જેમ કમળમાં ભ્રમર આસક્ત થાય તેમ તેમાં હું આસક્ત થયો હતો. એક દિવસ તે
નગરનાયિકા પોતાની સખી પાસે પોતાનાં કુંડળની નિંદા કરતી હતી તે મેં સાંભળી. મેં
તેને પૂછયું ત્યારે તેણે કહ્યું કે સૌભાગ્યવતી રાણી શ્રીધરાને ધન્ય છે, તેના કાનમાં જેવાં
કુંડળ છે તેવા કોઈની પાસે નથી. ત્યારે મેં વિચાર્યું કે જો હું રાણીનાં કુંડળ લાવીને આની
આશા પૂર્ણ ન કરું તો મારા જીવવાથી શું લાભ? પછી હું કુંડળ લઈ આવવા માટે અંધારી
રાત્રે રાજમહેલમાં ગયો. ત્યાં રાજા સિંહોદર ગુસ્સે થયો હતો અને રાણી શ્રીધરા પાસે
બેઠી હતી. રાણીએ તેને પૂછયું કે હે દેવ! આજે ઊંઘ કેમ નથી આવતી? રાજાએ જવાબ
આપ્યો કે હે રાણી! મેં વજ્રકર્ણને નાનપણથી મોટો કર્યો અને તે મને મસ્તક નમાવતો
નથી એટલે જ્યાં સુધી હું એને નહિ મારું ત્યાં સુધી આકુળતાના કારણે ઊંઘ ક્યાંથી
આવે? આટલા મનુષ્યોથી નિંદ્રા દૂર રહે છે. અપમાનથી દગ્ધ, જેના કુટુંબી નિર્ધન હોય,
શત્રુએ હુમલો કર્યો હોય અને પોતે જીતવા શક્તિમાન ન હોય, જેના ચિત્તમાં શલ્ય હોય,
કાયર હોય, સંસારથી જે વિરક્ત હોય, એ બધાથી નિદ્રા દૂર જ રહે છે. આ વાત રાજા
રાણીને કહી રહ્યો છે. આ વાત સાંભળીને મને એવું થઈ ગયું કે કોઈએ મારા હૃદયમાં
વજ્રનો પ્રહાર કર્યો હોય. તેથી કુંડળ ચોરવાનો વિચાર છોડીને, આ રહસ્ય લઈને તમારી
પાસે આવ્યો. માટે હવે તમે ત્યાં ન જાવ. તમે જિનધર્મમાં ઉદ્યમવાન છો અને સાધુની
નિરંતર સેવા કરો છો. અંજનગિરિ પર્વત જેવા મદઝરતા હાથી પર ચડી બખ્તર પહેરેલા
યોદ્ધા અને તેજસ્વી ઘોડેસ્વાર તથા પગે ચાલતા ક્રૂર સામંતો તમને મારવા માટે રાજાની
આજ્ઞાથી માર્ગ રોકીને ઊભા છે માટે તમે કૃપા કરીને અત્યારે ત્યાં ન જાવ, હું તમારા
પગે પડું છું. મારું વચન માનો અને તમારા મનમાં પ્રતીતિ ન આવતી હોય તો જુઓ
પેલી ફોજ આવી. ધૂળના ગોટા ઊડે છે, ઘોર અવાજ થાય છે. વિદ્યુદંગનાં આ વચન
સાંભળીને વજ્રકર્ણ દુશ્મનોને આવતા જોઈને તેને પરમ મિત્ર જાણી, સાથે લઈ પોતાના
કિલ્લામાં ભરાઈ ગયો. તે ગઢને અજિત જાણીને સૈન્યના માણસોએ એને મારવાના
હેતુથી તત્કાળ ગઢ લેવાની ઇચ્છા ન કરી, પણ ગઢની સમીપમાં પડાવ નાખીને વજ્રકર્ણની
સમીપે દૂત મોકલ્યો. તેણે અત્યંત કઠોર વચન કહ્યાં. તું જિનશાસનના ગર્વથી મારા
ઐશ્વર્યનો કંટક થયો. ભટકતા યતિએ તને બહેકાવ્યો છે, તું ન્યાયરહિત થયો છે. મારું
આપેલું રાજ્ય ભોગવે છે અને મસ્તક અરહંતને નમાવે છે, તું માયાચારી છો માટે શીઘ્ર
મારી સમીપે આવી મને પ્રણામ કર, નહિતર માર્યો જઈશ. આવી વાત દૂતે વજ્રકર્ણને
કહી ત્યારે વજ્રકર્ણે જે જવાબ આપ્યો તે દૂતે જઈને સિંહોદરને કહ્યો કે હે નાથ!
વજ્રકર્ણની એવી વિનંતી છે કે દેશ, નગર, ભંડાર, હાથી, ઘોડા બધું તમારું છે તે લઈ
લ્યો, મને સ્ત્રી સહિત સહીસલામત જવા દો. મારો તમારા તરફ અવિનય નથી, પણ મેં
એવી પ્રતિજ્ઞા કરી છે કે જિનેન્દ્ર, મુનિ અને જિનવાણી સિવાય બીજાને નમસ્કાર નહિ
કરું, તો મારા પ્રાણ જાય તો પણ હું પ્રતિજ્ઞાભંગ કરીશ નહિ. તમે મારા દ્રવ્યના સ્વામી
છો, આત્માના સ્વામી નથી. આ વાત સાંભળીને સિંહોદર ખૂબ ગુસ્સે થયો, નગરને ચારે
તરફથી ઘેરી લીધું.