છે, ક્રૂર કર્મી છે, તે ભરતથી કેવી રીતે જિતાશે? માટે તેને જીતવાનો ઉપાય કરો.
તમારાથી અને લક્ષ્મણથી કોઈ કાર્ય અસાધ્ય નથી. ત્યારે લક્ષ્મણે કહ્યું કે હે દેવી! આ શું
કહો છો? આજે અથવા પ્રભાતે જ આ અતિવીર્યને મારા દ્વારા હણાયેલો જ જાણો. શ્રી
રામનાં ચરણારવિંદની રજથી પવિત્ર મારા શિર આગળ દેવ પણ ટકી શકે નહિ, ક્ષુદ્ર
મનુષ્ય એવા અતિવીર્યની તો શી મજાલ છે? આજનો સૂર્ય અસ્ત ન થાય ત્યાર પહેલાં
જ આ અતિવીર્યને મરેલો જ જુઓ. લક્ષ્મણના આવાં વચન સાંભળી પૃથ્વીધરનો પુત્ર
ગર્જના કરતો આમ કહેવા લાગ્યો ત્યારે શ્રી રામે ભવાં ફેરવીને તેને બોલવાની ના પાડી
અને લક્ષ્મણને કહ્યું કે હે ભાઈ! જાનકીએ કહ્યું તે યોગ્ય છે. આ અતિવીર્ય બળથી ઉદ્ધત
છે, લડાઈમાં ભરતથી વશ કરવાને પાત્ર નથી, ભરત આના દસમા ભાગે પણ નથી. આ
દાવાનળ સમાન છે, આને તે મતંગ ગજ શું કરે? આ હાથીઓથી પૂર્ણ, રથ, પાયદળથી
પૂર્ણ, આને જીતવા ભરત સમર્થ નથી. જેમ કેશરી સિંહ અત્યંત પ્રબળ હોય છે, પરંતુ તે
વિંધ્યાચળ પર્વતને તોડી પાડવા સમર્થ નથી, તેમ ભરત આને જીતી શકે નહિ, સેનાનો
પ્રલય થશે. જ્યાં નિષ્કારણ સંગ્રામ થાય ત્યાં બન્ને પક્ષના માણસોનો ક્ષય થાય છે. અને
જો આ દુષ્ટ અતિવીર્યે ભરતને વશ કરી લીધો તો રધુવંશના કષ્ટનું શું કહેવું? વળી
એમની વચ્ચે સંધિ પણ થાય તેમ લાગતું નથી. શત્રુઘ્ન અતિ માની બાળક છે. તેણે ઉદ્ધત
શત્રુ સાથે દ્વેષ કર્યો તે ન્યાયથી ઉચિત નથી. અંધારી રાતે રૌદ્રભૂત સહિત શત્રુઘ્ને દૂરના
સ્થાને જઈને અતિવીર્યના સૈન્ય પર હુમલો કર્યો, અનેક યોદ્ધાને માર્યા, ઘણા હાથી-ઘોડા
કામમાં આવી ગયા, પવન જેવા તેજસ્વી હજારો તુરંગ અને સાતસો અંજનગિરિ સમાન
હાથી લઈ ગયો. તેં શું આ વાત લોકોનાં મુખે નથી સાંભળી? આ સમાચાર સાંભળીને
અતિવીર્ય અત્યંત ગુસ્સે થયો છે. હવે તે ખૂબ સાવધાન છે, રણનો અભિલાષી છે. વળી
ભરત ખૂબ અભિમાની છે. તે આની સાથે યુદ્ધ કરવું છોડીને સંધિ નહિ કરે. માટે તું
અતિવીર્યને વશ કર. તારી શક્તિ સૂર્યનો પણ પરાજ્ય કરવાને સમર્થ છે, અને અહીંથી
ભરત પણ નજીક જ છે માટે આપણે આપણી જાતને પ્રગટ કરવી નથી. જે મિત્રને ખબર
પડયા વિના તેનો ઉપકાર કરે તે પુરુષ અદ્ભુત પ્રશંસા કરવા યોગ્ય છે, જેમ કે રાત્રિનો
મેઘ. આ પ્રમાણે મંત્રણા કરીને રામને અતિવીર્યને પકડવાનો ઉપાય સૂઝયો. રાત તો
પ્રમાદરહિત થઈ યોગ્ય લોકોની સાથે વાતો કરીને પૂરી કરી, સુખપૂર્વક રાત્રિ વીતી.
પ્રાતઃકાળે બેય વીર ઊઠીને પ્રાતઃક્રિયા કરીને એક જિનમંદિર ગયા. ત્યાં શ્રી જિનેન્દ્ર દેવનાં
દર્શન કર્યાં. ત્યાં અર્જિકાઓ બિરાજતાં હતાં તેમને વંદના કરી અને અનેક શાસ્ત્રોની
જાણકાર વરધર્મા નામની અર્જિકાઓની ગોરાણી સમીપે સીતાને રાખી. પોતે ભગવાનની
પૂજા કરી લક્ષ્મણ સહિત નૃત્યકારિણી સ્ત્રીનો વેશ લઈ આનંદ કરતા રાજમહેલ તરફ
ચાલ્યા. લોકો ઇન્દ્રની અપ્સરા જેવી નૃત્યકારિણીને જોઈ આશ્ચર્ય પામી સાથેસાથે ચાલવા
લાગ્યા. એ મૂલ્યવાન આભૂષણ પહેરી, સર્વ લોકોનાં મન અને નેત્રોને હરતા રાજદ્વારે
ગયા, ચોવીસ