, બંસરી આદિ અનેક
વાજિંત્રો વાગ્યાં. ‘શોભાયમાન જનક