તેને કહેવા લાગ્યો કે હે રત્નમાલી! તેં આ શું આરંભ્યું છે? હવે તું ક્રોધ છોડ. હું તારો
પૂર્વભવનો વૃત્તાંત કહું છું તે સાંભળ. ભરતક્ષેત્રમાં ગાંધારી નગરીના રાજા ભૂતિ અને
તેનો પુરોહિત ઉપમન્યુ બન્ને પાપી અને માંસભક્ષી હતા. એક દિવસ રાજાએ
કેવળગર્ભસ્વામીના મુખથી વ્યાખ્યાન સાંભળીને એવું વ્રત લીધું કે હું પાપનું આચરણ
નહિ કરું. તે વ્રત ઉપમન્યુ પુરોહિતે છોડાવી દીધું. એક સમયે રાજા પર શત્રુઓની ધાડ
આવી તેમાં રાજા અને પુરોહિત બન્ને મરાયા. પુરોહિતનો જીવ હાથી થયો. તે હાથી
યુદ્ધમાં ઘાયલ થઈ અંતકાળે નમોકારમંત્રનું શ્રવણ કરીને ગાંધારી નગરીમાં રાજા ભૂતિની
રાણી યોજનગંધાનો અરિસૂદન નામનો પુત્ર થયો. તેણે કેવળગર્ભમુનિનાં દર્શન કરી,
પૂર્વજન્મનું સ્મરણ કર્યું, તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તેણે મુનિપદ અંગીકાર કર્યું,
સમાધિમરણ કરી અગિયારમાં સ્વર્ગમાં દેવ થયો. તે ઉપમન્યુ પુરોહિતનો જીવ તે હું અને
રાજા ભૂતિનો જીવ મરીને મંદારણ્યમાં મૃગ થયો હતો. ત્યાં દાવાનળમાં બળી મર્યો. મરીને
કલિંજ નામનો નીચ પુરુષ થયો અને મહાપાપ કરી બીજી નરકમાં ગયો. સ્નેહના યોગથી
મેં તને નરકમાં સંબોધન કર્યું. આયુષ્ય પૂર્ણ કરીને નરકમાંથી નીકળીને તું રત્નમાલી
વિદ્યાધર થયો. તું એ નરકનાં દુઃખ ભૂલી ગયો છો. આ વાત સાંભળીને રત્નમાલી
સૂર્યજય પુત્ર સહિત પરમ વૈરાગ્ય પામ્યો, દુર્ગતિનાં દુઃખથી ડર્યો, તિલકસુંદર સ્વામીનું
શરણ લઈ પિતાપુત્ર બન્ને મુનિ થયા. સૂર્યજય તપ કરીને દસમા દેવલોકમાં દેવ થયો.
ત્યાંથી ચ્યવીને રાજા અનુરણ્યનો પુત્ર દશરથ થયો. સર્વભૂતહિત મુનિ કહે છે કે અલ્પમાત્ર
સુકૃતથી પણ ઉપાસ્તિનો જીવ કેટલાક ભવોમાં વડના બીજની પેઠે વૃદ્ધિ પામ્યો. તું રાજા
દશરથ ઉપાસ્તિનો જીવ છે અને નંદીવર્ધનના ભવમાં તારા પિતા નંદીઘોષ મુનિ થઈને
ગ્રૈવેયક ગયા હતા અને ત્યાંથી ચ્યવીને હું સર્વભૂતહિત થયો છું. જે રાજા ભૂતિનો જીવ
રત્નમાલી થયો હતો તે સ્વર્ગમાંથી ચ્યવીને આ જનક થયો છે અને ઉપમન્યુ પુરોહિતનો
જીવ જેણે રત્નમાલીને સંબોધ્યો હતો તે જનકનો ભાઈ કનક થયો છે. આ સંસારમાં ન
કોઈ પોતાનું છે કે ન કોઈ પારકું છે. શુભાશુભ કર્મોથી આ જીવ જન્મ-મરણ કરે છે. આ
પૂર્વભવનું વર્ણન સાંભળી રાજા દશરથ નિઃસંદેહ થઈ સંયમ સન્મુખ થયો. ગુરુના ચરણોને
નમસ્કાર કરીને તેણે નગરમાં પ્રવેશ કર્યો. તેનું અંતઃકરણ નિર્મળ હતું. તે મનમાં
વિચારવા લાગ્યો કે આ મહામંડલેશ્વરનું રાજ્ય સુબુદ્ધિમાન રામને આપી, હું મુનિવ્રત
અંગીકાર કરું. રામ ધર્માત્મા છે અને મહાધીર છે, ધૈર્ય ધારણ કરે છે અને સમુદ્રાંત
પૃથ્વીનું રાજ્ય કરવાને સમર્થ છે. એના ભાઈઓ પણ આજ્ઞાકારી છે. આમ રાજા દશરથે
વિચાર્યું. તે મોહથી પરાઙમુખ અને મુક્તિ માટે ઉદ્યમી થયા છે. તે વખતે શરદ ઋતુ પૂર્ણ
થઈ હતી અને હેમંત ઋતુનું આગમન થયું. કમળ જેનાં નેત્ર છે અને ચંદ્રમાની ચાંદની
જેનાં ઉજ્જવળ વસ્ત્ર છે એવી શરદ ઋતુ જાણે કે હિમઋતુના ભયથી ભાગી ગઈ.