તેના કિનારે આવ્યા. ત્યાં ભીલોનો નિવાસ છે, નાના પ્રકારના મિષ્ટ ફળો છે. પોતે ત્યાં
રહીને કેટલાક રાજાઓને વિદાય કર્યા અને કેટલાક પાછા ન ફર્યા, રામે ઘણું કહ્યું તો પણ
સાથે જ ચાલ્યા. બધા ભયાનક નદીને જોઈ રહ્યાં. કેવી છે નદી? પર્વતમાંથી નીકળતી
અત્યંત કાળી છે, જેમાં પ્રચંડ લહેરો ઉઠે છે, મગરમચ્છ વગેરે જળચરોથી ભરેલી, ભયંકર
અવાજ કરતી, બન્ને કિનારાને ભેદતી, કલ્લોલોના ભયથી જેના કિનારા પરથી પક્ષી ઊડી
રહ્યાં છે તેવી નદીને જોઈને બધા સામંતો ત્રાસથી કંપાયમાન થઈ રામ-લક્ષ્મણને કહેવા
લાગ્યા કે હે નાથ! કૃપા કરીને અમને પણ પાર ઉતારજો. અમે આપના સેવક છીએ,
ભક્ત છીએ, અમારા ઉપર પ્રસન્ન થાવ, હે માતા જાનકી! લક્ષ્મણને કહો કે અમને પાર
ઉતારે. આ પ્રમાણે આંસુ વહાવતા અનેક નરપતિ જાતજાતની ચેષ્ટા કરતાં નદીમાં પડવા
લાગ્યા. ત્યારે રામે કહ્યું કે અરે, હવે તમે પાછા ફરો. આ વન અત્યંત ભયંકર છે, અમારો
અને તમારો અહીં સુધી જ સાથ હતો. પિતાજીએ ભરતને બધાના રાજા બનાવ્યા છે માટે
તમે ભક્તિથી તેમની સેવા કરો. ત્યારે તેઓ કહેવા લાગ્યા કે હે નાથ! અમારા સ્વામી
તમે જ છો, તમે દયાળુ છો, અમારા ઉપર પ્રસન્ન થાવ, અમને છોડો નહિ, તમારા વિના
આ પ્રજા નિરાધાર થઈ છે, આકુળતા પામેલી તે કહો કે કોના શરણે જાય? તમારા જેવું
બીજું કોણ છે? વ્યાઘ્ર, સિંહ, ગજેન્દ્ર અને સર્પાદિકથી ભરેલા આ ભયાનક વનમાં અમે
તમારી સાથે રહીશું. તમારા વિના અમને સ્વર્ગ પણ સુખ આપશે નહિ. તમે કહો છો કે
પાછા જાવ; પણ મન બદલતું નથી, તો કેવી રીતે જઈએ? આ ચિત્ત સર્વ ઈન્દ્રિયોનું
અધિપતિ છે એમ એટલા માટે જ કહેવાય છે કે એ અદ્ભુત વસ્તુમાં અનુરાગ કરે છે.
અમારે ભોગથી, ઘરથી અથવા સ્ત્રી-કુટુંબાદિથી શું લેવાનું છે? તમે નરરત્ન છો, તમને
છોડીને ક્યાં જઈએ? હે પ્રભો! તમે બાળક્રીડામાં અમને કદી છેતર્યા નથી, હવે અત્યંત
નિષ્ઠુરતા કરો છો. અમારો અપરાધ બતાવો. તમારી ચરણરજથી અમારી ખૂબ વૃદ્ધિ થઈ
છે, તમે તો સેવકો પ્રત્યે વત્સલ છો. હે માતા જાનકી! હે ધીર લક્ષ્મણ! અમે માથું
નમાવી, હાથ જોડીને વિનંતી કરીએ છીએ, નાથને અમારા ઉપર પ્રસન્ન કરો. બધાએ
આવાં વચન કહ્યાં ત્યારે સીતા અને લક્ષ્મણ રામનાં ચરણો તરફ જોઈ રહ્યાં. ત્યારે રામ
બોલ્યાઃ ‘જાવ’ એ જ ઉતર છે. સુખમાં રહો, આમ કહીને બન્ને ધીર નદીમાં પ્રવેશ કરવા
લાગ્યા. શ્રી રામ સીતાનો હાથ પકડીને સુખપૂર્વક નદીમાં લઈ ગયા. જેમ કમલિનીને
દિગ્ગજ લઈ જાય. તે અસરાલ નદી રામ-લક્ષ્મણના પ્રભાવથી નાભિપ્રમાણ વહેવા લાગી.
બન્ને ભાઈ જળવિહારમાં પ્રવીણ ક્રીડા કરતા ચાલ્યા ગયા. સીતા રામનો હાથ પકડીને
એવી શોભતી જાણે કે લક્ષ્મી જ કમળદળમાં ઊભી છે. રામ-લક્ષ્મણ ક્ષણમાત્રમાં નદી પાર
કરી ગયા અને વૃક્ષોના આશ્રયે આવી ગયા. પછી લોકોની દ્રષ્ટિથી અગોચર થયા. કેટલાક
વિલાપ કરતાં, આંસુ સારતાં ઘેર ગયા અને કેટલાક રામ-લક્ષ્મણ તરફ દ્રષ્ટિ ખોડીને કાષ્ઠ
જેવા થઈ ગયા અને કેટલાક મૂર્ચ્છા ખાઈ ધરતી પર પડયા, કેટલાક જ્ઞાન પામીને
જિનદીક્ષા લેવા