અતિવીર્યના મિત્ર રાજાને કહેવા લાગ્યા. શ્રી રામ અતિવીર્યને પકડી, હાથી પર ચઢી,
જિનમંદિર ગયા. પછી હાથી ઉપરથી ઉતરીને મંદિરમાં જઈ ભગવાનની પૂજા કરી અને
વરધર્મા આર્યિકાની વંદના કરી, સ્તુતિ કરી. રામે અતિવીર્યને લક્ષ્મણને સોંપ્યા, લક્ષ્મણે
વાળ પકડીને મજબૂત બાંધ્યો. ત્યારે સીતાએ કહ્યું કે બંધન ઢીલું કરો, પીડા ન ઉપજાવો,
શાંતિ રાખો. કર્મના ઉદયથી મનુષ્ય મતિહીન થઈ જાય છે, આપત્તિ મનુષ્યોને જ આવે
છે, મોટા પુરુષોએ બધાની સર્વથા રક્ષા જ કરવી, સત્પુરુષોએ સામાન્ય પુરુષનો પણ
અનાદર ન કરવો. આ તો હજારો રાજાઓનો શિરોમણિ છે માટે એને છોડી દો. તમે એને
વશ કર્યો, હવે એના પર કૃપા જ કરવી યોગ્ય છે. રાજાનો એ જ ધર્મ છે કે પ્રબળ શત્રુને
પકડીને છોડી દે. આ અનાદિકાળની મર્યાદા છે. જ્યારે સીતાએ આમ કહ્યું ત્યારે લક્ષ્મણ
હાથ જોડી, પ્રણામ કરી કહેવા લાગ્યા કે હે દેવી! તમારી આજ્ઞા હોય તો છોડવાની જ શી
વાત છે, દેવ પણ એની સેવા કરે એમ કરું. લક્ષ્મણનો ક્રોધ શાંત થયો. ત્યારે અતિવીર્ય
પ્રતિબોધ પામીને શ્રી રામને કહેવા લાગ્યા, હે દેવ! તમે ઘણું સારું કર્યું. મારી આવી
નિર્મળ બુદ્ધિ અત્યાર સુધીમાં ક્યારેય નહોતી થઈ, જે તમારા પ્રતાપે થઈ. રામે તેને
હારમુકુટાદિરહિત જોઈ આશ્વાસનનાં વચન કહ્યાં, હે મિત્ર! દીનતા છોડી દે. પહેલાં
તારામાં જેવું ધૈર્ય હતું તેવું જ ધારણ કર. મહાન પુરુષોને જ સંપત્તિ અને આપત્તિ બન્ને
આવે છે. હવે તને કોઈ આપત્તિ નથી. તારા કુળમાં ચાલ્યું આવતું આ નંદ્યાવર્તપુરનું
રાજ્ય ભરતનો આજ્ઞાકારી થઈને તું કર. ત્યારે અતિવીર્યે કહ્યું કે મને હવે રાજ્યની વાંછા
નથી, હું રાજ્યનું ફળ મેળવી ચૂક્યો છું, હવે હું બીજી જ અવસ્થા ધારણ કરીશ.
સમુદ્રપર્યંતની પૃથ્વીને વશ કરનાર હું મહામાની કેવી રીતે બીજાનો સેવક થઈને રાજ્ય
કરું? એમાં પુરુષાર્થ ક્યાં રહ્યો? અને આ રાજ્ય કેવો પદાર્થ છે? જે પુરુષોએ છ ખંડનું
રાજ્ય કર્યું અને તો પણ તેઓ તૃપ્ત ન થયા તો હું પાંચ ગામનો ધણી, અલ્પ વિભૂતિથી
કેવી રીતે તૃપ્ત થઈશ? જન્માંતરમાં કરેલા કર્મનો પ્રભાવ જુઓ કે જેમ રાહુ ચંદ્રને
કાંતિરહિત કરે તેમ તેણે મને કાંતિરહિત કર્યો. આ દેવોથીય અધિક સારભૂત મનુષ્યદેહ મેં
વૃથા ગુમાવ્યો, હવે નવો જન્મ લેવાને કાયર મને તમે પ્રતિબોધ્યો, હવે હું એવો પ્રયત્ન
કરીશ કે જેથી મુક્તિ મળે. આ પ્રમાણે કહીને શ્રી રામ-લક્ષ્મણને ખમાવીને કેસરી સિંહ
જેવું જેનું પરાક્રમ છે તે રાજા અતિવીર્ય શ્રુતધર નામના મુનિશ્વરની સમીપે જઈ હાથ
જોડી નમસ્કાર કરી કહેવા લાગ્યો હે નાથ! હું દિગંબરી દીક્ષા વાંછું છું. આચાર્યે કહ્યું કે એ
જ વાત યોગ્ય છે, આ દીક્ષાથી અનંતા જીવ સિદ્ધ થયા અને થશે. પછી અતિવીર્ય વસ્ત્ર
છોડી, કેશલોચ કરી મહાવ્રતનો ધારક થયો. આત્માના અર્થમાં મગ્ન, રાગાદિ પરિગ્રહનો
ત્યાગી, વિધિપૂર્વક તપ કરતો, પૃથ્વી પર વિહાર કરવા લાગ્યો. જ્યાં મનુષ્યોનો સંચાર ન
હોય ત્યાં રહેતો. સિંહાદિક ક્રૂર જીવોથી યુક્ત ગહન વન અથવા ગિરિશિખર, ગુફાદિમાં
નિર્ભયપણે નિવાસ કરતો, આવા અતિવીર્ય સ્વામીને નમસ્કાર હો. જેણે સમસ્ત
પરિગ્રહોની આશા ત્યાગી છે, જેણે