ચોંટાડીને ધર્માનુરાગરૂપ રહેવા લાગી. રામ-લક્ષ્મણ પૃથ્વી પર વિહાર કરતા, નરનારીઓને
મુગ્ધ કરતા, પરાક્રમથી પૃથ્વીને આશ્ચર્ય ઊપજાવતા ધીરે ધીરે આનંદથી વિચરે છે.
જગતનાં મન અને નેત્રોને અનુરાગ ઊપજાવતા રમે છે. એમને જોઈને લોકો વિચારે છે
કે આ પુરુષોત્તમ કયા પવિત્ર ગોત્રમાં ઊપજ્યા છે. ધન્ય છે તે માતાને, જેની કુક્ષિમાં આ
જન્મ્યા અને ધન્ય છે તે સ્ત્રીને જેમને આ પરણ્યા. આવું રૂપ દેવોને પણ દુર્લભ છે. આ
રૂપાળા પુરુષો ક્યાંથી આવ્યા, ક્યાં જાય છે, એમને કઈ ઇચ્છા છે? આમ સ્ત્રીઓ પરસ્પર
વાતો કરે છેઃ હે સખી! જો, કમળ જેવા નેત્રવાળા અને ચંદ્ર જેવા વદનવાળા બે ભાઈ
અને નાગકુમારી સમાન એક અદ્ભુત નારીને જુઓ. ખબર નથી પડતી કે એ દેવ છે કે
મનુષ્ય છે? હે મુગ્ધે! મહાન પુણ્ય વિના તેમના દર્શન થાય નહિ. હવે તો એ દૂર ચાલ્યા
ગયા, પાછા ફરો, એ નેત્ર અને મનના ચોર જગતનાં મન હરતા ફરે છે ઇત્યાદિ
નરનારીઓની વાતો સાંભળતાં, સૌને મોહિત કરતાં તે સ્વેચ્છાચારી, શુદ્ધ ચિત્તવાળાં, જુદા
જુદા દેશોમાં વિહાર કરતાં ક્ષેમાંજલિ નામના નગરમાં આવ્યાં. તેની પાસે કાળી ઘટા
સમાન સઘન વનમાં સુખપૂર્વક રહ્યાં, જેમ સૌમનસ વનમાં દેવ રહ્યા હોય. ત્યાં લક્ષ્મણે
અત્યંત સુંદર ભોજન અને અનેક શાક તૈયાર કર્યા. દ્રાક્ષનો રસ તૈયાર કર્યો. શ્રી રામ,
સીતા અને લક્ષ્મણે ભોજન કર્યું.
ભરેલી નદી, નાના પ્રકારના ક્રીડાપર્વતો અનેક ધાતુથી ભરેલાં, ઊંચા ઊંચાં જિનમંદિરો,
મનોહર જળના ફુવારા અને જાતજાતના લોકોને જોતાં જોતાં તેમણે નગરમાં પ્રવેશ કર્યો.
નગરમાં જુદી જુદી જાતના વ્યાપાર ચાલતા હતા, નગરના લોકો એમનું અદ્ભુત રૂપ
જોઈને પરસ્પર વાતો કરવા લાગ્યા. તેમણે એ લોકોની વાત સાંભળી કે નગરના રાજાને
જિતપદ્મા નામની પુત્રી છે તેને એ પુરુષ પરણી શકે, જે રાજાના હાથની શક્તિની ચોટ
ખાવા છતાં જીવતો રહે. સ્વર્ગનું રાજ્ય કોઈ આપે તો પણ આ વાત કોઈ સ્વીકારતું નહિ.
શક્તિની ચોટથી પ્રાણ જ ચાલ્યા જાય પછી કન્યા શા કામની? જગતમાં જીવન બધાને
બધા કરતાં પ્રિય હોય છે માટે કન્યાને માટે પ્રાણ કોણ દે? આ વાત સાંભળીને અત્યંત
કૌતુક પામેલા લક્ષ્મણ કોઈને પૂછવા લાગ્યા હે ભદ્ર! આ જિતપદ્મા કોણ છે? ત્યારે તે
કહેવા લાગ્યો કે એ કાળકન્યા, પંડિત-માનિની આખા દેશમાં પ્રસિદ્ધ છે. શું તમે એના
વિષે નથી સાંભળ્યું? આ નગરના રાજા શત્રુદમન અને રાણી કનકપ્રભાની જિતપદ્મા
પુત્રી છે. તે રૂપાળી અને ગુણવાન છે. તેનું મુખ કમળને જીતે છે અને ગાત્રની શોભા
કમલિનીને જીતે છે તેથી તે જિતપદ્મા કહેવાય છે. નવયૌવનથી મંડિત, સર્વ કળાઓથી
પૂર્ણ, અદ્ભુત આભૂષણ પહેરનારી તેને પુરુષ નામ ગમતું નથી, દેવોનું દર્શન પણ અપ્રિય
છે તો મનુષ્યોની શી વાત? તેની સામે કોઈ પુલિંગ શબ્દનું પણ ઉચ્ચારણ કરી શકતું
નથી. આ કૈલાસના શિખર સમાન ઉજ્જવળ મહેલમાં કન્યા રહે છે, સેંકડો સહેલીઓ તેની