ભવનદીને ઓળંગીને શિવપુરી જવાને ઉદ્યમી થયો છું. મોહથી પ્રેરાયેલા કાંઈ નકામા
બોલશો નહિ, સંસારસમુદ્ર તરીને નિર્વાણદ્વીપ જતાં મને અંતરાય ન કરશો. જેમ સૂર્યનો
ઉદય થતાં અંધકાર રહેતો નથી તેમ સમ્યગ્જ્ઞાન થતાં સંશયતિમિર ક્યાં રહે? માટે મારા
પુત્રને રાજ્ય આપો, હમણાં જ પુત્રનો અભિષેક કરાવો, હું તપોવનમાં પ્રવેશ કરું છું. આ
વચન સાંભળી મંત્રીઓ અને સામંતો રાજાનો વૈરાગ્યનો નિશ્ચય જાણી અત્યંત શોકાતુર
થયા. તેમનાં મસ્તક નીચે ઢળી ગયાં, આંખો અશ્રુપાતથી ભરાઈ ગઈ, આંગળીથી જમીન
ખોતરતાં ક્ષણમાત્રમાં પ્રભારહિત થઈ ગયા. મૌનપણે બેસી રહ્યા. આખો રણવાસ
પ્રાણનાથનો નિર્ગ્રંથ વ્રતનો નિશ્ચય સાંભળી શોક પામ્યો. અનેક વિનોદ કરતા હતા તે
છોડીને આંસુઓથી આંખો ભરાઈ ગઈ અને મહારુદન કર્યું. ભરત પિતાના વૈરાગ્યની વાત
સાંભળી પોતે પણ પ્રતિબોધ પામ્યા, મનમાં ચિંતવવા લાગ્યા કે અહો! આ સ્નેહનું બંધન
છેદવું કઠણ છે. અમારા પિતાજી જ્ઞાન પામ્યા, જિનદીક્ષા લેવા ઈચ્છે છે. હવે એમને
રાજ્યની શી ચિંતા હોય? મારે તો ન કોઈને કાંઈ પૂછવાનું છે કે ન કાંઈ કરવાનું છે. હું
તપોવનમાં પ્રવેશ કરીશ, સંયમ ધારણ કરીશ. તે સંયમ સંસારના દુઃખોનો ક્ષય કરે છે,
અને મારે આ દેહથી શી લેવાદેવા છે? આ દેહ તો વ્યાધિનું ઘર છે, વિનશ્વર છે, જો
દેહથી મારો સંબંધ નથી તો બાંધવો સાથે સંબંધ કેવો? આ બધા પોતાના કર્મફળના
ભોક્તા છે, આ પ્રાણી મોહથી અંધ છે, સંસારવનમાં એકલો જ ભટકે છે કે જે વન અનેક
ભવભયરૂપ વૃક્ષોથી ભરેલું છે.
એમને રોકું? આવી ચિંતાથી જેનું મન વ્યાકુળ છે એવી કૈકેયીને યાદ આવ્યું કે રાજાએ
તેને વરદાન આપેલું છે એટલે તરત જ પતિ પાસે જઈને અર્ધા સિંહાસન ઉપર બેઠી. તેણે
વિનંતી કરી કે હે નાથ! બધી સ્ત્રીઓની વચ્ચે તમે મને કૃપા કરીને કહ્યું હતું કે તું જે
માગીશ તે હું આપીશ તો અત્યારે આપો. ત્યારે દશરથે કહ્યું કે હે પ્રિયે! જે તારી ઈચ્છા
હોય તે માગી લે. રાણી કૈકેયી આંસુ સારતાં કહેવા લાગી કે હે નાથ! અમારી એવી કઈ
ભૂલ થઈ કે તમે ચિત્તને કઠોર કરીને અમને છોડવા ઈચ્છો છો. અમારો જીવ તો તમારે
આધીન છે. વળી, આ જિનદીક્ષા અત્યંત દુર્ધર છે તે લેવા માટે તમને કેમ વિચાર
સૂઝયો? આ ઇન્દ્ર સમાન ભોગોથી પાળેલું તમારું શરીર છે, તમે મુનિપદ કેવી રીતે
ધારણ કરી શકશો? મુનિપદ અત્યંત વિષમ છે. જ્યારે રાણી કૈકેયીએ આ પ્રમાણે કહ્યું
ત્યારે તેમણે જવાબ આપ્યોઃ હે કાંતે! સમર્થને વિષમ શું? હું તો નિઃસંદેહ મુનિવ્રત ધારણ
કરીશ જ, તારી અભિલાષા હોય તે માગ. રાણી ચિંતાતુર બની નીચું મુખ કરી બોલી કે
હે નાથ! મારા પુત્રને રાજ્ય આપો. ત્યારે દશરથે કહ્યું કે એમાં સંદેહ શેનો?