કોઈને નમસ્કાર નહિ કરું. પ્રીતિવર્ધન નામના મુનિની પાસે વજ્રકર્ણે અણુવ્રત લીધાં અને
ઉપવાસ કર્યા. મુનિએ એને વિસ્તારથી ધર્મનું વ્યાખ્યાન કહ્યું કે જેની શ્રદ્ધાથી ભવ્ય જીવો
સંસારપાશથી છૂટે. એક શ્રાવકનો ધર્મ છે, એક યતિનો ધર્મ છે. એમાં શ્રાવકનો ધર્મ
ગૃહાવલંબન સંયુક્ત અને યતિનો ધર્મ નિરાલંબ નિરપેક્ષ છે. બન્ને ધર્મનું મૂળ
સમ્યક્ત્વની નિર્મળતા છે. તપ અને જ્ઞાનથી યુક્ત અત્યંત શ્રેષ્ઠ જે પ્રથમાનુયોગ,
કરણાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગમાં જિનશાસન પ્રસિદ્ધ છે. તેને યતિનો ધર્મ
અતિકઠિન લાગ્યો અને અણુવ્રતમાં બુદ્ધિ સ્થિર કરી, તથા મહાવ્રતનો મહિમા હૃદયમાં
રાખ્યો. જેમ દરિદ્રીના હાથમાં નિધિ આવે અને તે હર્ષ પામે તેમ ધર્મધ્યાન ધરતો તે
આનંદ પામ્યો. અત્યંત ક્રૂર ધર્મ કરનાર તે એકસાથે જ શાંત દશા પામ્યો હતો તે વાતથી
મુનિ પણ પ્રસન્ન થયા. રાજાએ તે દિવસે તો ઉપવાસ કર્યો, બીજે દિવસે પારણું કરી
દિગંબર મુનિનાં ચરણારવિંદમાં પ્રણામ કરી પોતાના સ્થાનકે ગયો. ગુરુનાં ચરણારવિંદને
હૃદયમાં ધારતો તે નિઃસંદેહ થયો. તેણે અણુવ્રતનું આરાધન કર્યું. મનમાં એ વિચાર
આવ્યો કે ઉજ્જયિનીના રાજા સિંહોદરનો હું સેવક છું તેનો વિનય કર્યા વિના હું રાજ્ય
કેવી રીતે કરી શકીશ? પછી વિચાર કરી એક વીંટી બનાવી. તેમાં મુનિસુવ્રતનાથની
પ્રતિમા જડાવી, જમણા હાથમાં પહેરી, જ્યારે તે સિંહોદરની પાસે જતો ત્યારે મુદ્રિકામાં
રહેલી પ્રતિમાને વારંવાર નમસ્કાર કરતો. તેનો કોઈ વેરી હતો તેણે આ નબળાઈની વાત
સિંહોદરને કરી કે એ તમને નમસ્કાર નથી કરતો, પણ જિનપ્રતિમાને કરે છે. પાપી
સિંહોદર ક્રોધે ભરાયો અને કપટ કરી વજ્રકર્ણને દશાંગનગરથી બોલાવ્યો, અને સંપત્તિથી
ઉન્મત્ત થયેલો તેને મારવાને તૈયાર થયો. વજ્રકર્ણ સરળ ચિત્તવાળો હતો તે ઘોડા પર
બેસી ઉજ્જયિની જવા તૈયાર થયો, તે વખતે એક પુષ્ટ યુવાન, જેના હાથમાં દંડ હતો તે
આવીને તેને કહેવા લાગ્યો કે હે રાજા! જો તું શરીર ને રાજ્યભોગ ગુમાવવા ઇચ્છતો હો
તો ઉજ્જયિની જા. સિંહોદર ખૂબ ગુસ્સે થયો છે, તું નમસ્કાર નથી કરતો તેથી તને
મારવા ઇચ્છે છે, તને જે સારું લાગે તે કર. આ વાત સાંભળી વજ્રકર્ણે વિચાર્યું કે કોઈ
શત્રુ મારા અને રાજા વચ્ચે ભેદ પડાવવા ઇચ્છે છે તેણે મંત્રણા કરીને આ માણસને
મોકલ્યો લાગે છે, માટે ખૂબ વિચાર કરીને આનું રહસ્ય મેળવવું. પછી તે એકાંતમાં તેને
પૂછવા લાગ્યો કે તું કોણ છે, તારું નામ શું છે અને તું ક્યાંથી આવ્યો છે, આ છૂપી
વાતની તને કેમ ખબર પડી? તે કહેવા લાગ્યો કે કુંદનનગરમાં એક સમુદ્રસંગમ નામના
ધનવાન શેઠ છે. તેમની સ્ત્રી યમુનાના પેટે વર્ષાકાળમાં વીજળીના ચમકારાના સમયે મારો
જન્મ થયો હતો તેથી મારું નામ વિદ્યુદંગ પાડવામાં આવ્યું છે. અનુક્રમે હું યુવાન થયો.
વ્યાપાર અર્થે ઉજ્જયિની ગયો હતો ત્યાં કામલતા વેશ્યાને જોઈ અનુરાગથી વ્યાકુળ થયો.
એક રાત તેની સાથે સમાગમ કર્યો, તેણે પ્રીતિના બંધનથી બાંધી લીધો, જેમ પારધી
મૃગને બાંધી લે તેમ. મારા પિતાએ ઘણાં વર્ષો પછી જે ધન ઉપાર્જ્યું હતું તે કુપુત એવા
મેં વેશ્યાના સંગમાં છ મહિનામાં બધું ખોઈ નાખ્યું.