પગલે વિધ્ન લાગે છે....એમનો ભાવ આગળ જવાનો છે અને લોકો રાખવા ઈચ્છે છે.
કેટલાક સાથે ચાલ્યા. સૂર્ય જાણે કે રામનું વિદેશગમન જોઈ ન શક્યો તેથી અસ્ત પામવા
લાગ્યો. જેમ ભરત ચક્રવર્તીએ મુક્તિના નિમિત્તે રાજ્યસંપદા છોડી દીધી હતી તેમ અસ્ત
થતી વખતે સૂર્યના પ્રકાશે સર્વ દિશા છોડી દીધી. સૂર્યાસ્ત થતાં અત્યંત લાલાશ ધારણ
કરતી સંધ્યા જેમ સીતા રામની પાછળ ચાલી હતી તે સૂર્યની પાછળ ચાલી ગઈ. સમસ્ત
વિજ્ઞાનનો નાશ કરનાર અંધકાર જગતમાં ફેલાઈ ગયો, જાણે રામના ગમનથી તિમિર
ફેલાઈ ગયું. લોકો સાથે થયા, પાછા જતા નહિ. તેથી રામે લોકોને ટાળવા માટે શ્રી
અરનાથ તીર્થંકરના ચૈત્યાલયમાં નિવાસ કરવાનું વિચાર્યું, સંસારના તારણહાર ભગવાનનું
ભવન સદા શોભાયમાન, સુગંધમય, અષ્ટમંગળ દ્રવ્યોથી મંડિત, જેને ત્રણ દરવાજા હતા,
ઊંચા તોરણો હતાં એવા ચૈત્યાલયમાં સમસ્ત વિધિના જાણનાર રામ, લક્ષ્મણ અને સીતા
પ્રદક્ષિણા લઈ દાખલ થયાં. બે દરવાજા સુધી તો લોકો અંદર ચાલ્યા પણ ત્રીજા દરવાજા
પાસે દ્વારપાળે લોકોને રોકયા, જેમ મોહનીય કર્મ મિથ્યાદ્રષ્ટિઓને શિવપુર જતાં રોકે છે.
રામ-લક્ષ્મણ ધનુષબાણ અને બખ્તર બહાર મૂકી અંદર દર્શન કરવા ગયા. જેમનાં નેત્ર
કમળ સમાન છે એવા શ્રી અરનાથનું પ્રતિબિંબ રત્નોના સિંહાસન પર બિરાજમાન,
મહાશોભાયમાન, મહાસૌમ્ય, કાયોત્સર્ગ, શ્રી વત્સ લક્ષણોથી દેદીપ્યમાન, ઉરસ્થળવાળા,
સંપૂર્ણ ચંદ્રમા સમાન વદનવાળા, કથન અને ચિંતવનમાં ન આવે એવા રૂપવાળા
ભગવાનનાં દર્શન કરી, ભાવસહિત નમસ્કાર કરી તે બન્ને ભાઈ અત્યંત હર્ષ પામ્યા.
બન્ને ભાઈ બુદ્ધિ, પરાક્રમ, રૂપ અને વિનયથી ભરેલા, જિનેન્દ્રભક્તિમાં તત્પર, રાત્રે
ચૈત્યાલયની સમીપે રહ્યા. તેમને ત્યાં રહેલા જોઈને માતા કૌશલ્યાદિક જેમને પુત્રો પ્રત્યે
વાત્સલ્ય હતું. તે આવીને આંસુ પાડતી વારંવાર હૃદય સાથે ભીડવા લાગી. પુત્રના
દર્શનથી તે અતૃપ્ત છે, તેમનું ચિત્ત વિકલ્પરૂપ હીંડોળે ઝૂલી રહ્યું છે.
પરંતુ પરિણામોના અભિપ્રાય જુદા જુદા છે. દશરથની ચારેય રાણીઓ ગુણ, રૂપ,
લાવણ્યથી પૂર્ણ અત્યંત મધુરભાષી પુત્રોને મળીને પતિ પાસે ગઈ અને કહેવા લાગી હે
દેવ! કુળરૂપ જહાજ શોકરૂપી સમુદ્રમાં ડૂબે છે તેને રોકો, રામ-લક્ષ્મણને પાછા બોલાવો.
ત્યારે સુમેરુ સમાન જેમનો નિશ્ચળ ભાવ છે એવા રાજાએ કહ્યું કે વિકારરૂપ આ જગત
મારે આધીન નથી. મારી ઈચ્છા તો એવી જ છે કે બધા જીવોને સુખ થાય, કોઈને દુઃખ
ન થાય, જન્મ, જરા, મરણરૂપ પરાધીનતાથી કોઈને દુઃખ ન થાય, પરંતુ આ જીવો જુદા
જુદા પ્રકારના કર્મોની સ્થિતિવાળા છે માટે ક્યો વિવેકી નકામો શોક કરે? બાંધવાદિક ઈષ્ટ
પદાર્થોના દર્શનમાં પ્રાણીઓને તૃપ્તિ થતી નથી તથા ધન અને જીવનથી પણ તૃપ્તિ નથી.
ઈન્દ્રિયોનાં સુખ પૂર્ણ થઈ શકતાં નથી