સાંભળીને કલ્યાણમાલા મહાન વિભૂતિ સાથે સામે આવી અને નગરમાં મોટો ઉત્સવ
થયો. રાજા રાજકુમારને હૃદયે ચાંપી પોતાના વાહનમાં બેસાડી નગરમાં પ્રવેશ્યા. રાણી
પૃથિવીને હર્ષથી રોમાંચ ખડાં થઈ ગયાં. પતિના આવવાથી પહેલાં જેવું શરીર હતું તેવું
સુંદર થઈ ગયું. સિંહોદર વગેરે વાલિખિલ્યના હિતચિંતકો બધા રાજી થયા. કલ્યાણમાલા
પુત્રીએ આટલા દિવસ પુરુષનો વેશ પહેરીને રાજ્ય ટકાવી રાખ્યું હતું તે વાતથી બધાને
આશ્ચર્ય થયું. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે નરાધિપ! પરદ્રવ્યનો હરનાર,
દેશનો કંટક એવો રૌદ્રભૂત શ્રી રામના પ્રતાપે વાલિખિલ્યનો આજ્ઞાકારી સેવક થયો. જ્યારે
રૌદ્રભૂત વશ થયો અને મ્લેચ્છોની વિષમ ભૂમિમાં વાલિખિલ્યની આજ્ઞા પ્રવર્તી ત્યારે
સિંહોદર પણ ભય પામવા લાગ્યો અને અતિસ્નેહથી સન્માન કરવા લાગ્યો. વાલિખિલ્ય
રઘુપતિના પ્રસાદથી પરમ વિભૂતિ પામીને શરદ ઋતુમાં સૂર્ય પ્રકાશે તેમ પૃથ્વી પર પ્રકાશ
ફેલાવવા લાગ્યો. પોતાની રાણી સહિત દેવોની જેમ સુખ ભોગવવા લાગ્યો.
ચોત્રીસમું પર્વ પૂર્ણ થયું.
જાતજાતનાં પક્ષીઓના અવાજો આવતા હતા. તે નિર્જન વનમાં સીતાને તરસ લાગી. તેણે
પતિને કહ્યું કે હે નાથ! તરસથી મારો કંઠ શોષાય છે. જેમ અનંતભવના ભ્રમણથી
ખેદખિન્ન થયેલો ભવ્ય જીવ સમ્યગ્દર્શનની ઇચ્છા કરે તેમ તરસથી વ્યાકુળ હું શીતળ જળ
વાંછું છું. આમ કહી તે એક વૃક્ષ નીચે બેસી ગયાં. ત્યારે રામે કહ્યું, હે દેવી! હે શુભે! તું
વિષાદ ન કર. પાસે જ એક ગામ છે ત્યાં સુંદર મકાનો છે. ઊઠ, આગળ ચાલ, એ
ગામમાં તને શીતળ જળ મળશે. પછી સીતા ઊઠીને ચાલવા લાગ્યાં. ધીમે ધીમે ચાલતાં
તેની સાથે બન્ને ભાઈ અરુણ નામના ગામમાં આવ્યા. ત્યાં ધનવાન ખેડૂતો રહેતા હતા.
ત્યાં એક કપિલ નામના પ્રસિદ્ધ અગ્નિહોત્રી બ્રાહ્મણના ઘેર ઊતર્યા. તે અગ્નિહોત્રીની
શાળામાં થોડી વાર બેસી થાક ઉતાર્યો. કપિલની સ્ત્રી પાણી લાવી તે સીતાએ પીધું.
બ્રાહ્મણ વનમાંથી બિલી, ખીજડો વગેરે લાકડાનો ભારો બાંધીને લાવ્યો. દાવાનળ સમાન
પ્રજ્વલિત મનવાળો, મહાક્રોધી કાળકૂટ વિષ સમાન વચન બોલવા લાગ્યો. ઘૂવડ જેવું જેનું
મુખ હતું, હાથમાં કમંડળ, ચોટલીને ગાંઠ વાળેલી, લાંબી દાઢી, જનોઈ પહેરેલી એવો એ
ખેતરમાંથી અનાજ કાપી લીધા પછી ખેતરમાં પડી રહેલા દાણા વીણીને લાવતો અને