રહિત છે, તેમની ઇન્દ્રિયો શાંત થઈ ગઈ છે, શિલા પર બિરાજમાન છે નિર્ભય, એકાંકી,
મહાતપસ્વી, ધ્યાની, મુનિપદની શોભા સંયુક્ત અતિવીર્ય મુનિન્દ્રને જોઈને ભરત આશ્ચર્ય
પામ્યા. તેમની આંખો ખીલી ઊઠી, તેમને રોમાંચ થઈ ગયા. તે હાથ જોડી, નમસ્કાર કરી,
સાધુની પૂજાથી અત્યંત નમ્રીભૂત થઈ, મુનિભક્તિમાં જેને પ્રેમ છે તે સ્તુતિ કરવા લાગ્યાઃ
હે નાથ! પરમતત્ત્વના વેત્તા તમે જ આ જગતમાં શૂરવીર છો કે જેમણે મહાદુર્દ્ધર આ
જૈનેન્દ્રી દીક્ષા અંગીકાર કરી છે. જે મહાન પુરુષો વિશુદ્ધ કુળમાં ઉત્પન્ન થયા છે તેમનો એ
જ પ્રયત્ન હોય છે, આ મનુષ્યપણું પામીને જે ફળ મોટા પુરુષો વાંછે છે તે આપે પ્રાપ્ત કર્યું
છે. અમે આ જગતની માયાથી અત્યંત દુઃખી છીએ. હે પ્રભો! અમારો અપરાધ ક્ષમા કરો,
આપ કૃતાર્થ છો, પૂજ્ય પદ પામ્યા છો, આપને વારંવાર નમસ્કાર કરું છું. આમ કહીને ત્રણ
પ્રદક્ષિણા ફરી, હાથ જોડી નમસ્કાર કરી મુનિ સંબંધી કથા કરતા થકા પર્વત ઉપરથી ઊતરી
અશ્વ પર બેસી હજારો સુભટો સાથે અયોધ્યા આવ્યા. તેમણે સમસ્ત રાજાઓની પાસે
સભામાં કહ્યું કે સમસ્ત લોકોને મોહિત કરનારી પોતાના જીવિત વિષે પણ નિર્લોભ, પ્રબળ
રાજાઓને જીતનારી પેલી નૃત્યકારિણી ક્યાં ગઈ? આશ્ચર્યની વાત તો જુઓ! અતિવીર્યની
પાસે તેણે મારી સ્તુતિ કરી અને તેને જ પકડયો. સ્ત્રીઓમાં આવી શક્તિ ક્યાંથી હોય?
લાગે છે કે જિનશાસનની દેવીએ જ આ કામ કર્યું છે. આમ વિચાર કરતો પ્રસન્ન થયો.
શત્રુઘ્ન નાના પ્રકારનાં ધાન્યથી મંડિત ધરતીને જોવા ગયો. પછી પરમ પ્રતાપ ધરતો તે
અયોધ્યા આવ્યો. રાજા ભરત અતિવીર્યની પુત્રી વિજયસુંદરી સાથે સુખ ભોગવતો જેમ
સુલોચના સહિત મેઘેશ્વર સુખ ભોગવતો. તેમ-સમય નિર્ગમન કરવા લાગ્યો. આ કથા
અહીં પૂરી થઈ. હવે શ્રી રામ-લક્ષ્મણનું વર્ણન કરે છે. સર્વ જનોને આનંદનું કારણ એવા
રામ-લક્ષ્મણ કેટલાક દિવસ પૃથ્વીધરના પુરમાં રહ્યા. પછી જાનકી સાથે મંત્રણા કરીને
આગળ જવાને તૈયાર થયા. ત્યારે સુંદર લક્ષણોવાળી વનમાલા સજળ નયને કહેવા લાગી,
હેનાથ! મંદભાગી મને આપ ત્યજીને જાવ છો તો પહેલાં મરણમાંથી શા માટે બચાવી?
લક્ષ્મણે જવાબ આપ્યોઃ હે પ્રિયે! તું વિષાદ ન કર, થોડા દિવસોમાં તને લેવા આવીશ. હે
સુંદર વદની! જો તને લેવા શીઘ્ર ન આવું તો સમ્યગ્દર્શન રહિત મિથ્યાદ્રષ્ટિની જે ગતિ
થાય તે ગતિ મારી થાય. હે વલ્લભે! જો શીઘ્ર તારી પાસે ન આવું તો જે ગતિ
મહાઅભિમાનથી દગ્ધને સાધુની નિંદા કરવાથી થાય તે ગતિ મારી થજો. હે ગજગામિની!
અમે પિતાનું વચન પાળવા માટે દક્ષિણ સમુદ્રને તીર નિઃસંદેહ જઈએ છીએ. મલયાચળની
નજીક કોઈ સારું સ્થાન મળતાં તને લેવા આવીશું. હે શુભમતે! તું ધીરજ રાખ. આ
પ્રમાણે કહીને, અનેક સોગંદ આપી, દિલાસો આપી સુમિત્રાનંદન લક્ષ્મણ શ્રી રામ સાથે
જવા તૈયાર થયા. લોકોને સૂતેલા જોઈ રાત્રે સીતા સહિત છાનામાના નીકળી ગયા.
સવારમાં તેમને ન જોતાં નગરના લોકો ખૂબ દુઃખી થયા. રાજાને ખૂબ શોક થયો,
વનમાલાને લક્ષ્મણ વિના ઘર સૂનું લાગવા માંડયું. પોતાનું ચિત્ત જિનશાસનમાં