તેમની આજ્ઞા લઈને પછી તમારી પાસે આવીશ ને બધી વાત કરીશ. આ વાત સાંભળીને
રાજકુમારે કહ્યું કે અહીં રસોઈ તૈયાર જ છે તો અહીંથી જ તમે અને તે ભોજન કરો.
પછી લક્ષ્મણની આજ્ઞા લઈને સુંદર ભાત, દાળ, જાતજાતનાં શાક, તાજું ઘી, કર્પૂરાદી
સુગંધી દ્રવ્યો સહિત દહીં, દૂધ, જાતજાતનાં પીણાં, મિશ્રીના સ્વાદવાળા લાડુ, પુરી, સાંકળી
ઇત્યાદિ નાના પ્રકારની ભોજનની સામગ્રી અને વસ્ત્ર, આભૂષણ, માળા ઇત્યાદિ તૈયાર
કર્યું. પછી પોતાની પાસે જે દ્વારપાળ હતો તેને મોકલ્યો એટલે તે સીતા સહિત રામને
પ્રમાણ કરીને કહેવા લાગ્યો હે દેવ! આ વસ્ત્રભવનમાં આપના ભાઈ બેઠા છે અને આ
નગરના રાજાએ બહુ જ આદરથી આપને વિનંતી કરી છે કે ત્યાં શીતળ છાંયો છે અને
સ્થાન મનોહર છે તો આપ કૃપા કરીને પધારો, જેથી માર્ગનો ખેદ મટે. પછી પોતે સીતા
સહિત પધાર્યા, જાણે ચાંદની સહિત ચંદ્રે પ્રકાશ કર્યો. મસ્ત હાથી સમાન ચાલથી તેમને
દૂરથી આવતા જોઈને નગરના રાજા અને લક્ષ્મણ ઊઠીને સામે આવ્યા. સીતા સહિત રામ
સિંહાસન પર બિરાજ્યા. રાજાએ આરતી ઉતારીને અર્ધ્ય આપ્યો, અત્યંત સન્માન કર્યું.
પોતે પ્રસન્ન થઈ, સ્નાન કરીને ભોજન કર્યું, સુગંધી પદાર્થનો લેપ કર્યો. પછી રાજાએ
બધાને વિદાય કર્યા. હવે ત્યાં એક રાજા અને આ ત્રણ એમ ચાર જણ જ રહ્યાં. બધાને
કહ્યું કે મારા પિતા પાસેથી આમની સાથે સમાચાર આવ્યા છે, ખાનગી છે માટે કોઈને
અંદર આવવાનું નથી, કોઈ આવશે તો તેને હું મારી નાખીશ. દ્વાર પર મોટા મોટા
સામંતોને ઊભા રાખ્યા. એકાંતમાં તેણે લજ્જા છોડીને રાજાનો વેશ છોડી પોતાનું સ્ત્રી
સ્વરૂપ પ્રગટ કર્યું. કન્યા લજ્જિત મુખવાળી, જાણે સ્વર્ગની દેવાંગના અથવા નાગકુમારી
હોય તેવી હતી. કાંતિથી આખો ખંડ પ્રકાશરૂપ થઈ ગયો, જાણે કે ચંદ્ર ઊગ્યો. તેનું મુખ
લજ્જા અને મંદ હાસ્યથી મંડિત છે, જાણે કે રાજકન્યા સાક્ષાત્ લક્ષ્મી જ છે અને
કમળવનમાં આવીને બેઠી છે, પોતાની લાવણ્યતાના સાગરમાં તેણે જાણે કે તંબૂને ડુબાડી
દીધો. તેના પ્રકાશ આગળ રત્ન અને કંચન દ્યુતિરહિત ભાસતાં હતાં. તેનાં સ્તનયુગલથી
કાંતિરૂપ જળના તરંગ સમાન ત્રિવલી શોભતી હતી અને જેમ મેઘપટલને ભેદી ચંદ્ર
નીકળી આવે તેમ વસ્ત્રને ભેદી શરીરનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. અત્યંત ચીકણા,
સુગંધી, પાતળા, લાંબા વાળથી શોભતું તેજસ્વી મુખ કાળી ઘટામાં વીજળી સમાન ચમકતું
હતું, અત્યંત સૂક્ષ્મ, સ્નિગ્ધ રોમાવલિથી શોભતી નીલમણિમંડિત સુવર્ણની મૂર્તિ જ લાગતી
હતી. તત્કાળ નરરૂપ છોડી નારીનું મનોહર રૂપ ધરનારી તે સીતાના પગ પાસે જઈને
બેઠી જાણે લક્ષ્મી રતિની નિકટ જઈને બેઠી. એનું રૂપ જોઈને લક્ષ્મણ કામથી વીંધાઈ
ગયા, તેની જુદી જ અવસ્થા થઈ ગઈ, નેત્ર ચલાયમાન થયાં. શ્રી રામચંદ્રે કન્યાને પૂછયું
કે તું કોની પુત્રી છો અને પુરુષનો વેશ શા માટે લીધો છે? ત્યારે તે મધુરભાષી કન્યા
પોતાનું અંગ વસ્ત્રથી ઢાંકતી કહેવા લાગી કે હે દેવ! મારો વૃત્તાંત સાંભળો. આ નગરના
રાજા વાલિખિલ્ય બુદ્ધિમાન, સદાચારી, શ્રાવકનાં વ્રતધારી, અત્યંત દયાળું અને
જિનધર્મીઓ પર વાત્સલ્ય રાખનાર હતા.