છો? કુમારને બધી યથાર્થ હકીકત કહી દો કે જેથી તેને ભ્રાંતિ ન રહે. ત્યારે તેમણે બધી
વાત ભામંડળને કરી. હે કુમાર! અમે કન્યાના પિતાને અહીં લઈ આવ્યા હતા, તેમની
પાસે કન્યાની યાચના કરી હતી, પણ તેમણે કહ્યું કે મેં કન્યા રામને આપવાનું નક્કી કર્યું
છે. અમારી અને તેમની વચ્ચે ઘણી ચર્ચા થઈ, પણ તે માન્યા નહિ. પછી વજ્રાવર્ત ધનુષ
ચડાવવાનો કરાર થયો કે જો રામ ધનુષ ચડાવી શકે તો કન્યાને પરણે નહિતર કન્યાને
અમે અહીં લઈ આવશું અને ભામંડળ તેને પરણશે. પછી વિદ્યાધરો ધનુષ લઈને અહીંથી
મિથિલાપુરી ગયા. પણ રામ મહાન પુણ્યાધિકારી છે, તેમણે ધનુષ ચડાવી દીધું. પછી
સ્વયંવર મંડપમાં જનકની અતિગુણવાન, વિવેકી, પતિના હૃદયને ધારનારી, વ્રત-નિયમ
કરનારી, નવયુવાન, દોષરહિત, સર્વ કલાપૂર્ણ, લક્ષ્મીસમાન શુભ લક્ષણોવાળી પુત્રી સીતા
શ્રીરામના કંઠમાં વરમાળા નાખીને તેમની વલ્લભા બની ગઈ. હે કુમાર! તે ધનુષ
વર્તમાનકાળનાં નથી; ગદા, હળ આદિ દેવોપુનિત રત્નોથી યુક્ત, અનેક દેવ જેમની સેવા
કરે છે, કોઈ જેને જોઈ શકતું નથી તે વજ્રાવર્ત અને સાગરાવર્ત બન્ને ધનુષ રામ-લક્ષ્મણ
બેય ભાઈઓએ ચડાવી દીધાં. રામ તે ત્રિલોકસુંદરીને પરણ્યા અને અયોધ્યા લઈ ગયા.
હવે તે બળાત્કારથી દેવોથી પણ હરી શકાય તેમ નથી તો અમારી શી વાત? કદાચ કહેશો
કે રામને પરણાવ્યા પહેલાં કેમ ન ઉપાડી લાવ્યા? તો જનકના મિત્ર રાવણનો જમાઈ
મધુ છે તો અમે કેવી રીતે લાવી શકીએ? માટે હે કુમાર! હવે સંતોષ રાખો, નિર્મળ
બનો, હોનહાર હોય તે થાય છે, ઇન્દ્રાદિક પણ બીજી રીતે કરી શકતા નથી. ધનુષ
ચડાવવાના સમાચાર અને રામ સાથે સીતાનાં લગ્ન થયાં છે એ સાંભળીને ભામંડળ
અત્યંત લજ્જિત થઈને વિષાદ પામ્યો. તે વિચારવા લાગ્યો કે મારો આ વિદ્યાધરનો જન્મ
નિરર્થક છે. હું હીન પુરુષની જેમ તેને પરણી ન શક્યો. તે ઈર્ષ્યા અને ક્રોધથી સભાના
લોકોને કહેવા લાગ્યો કે તમારું વિદ્યાધરપણું શું કામનું? તમે ભૂમિગોચરીઓથી ડરો છો. હું
પોતે જઈને ભૂમિગોચરીઓને જીતી તેને લઈ આવીશ. અને જે ધનુષના અધિષ્ઠાતા તેમને
ધનુષ દઈ આવ્યા તેમનો દંડ કરીશ. આમ કહીને શસ્ત્ર સજી, વિમાનમાં બેસીને
આકાશમાર્ગે ગયો. અનેક ગામ, નદી, નગર, વન, ઉપવન, સરોવર, પર્વતાદિ આખી
પૃથ્વી જોઈ. પછી એની દ્રષ્ટિ પોતાના પૂર્વભવનું સ્થાન વિદગ્ધપુર જે પહાડોની વચ્ચે હતું
તેની ઉપર પડી. તે મનમાં વિચારવા લાગ્યો કે આ નગર મેં જોયું છે. તેને જાતિસ્મરણ
થયું અને મૂર્ચ્છા આવી ગઈ. ત્યારે મંત્રી વ્યાકુળ થઈને પિતાની પાસે લઈ આવ્યા.
ચંદનાદિ શીતળ દ્રવ્યો છાંટયા એટલે જાગ્રત થયો. રાજકુટુંબની સ્ત્રીઓ તેને કહેવા લાગી
કે હે કુમાર! માતાપિતાની સામે આવી લજ્જારહિત ચેષ્ટા કરો તે તમારા માટે યોગ્ય નથી.
તમે તો વિચિક્ષણ છો, વિદ્યાધરોની કન્યા દેવાંગનાથી પણ અધિક સુંદર છે તેને પરણો.
લોકોમાં હાસ્ય શા માટે કરાવો છો? ત્યારે ભામંડળે લજ્જા અને શોકથી મુખ નીચું કર્યું
અને કહેવા લાગ્યો કે ધિક્કાર છે મને! મેં મોહથી વિરુદ્ધ કાર્યનો વિચાર કર્યો, જે
ચાંડાળાદિ અત્યંત નીચ કુળના છે તે પણ