તેં થાપણ મૂકી હતી તે હવે લઈ લે. તેં જે કહ્યું તે હું માન્ય રાખું છું, હવે શોક ત્યજ, તે
મને ઋણમુક્ત કર્યો. પછી રામ-લક્ષ્મણને બોલાવી રાજા દશરથે કહ્યુંઃ હે વત્સ! આ કૈકેયી
અનેક કળાની પારગામી છે, એણે પહેલાં એક ઘોર સંગ્રામમાં મારું સારથિપણું કર્યું હતું.
એ અતિચતુર છે મારી જીત થઈ ત્યારે મેં પ્રસન્ન થઈ એને વરદાન આપેલું કે તારી
ઈચ્છા હોય તે માગી લે. તે વખતે તેણે વચન મારી પાસે થાપણ તરીકે મૂકયું હતું. હવે
એ કહે છે કે મારા પુત્રને રાજ્ય આપો. જો એના પુત્રને રાજ્ય ન આપું તો એનો પુત્ર
ભરત સંસારનો ત્યાગ કરે અને એ પુત્રના શોકથી પ્રાણ ત્યજે અને મારી વચન ન
પાળવાની અપકીર્તિ જગતમાં ફેલાય. વળી, મોટા પુત્રને છોડી નાના પુત્રને રાજ્ય આપું
તો એ કામ મર્યાદાથી વિપરિત છે અને ભરતને સકળ પૃથ્વીનું રાજ્ય આપ્યા પછી તમે
લક્ષ્મણ સહિત કયાં જાવ? તને બન્ને ભાઈ વિનયવાન, પિતાના આજ્ઞાકારી અને
પરમક્ષત્રિયતેજના ધારક છો તેથી હે વત્સ! હું શું કરું? બેય બાબત મુશ્કેલ બની ગઈ છે.
હું અત્યંત દુઃખરૂપ ચિંતાના સાગરમાં પડયો છું. ત્યારે શ્રી રામચંદ્રે અત્યંત વિનયપૂર્વક,
પિતાનાં ચરણારવિંદમાં નજર ચોડીને, સજ્જનતાથી કહ્યું કે હે તાત! તમે તમારું વચન
પાળો. અમારી ચિંતા છોડો. જો તમારું વચન નિષ્ફળ જવાથી તમારી અપકીર્તિ થતી હોય
અને અમને ઇન્દ્રની સંપત્તિ મળતી હોય તો પણ શા કામની? સુપુત્ર તો એવું જ કાર્ય કરે
કે જેથી માતાપિતાને રંચમાત્ર પણ શોક ન ઉપજે. પંડિતો પુત્રનું પુત્રપણું એને જ કહે છે
કે જે પિતાને પવિત્ર કરે અને તેમની કષ્ટથી રક્ષા કરે. પવિત્ર કરવું એટલે કે તેમને
જૈનધર્મની સન્મુખ કરવા. દશરથ, રામ અને લક્ષ્મણ વચ્ચે આ વાત થઈ રહી હતી તે જ
સમયે ભરત મહેલમાંથી નીચે ઉતર્યા અને મનમાં વિચાર્યું કે હું મુનિવ્રત ધારણ કરું અને
કર્મોનો નાશ કરું. લોકોના મુખમાંથી હાહાકારનો અવાજ થયો. પિતાએ વિહ્વળચિત્ત
થઈને ભરતને વનમાં જતા રોકયાં અને ગોદમાં બેસાડયા, છાતી સાથે લગાડયાં, મુખ
ચૂમ્યું અને કહ્યું, હે પુત્ર! તું પ્રજાનું પાલન કર. હું તપને અર્થે વનમાં જાઉં છું. ભરત
બોલ્યા, હું રાજ્ય નહિ કરું, જિનદીક્ષા ધારણ કરીશ. ત્યારે રાજાએ કહ્યુંઃ હે વત્સ! થોડા
દિવસ રાજ્ય કર, તારી નાની ઉંમર છે, વૃદ્ધાવસ્થામાં તપ કરજે. ભરતે કહ્યુંઃ હે તાત!
મૃત્યુ બાળ, વૃદ્ધ, તરુણને જોતું નથી, તે સર્વભક્ષી છે. તમે મને વૃથા શા માટે મોહ
ઉત્પન્ન કરો છો? ત્યારે રાજાએ કહ્યું, કે હે પુત્ર! ગૃહસ્થાશ્રમમાં પણ ધર્મનો સંગ્રહ થઈ
શકે છે, કુમનુષ્યથી થઈ શકતો નથી. ભરતે કહ્યુંઃ હે નાથ! ઇન્દ્રિયોને વશ થવાથી
કામક્રોધાદિથી ભરેલા ગૃહસ્થોને મુક્તિ ક્યાંથી થાય? તો ભૂપતિએ કહ્યુંઃ હે ભરત!
મુનિઓમાં પણ બધાની તદ્ભવમુક્તિ થતી નથી, કોઈકની થાય છે. માટે તું કેટલાક દિવસ
ગૃહસ્થધર્મનું આરાધન કર. ભરતે જવાબ આપ્યોઃ હે દેવ! આપે જે કહ્યું તે સત્ય છે,
પરંતુ ગૃહસ્થોને માટે તો એ નિયમ જ છે કે તેમને મુક્તિ ન હોય ને મુનિઓમાં કોઈને
મળે અને કોઈને ન મળે. ગૃહસ્થધર્મથી પરંપરાએ મુક્તિ થાય છે, સાક્ષાત્ નહિ, માટે તે
હીનશક્તિવાળાનું કામ છે. મને આ વાત રુચતી નથી, હું તો મહાવ્રત ધારણ કરવાનો જ