કહેવા લાગ્યા. તે બધા મ્લેચ્છો અત્યંત ગુસ્સે થઈને ધનુષબાણ લઈને અત્યંત ક્રૂર મોટી
સેના સાથે આવ્યા. શસ્ત્રો સાથે તે કાકોનદ જાતિના મ્લેચ્છો પૃથ્વી પર પ્રસિદ્ધ, માંસભક્ષી,
રાજાઓથી પણ દુર્જય, કાળી ઘટા સમાન ઊભરાઈ આવ્યા. ત્યારે લક્ષ્મણે ધનુષ્યનો ટંકાર
કર્યો, બધા મ્લેચ્છો ડરી ગયા, વનમાં દશે દિશામાં આંધીની જેમ વિખરાઈ ગયા અને
અત્યંત ભયભીત મ્લેચ્છોનો અધિપતિ રથમાંથી ઊતરી, હાથ જોડી પ્રણામ કરી પગે પડયો
અને પોતાનો બધો વૃત્તાંત બન્ને ભાઈઓને કહેવા લાગ્યો. હે પ્રભો! કૌશાંબી નામની
એક નગરી છે. ત્યાં એક વિશ્વાનલ નામનો અગ્નિહોત્રી બ્રાહ્મણ રહેતો હતો. તેને
પ્રતિસંધ્યા નામની સ્ત્રી હતી. હું તેનો રૌદ્રભૂત નામનો પુત્ર છું. હું જુગારમાં પ્રવીણ અને
બાલ્યાવસ્થાથી જ ક્રૂર કર્મ કરતો. એક દિવસ ચોરી કરતાં પકડાઈ ગયો અને મને શૂળીએ
ચડાવવા તૈયારી થતી હતી ત્યારે એક દયાળુ પુરુષે મને છોડાવ્યો અને ધ્રૂજતો ધ્રૂજતો હું
દેશ છોડીને અહીં આવ્યો અહીં કર્માનુયોગથી કાકોનદ જાતિના મ્લેચ્છોનો અધિપતિ થયો.
હું મહાભ્રષ્ટ, પશુ સમાન, વ્રતક્રિયાથી રહિત રહું છું. અત્યાર સુધીમાં મોટી મોટી સેનાના
નાયકો, મોટા રાજાઓ પણ મારી સામે યુદ્ધ કરવાને સમર્થ ન હતા, પરંતુ હું આપના
દર્શનમાત્રથી જ વશીભૂત થયો છું. ધન્ય ભાગ્ય મારાં કે મેં આપ જેવા પુરુષોત્તમને જોયા.
હવે મને જે આજ્ઞા કરશો તેમ કરીશ. હું આપનો નોકર છું, આપનાં ચરણારવિંદની ચાકરી
શિર પર ધરું છું. આ વિંધ્યાચળ પર્વત અને સ્થાન ભંડારોથી ભરેલાં છે, ઘણા ધનથી
પૂર્ણ છે. આપ અહીં રાજ્ય કરો, હું તમારો દાસ છું, એમ કહીને મ્લેચ્છ મૂર્ચ્છા ખાઈને
પગમાં પડયો, જેમ વૃક્ષ નિર્મૂળ થઈને પડે તેમ. તેને વિહ્વળ જોઈને શ્રી રામચંદ્ર દયાથી
પૂર્ણ કલ્પવૃક્ષ સમાન કહેવા લાગ્યાઃ ઊઠ, ઊભો થા, ડર નહિ, વાલિખિલ્યને મુક્ત કર.
તત્કાળ એને હાજર કર અને તેનો આજ્ઞાકારી મંત્રી થઈને રહે. મ્લેચ્છોની ક્રિયા છોડ,
પાપકાર્યથી નિવૃત્ત થા, દેશની રક્ષા કર; આમ કરવામાં તારી કુશળતા છે. ત્યારે એણે કહ્યું
કે હે પ્રભો! એમ જ કરીશ. આમ વિનતિ કરીને તે ગયો અને મહારથના પુત્ર
વાલિખિલ્યને છોડયો. બહુ જ વિનયથી તૈલાદિ મર્દન કરી, સ્નાન-ભોજન કરાવી,
આભૂષણ પહેરાવી, રથમાં બેસાડી શ્રી રામચંદ્ર સમીપે લઈ જવા તૈયાર કર્યો. ત્યારે
વાલિખિલ્ય ખૂબ નવાઈ પામ્યો અને વિચારવા લાગ્યો કે ક્યાં આ મ્લેચ્છ, કુકર્મી, અત્યંત
નિર્દયી મહાશત્રુ અને ક્યાં અત્યારનો એનો વિનય! એમ લાગે છે કે આજે મને એ
કોઈને ભેટ કરી દેશે, હવે મારું જીવન રહેશે નહિ. આમ વિચારીને વાલિખિલ્ય ચિંતાથી
ચાલ્યો. સામે રામ-લક્ષ્મણને જોઈને અત્યંત હર્ષ પામ્યો. રથમાંથી ઊતરીને નમસ્કાર કર્યા
અને કહેવા લાગ્યો કે હે નાથ! મારા પુણ્યના યોગથી આપ પધાર્યા અને મને બંધનમાંથી
છોડાવ્યો. આપ ઇન્દ્રતુલ્ય મુનુષ્ય છો, પુરુષોત્તમ પુરુષ છો. રામે તેને આજ્ઞા કરી કે તું
તારા સ્થાને જા, કુટુંબને મળ. પછી વાલિખિલ્ય રામને પ્રણામ કરી, રૌદ્રભૂત સાથે પોતાના
નગરમાં ગયો. શ્રી રામ વાલિખિલ્યને છોડાવી રૌદ્રભૂતને દાસ બનાવી ત્યાંથી આગળ
ચાલ્યા. વાલિખિલ્યને આવેલો