સાંભળ્યા. ઘણી વાર વીણા, બંસરી આદિ વાજિંત્રોના નાદ સાંભળ્યા, ગીત સાંભળ્યા,
નૃત્ય જોયાં. દેવલોકમાં મનોહર અપ્સરાઓના ભોગ ભોગવ્યા, અનેક વાર મારું શરીર
નરકમાં કુહાડાથી કપાઈ ગયું અને અનેક વાર મનુષ્યગતિમાં મહાસુગંધી, બળપ્રદ, ષટ્રસ
સંયુક્ત અન્નનો આહાર કર્યો. અનેક વાર નરકમાં પિગાળેલું સીસું અને ત્રાંબુ
નારકીઓએ મને મારી મારીને પીવડાવ્યું અને અનેકવાર સુરનરગતિમાં મનોહર સુંદર રૂપ
જોયાં અને સુંદર રૂપ ધારણ કર્યાં અને અનેક વાર નરકમાં અત્યંત કુરૂપ ધારણ કર્યાં અને
જાતજાતના ત્રાસ જોયા. કેટલીક વાર રાજપદ, દેવપદમાં નાના પ્રકારના સુગંધી પદાર્થો
સૂંઘ્યા અને કેટલીક વાર નરકની અત્યંત દુર્ગંધ પણ સૂંઘી. અનેક વાર મનુષ્ય અને
દેવગતિમાં મહાલીલાને ધરનારી, વસ્ત્રાભરણમંડિત, મનને હરનારી સ્ત્રીઓનાં આલિંગન
કર્યાં અને ઘણી વાર નરકમાં શાલ્મલિ વૃક્ષના તીક્ષ્ણ કાંટા અને પ્રજ્વલિત લોઢાની
પૂતળીનો સ્પર્શ કર્યો. આ સંસારમાં કર્મોના સંયોગથી મેં શું શું ન જોયું, શું શું નથી સૂંઘ્યું,
શું શું નથી સાંભળ્યું, શું શું નથી ખાધું? આ પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય,
વનસ્પતિકાય, ત્રસકાયમાં એવો કોઈ દેહ નથી, જે મેં ન ધારણ કર્યો હોય. ત્રણ લોકમાં
એવો કોઈ જીવ નથી, જેની સાથે મારા અનેક સંબંધ ન થયા હોય. આ પુત્ર કેટલીક વાર
મારા પિતા થયા, માતા થઈ, શત્રુ થયા, મિત્ર થયા. એવું કોઈ સ્થાનક નથી જ્યાં હું ન
ઉપજ્યો હોઉં, ન મર્યો હોઉં. આ દેહ, ભોગાદિક અનિત્ય છે, જગતમાં કોઈ શરણ નથી,
આ ચતુર્ગતિરૂપ સંસાર દુઃખનું નિવાસસ્થાન છે, હું સદા એકલો છું, આ છયે દ્રવ્ય
પરસ્પર ભિન્ન છે. આ કાયા અશુચિ છે, હું પવિત્ર છું, આ મિથ્યાત્વાદિ અવ્રતાદિ કર્મ
આસ્રવનાં કારણ છે, સમ્યક્ત્વ વ્રત સંયમાદિ સંવરનાં કારણ છે, તપથી નિર્જરા થાય છે.
આ લોક નાનારૂપ મારા સ્વરૂપથી ભિન્ન છે, આ જગતમાં આત્મજ્ઞાન દુર્લભ છે અને
વસ્તુનો સ્વભાવ છે તે જ ધર્મ છે તથા જીવદયારૂપ ધર્મ હું મહાભાગ્યથી પામ્યો છું. ધન્ય
છે આ મુનિ, જેમના ઉપદેશથી મેં મોક્ષમાર્ગ પ્રાપ્ત કર્યો. હવે પુત્રોની શી ચિંતા? આમ
વિચારીને દશરથ મુનિ નિર્મોહ દશા પામ્યા. જે દેશોમાં પહેલાં હાથી ઉપર બેસીને ચામર
ઢોળાવતાં, છત્ર ધારણ કરીને ફરતા હતા અને મહારણસંગ્રામમાં ઉદ્ધત વેરીઓને જીત્યા
હતા તે દેશોમાં નિર્ગ્રંથ દશા ધારણ કરીને, બાવીસ પરિગ્રહ જીતતા, શાંત ભાવથી વિહાર
કરવા લાગ્યા. કૌશલ્યા તથા સુમિત્રા પતિવિરક્ત થવાથી અને પુત્રો વિદેશ જવાથી અત્યંત
શોક કરતી, નિરંતર આંસુ પાડતી. તેમનું દુઃખ જોઈને ભરત રાજ્યવૈભવને વિષ સમાન
માનતો હતો. કૈકેયી તેમને દુઃખી જોઈને, જેને કરુણા ઉપજી છે તે પુત્રને કહેતી કે હે પુત્ર!
તેં રાજ્ય મેળવ્યું, મોટા મોટા રાજા તારી સેવા કરે છે, પણ રામ-લક્ષ્મણ વિના આ રાજ્ય
શોભતું નથી. તે બન્ને ભાઈ અત્યંત વિનયશીલ છે. તેમના વિના રાજ્ય શું અને સુખ
શું? દેશની શોભા શી અને તારી ધર્મજ્ઞતા શી? તે બન્ને કુમાર અને રાજપુત્રી સીતા સદા
સુખના ભોક્તા, પાષાણાદિથી ભરપૂર માર્ગમાં વાહન વિના કેવી રીતે જશે? અને