તીર્થંકરોના ગુણ ગાયા, પુરાણોનું રહસ્ય બતાવ્યું, એમનો અવાજ સાંભળીને એમનાં
ગુણોથી આકર્ષાઈને રાજા સમીપમાં આવ્યો, જેમ દોરડાથી ખેંચાઈને જળમાંથી લાકડાનો
ભાર આવે તેમ નૃત્યકારિણીએ રાજાની સમીપે નૃત્ય કર્યું. તેમણે અંગમરોડ, મલકાટ,
અવલોકન, ભવાં સંકોચવા, મંદ મંદ હસવું, જાંઘ અને હાથ હલાવવા, ધરતીને અડીને
શીઘ્ર પગ ઊંચકવા, રાગને દ્રઢ કરવો ઇત્યાદિ ચેષ્ટારૂપ કામબાણોથી સકળ લોકોને વશ
કર્યાં. સ્વરના ગ્રામ યથાસ્થાને જોડીને તેમ જ વીણા વગાડીને બધાને મોહિત કર્યા. જ્યાં
નર્તકી ઊભી રહેતી ત્યાં આખી સભાની આંખો ઢળતી. રૂપથી બધાના નેત્ર, સ્વરથી
બધાના કાન, ગુણથી બધાનાં મન બાંધી લીધાં. ગૌતમ સ્વામી કહે છે કે હે શ્રેણિક! જ્યાં
શ્રી રામ-લક્ષ્મણ નૃત્ય કરતા, ગાતા, વગાડતા ત્યાં દેવોનાં મન પણ હરાઈ જતાં તો
મનુષ્યોની તો શી વાત છે? શ્રી ઋષભાદિ ચોવીસ તીર્થંકરોનો યશ ગઈને આખી સભાને
વશ કરી. રાજાને સંગીતથી મુગ્ધ થયેલો જોઈને શ્રૃંગારરસમાંથી વીરરસમાં આવ્યા, આંખ
ફેરવી, ભવાં ફરકાવી, અતિપ્રબળ તેજરૂપ થઈને અતિવીર્યને કહેવા લાગ્યાઃ હે અતિવીર્ય!
તેં આ કેવી દુષ્ટતા કરી છે, તને આવી સલાહ કોણે આપી? તેં તારા નાશ માટે ભરત
સાથે વિરોધ ઊભો કર્યો છે, ઈચ્છા થાય તો અત્યંત વિનયથી તેમને પ્રસન્ન કરી, તેમનો
દાસ થઈને તેમની પાસે જા. મોટા કુળમાં ઉત્પન્ન થયેલી તારી રાણી, જે કામક્રીડાની
ભૂમિ છે, તે વિધવા ન થાય તે વિચાર, તું મૃત્યુ પામીશ તો બધાં આભૂષણ ફેંકી તે
ચંદ્રમા વિના રાત્રિની જેમ શોભારહિત થશે. તારું ચિત્ત અશુભમાં આવ્યું છે તેને બદલી
નાખ અને નમસ્કાર કર. હે નીચ! આ પ્રમાણે નહિ કરે તો અત્યારે જ માર્યો જઈશ.
રાજા અનરણ્યનો પૌત્ર અને દશરથનો પુત્ર જીવિત હોય અને તું કેવી રીતે અયોધ્યાનું
રાજ્ય ચાહે છે? જ્યારે સૂર્યનો પ્રકાશ હોય ત્યારે ચંદ્રમાનો પ્રકાશ કેવી રીતે હોઈ શકે?
જેમ પતંગિયાં દીવા પર પડીને મરવા ઈચ્છે તેમ તું મરણ ચાહે છે. ગરુડ સમાન
બળવાન રાજા ભરત સાથે સર્પ સમાન નિર્બળ તું બરાબરી કરે છે? ભરતની પ્રશંસાનાં
અને પોતાની નિંદાનાં આ વચન નૃત્યકારિણીના મુખથી સાંભળીને આખી સભા સાથે
અતિવીર્ય ક્રોધે ભરાયો અને નેત્ર લાલ કર્યા. જેમ સમુદ્રની લહેરો ઊઠે તેમ સામંતો ઊભા
થયા અને રાજાએ ખડ્ગ હાથમાં લીધું. તે વખતે નૃત્યકારિણીએ ઊછળીને તેના હાથમાંથી
ખડ્ગ પડાવી લીધું અને તેના માથાના વાળ પકડીને બાંધી લીધો. વળી, નૃત્યકારિણી
અતિવીર્યના પક્ષના રાજાઓને કહેવા લાગી કે જીવવાની ઈચ્છા રાખતા હો તો
અતિવીર્યનો પક્ષ છોડી ભરત પાસે જાવ, ભરતની સેવા કરો. તરત જ લોકોના મોઢામાંથી
અવાજ નીકળ્યો, મહાશોભાયમાન, ગુણવાન ભરત મહારાજાનો જય હો, જેનું તેજ સૂર્ય
સમાન છે, ન્યાયરૂપ કિરણોના મંડળથી શોભે છે, દશરથના વંશરૂપ આકાશમાં ચંદ્રમા
સમાન, લોકને આનંદ આપનાર, જેના ઉદયથી લક્ષ્મીરૂપી કુમુદો વિકાસ પામે છે, શત્રુના
આતાપ મટાડે છે એવો પરમ આશ્ચર્યકારી ધ્વનિ ફેલાયો. અહો, આ મહાન આશ્ચર્ય! જે
નૃત્યકારિણીની આટલી શક્તિ કે આવા નૃપતિને પકડી લે તો ભરતની શક્તિનું તો શું કહેવું?