થયા. જે ઋતુમાં ધનરહિત પ્રાણી જીર્ણ કુટિમાં દુઃખપૂર્વક સમય વિતાવે છે. દરિદ્રી લોકોના
હોઠ અને પગના તળિયા ફાટી ગયા છે, દાંત ડગમગે છે, વાળ લુખ્ખા થઈ ગયા છે,
નિરંતર અગ્નિનું સેવન કરવું પડે છે, પેટપૂરતું ભોજન મળતું નથી, ચામડી કઠણ બની
જાય છે અને ઘરમાં કુભાર્યાના વચનરૂપ શસ્ત્રથી જેનું ચિત્ત કપાઈ જાય છે, કાષ્ઠાદિના
ભારા લાવવા માટે ખભે કુહાડી વગેરે લઈને જે વન વન ભટકે છે અને શાક, બોર વગેરે
આહારથી પેટ ભરે છે અને જે પુણ્યના ઉદયથી રાજાદિક ધનાઢય પુરુષ થયા છે તે મોટા
મહેલોમાં રહે છે અને શીતનું નિવારણ કરનાર અગરના ધૂપની સુગંધથી યુક્ત વસ્ત્ર
પહેરે છે, સોનાનાં તથા રૂપાનાં પાત્રોમાં ષટ્રસયુક્ત સ્નિગ્ધ ભોજન કરે છે, તેમનાં અંગો
પર કેસર સુગંધાદિનો લેપ કરે છે, તેમની પાસેના ધૂપદાનમાં ધૂપ સળગ્યાં કરે છે,
પરિપૂર્ણ ધન હોવાથી ચિંતારહિત છે, ઝરૂખામાં બેસીને લોકોને જુએ છે, તેમની સમીપે
ગીત નૃત્યાદિક વિનોદ થયા કરે છે, રત્નોનાં આભૂષણ અને સુગંધી માળાદિથી મંડિત
સુંદર કથામાં ઉદ્યમી છે; તેમની સ્ત્રીઓ વિનયવાન, કલાની જાણનારી, રૂપાળી અને
પતિવ્રતા હોય છે. પુણ્યના ઉદયથી આ સંસારી જીવ દેવગતિ મનુષ્ય ગતિનાં સુખ ભોગવે
છે અને પાપના ઉદયથી નરક, તિર્યંચ તથા મનુષ્ય થઈ દુઃખ, દારિદ્ર ભોગવે છે. બધા
માણસો પોતપોતાના ઉપાર્જિત કર્મના ફળ ભોગવે છે. દશરથે મુનિનાં આવાં વચન પહેલાં
સાંભળ્યા હતાં. તે સંસારથી વિરક્ત થઈ દ્વારપાળને કહેવા લાગ્યા. દ્વારપાળે પોતાનું
મસ્તક ભૂમિ પર અડાડયું છે અને હાથ જોડયા છે. રાજાએ તેને આજ્ઞા કરી કે હે ભદ્ર!
સામંત, મંત્રી પુરોહિત, સેનાપતિ આદિ બધાને બોલાવો. એટલે દ્વારપાળ દ્વાર પર બીજા
માણસને મૂકીને તેમની આજ્ઞા પ્રમાણે બોલાવવા ગયો. તે બધા આવીને રાજાને પ્રણામ
કરી યથાયોગ્ય સ્થાનમાં બેઠા અને વિનંતી કરવા લાગ્યા કે હે નાથ! આજ્ઞા કરો. શું કાર્ય
કરવાનું છે? રાજાએ કહ્યું કે હું સંસારનો ત્યાગ કરીને નિશ્ચયથી સંયમ લઈશ. મંત્રીઓએ
પૂછયું કે હે પ્રભો! આપને કયા કારણે વૈરાગ્ય ઉત્પન્ન થયો છે? રાજાએ કહ્યું કે આ
સમસ્ત જગત પ્રત્યક્ષપણે સૂકા ઘાસની જેમ મૃત્યુરૂપ અગ્નિથી બળે છે અને અભવ્યને
અલભ્ય તથા ભવ્યોને લેવા યોગ્ય એવો સમ્યક્ત્વ સહિત સંયમ ભવતાપનો નાશક અને
શિવસુખ આપનાર છે, સુર, અસુર, મનુષ્ય, વિદ્યાધરોથી પૂજ્ય છે, પ્રશંસાયોગ્ય છે. મેં
આજે મુનિના મુખે જિનશાસનનું વ્યાખ્યાન સાંભળ્યું. જિનશાસન સકળ પાપોનો નાશ કરે
છે. ત્રણ લોકમાં પ્રગટ મહાસૂક્ષ્મ ચર્ચા તેમાં છે, અતિનિર્મળ ઉપમારહિત છે. બધી
વસ્તુઓમાં સમ્યક્ત્વ પરમ વસ્તુ છે. તે સમ્યક્ત્વનું મૂળ જિનશાસન છે, શ્રી ગુરુઓના
પ્રસાદથી હું નિવૃત્તિમાર્ગમાં પ્રવર્તવા તૈયાર થયો છું, મારી ભવભ્રાંતિરૂપ નદીની કથા મેં
આજે મુનિના મુખથી સાંભળી છે અને મને જાતિસ્મરણ થયું છે. હવે મારું શરીર ત્રાસથી
કંપે છે. મારી ભવભ્રાંતિની નદીમાં જાતજાતનાં જન્મરૂપ વમળો ઉઠે છે, મોહરૂપ કીચડથી
મલિન છે, કુર્તકરૂપ મગરોથી પૂર્ણ દુઃખરૂપ લહેરો તેમાં ઉઠે છે, મિથ્યારૂપ જળથી તે
ભરેલી છે, તેમાં મૃત્યુરૂપ મગરમચ્છોનો ભય છે, રુદનના ઘોર અવાજ કરતી, અધર્મરૂપ
પ્રવાહથી વહેતી,