શુક્લધ્યાનમાં મગ્ન હતા, તેમને કાંઈ ખબર પડી નહિ. આ ચેષ્ટા જોઈને જાનકી ભય
પામી, પતિના શરીરે વળગી પડી. ત્યારે શ્રી રામે કહ્યું, હે દેવી! ભય ન કરો. સર્વ
વિઘ્નોના નાશક મુનિનાં ચરણોનું શરણ લે. આમ કહીને સીતાને મુનિના પગ પાસે
મૂકીને પોતે લક્ષ્મણ સહિત ધનુષ હાથમાં લઈ, મહાબળવાન મેઘ સમાન ગર્જ્યા, વજ્રપાત
જેવો ધનુષ ચડાવવાનો અવાજ થયો ત્યારે તે અગ્નિપ્રભ નામનો અસુર આ બન્ને વીરોને
બળભદ્ર નારાયણ જાણીને ભાગી ગયો, તેની બધી ચેષ્ટા વિલય પામી. શ્રી રામ-લક્ષ્મણે
મુનિનો ઉપસર્ગ દૂર કર્યો. તે જ સમયે દેશભૂષણ અને કુળભૂષણ મુનિને કેવળજ્ઞાન
ઉત્પન્ન થયું. ચતુર્નિકાયના દેવ તેમનાં દર્શન કરવા આવ્યા, વિધિપૂર્વક નમસ્કાર કરી
સ્થાને યથાયોગ્ય બેઠા. કેવળજ્ઞાનના પ્રતાપથી કેવળીની નિકટ રાતદિવસનો તફાવત ન
રહ્યો, ભૂમિગોચરી અને વિદ્યાધર કેવળીની પૂજા કરીને યથાયોગ્ય સ્થાને બેઠા. સુર, નર,
વિદ્યાધર બધા જ ધર્મનો ઉપદેશ સાંભળવા લાગ્યા. રામ-લક્ષ્મણ આનંદભર્યા ચિત્તે સીતા
સાથે કેવળીની પૂજા કરીને હાથ જોડી, નમસ્કાર કરી પૂછવા લાગ્યા, કે ભગવાન! અસુરે
આપના ઉપર કયા કારણે ઉપસર્ગ કર્યો? અને તમારા બન્નેમાં પરસ્પર અત્યંત સ્નેહ શા
કારણે થયો? ત્યારે કેવળીની દિવ્ય ધ્વનિ થઈ. પદ્મિની નામના નગરમાં રાજા વિજયપર્વત
રાજ્ય કરતો. તે ગુણરૂપ ધાન્યની ઉત્પત્તિનું ઉત્તમ ક્ષેત્ર હતો. તેની સ્ત્રીનું નામ ધારણી.
તેનો અમૃતસુર નામનો દૂત સર્વ શાસ્ત્રોમાં નિપુણ, લોકરીતિનો જાણનાર અને ગુણોનો
ચાહક હતો. તેની ઉપભોગા નામની સ્ત્રીને ઉદિત અને મુદિત નામના બે પુત્ર હતા, જે
વ્યવહારમાં પ્રવીણ હતા. રાજાએ અમૃતસુરને કાર્ય નિમિત્તે રાજ્યની બહાર મોકલ્યો. તે
સ્વામીભક્ત વસુભૂતિ નામના મિત્ર સાથે ગયો. વસુભૂતિ પાપી, દુષ્ટ વિચારનો અને
અમૃતસુરની સ્ત્રી પ્રત્યે આસક્ત હતો. તેણે રાતના સમયે અમૃતસુરને ખડ્ગથી મારી
નાખ્યો અને નગરમાં પાછો આવતો રહ્યો. તેણે લોકોને કહ્યું કે મને પાછો મોકલી દીધો
છે અને અમૃતસુરની પત્ની ઉપભોગાને યથાર્થ વૃત્તાંત કહ્યો ત્યારે તે કહેવા લાગી કે મારા
બેય પુત્રને પણ મારી નાખ, જેથી આપણે બન્ને નિશ્ચિંતપણે રહી શકીએ. આ વાત
ઉદિતની પત્નીએ સાંભળી અને બધો વૃત્તાંત ઉદિતને કહી સંભળાવ્યો. આ વહુ સાસુનું
ચરિત્ર પહેલાંથી જ જાણતી હતી, કેમ કે વસુભૂતિની સ્ત્રીએ તેને આ બધી વાત કરી
હતી. તે પોતાના પતિ પ્રત્યે તેના પરદારાસેવનના કાર્યથી વિરક્ત હતી. ઉદિતે બધી
વાતથી સાવધાન થઈ મુદિતને પણ સાવધાન કર્યો અને વસુભૂતિનું ખડ્ગ જોઈને પિતાના
મરણનો નિશ્ચય કરી, ઉદિતે વસુભૂતિને મારી નાખ્યો. તે પાપી મરીને મ્લેચ્છની યોનિમાં
જન્મ્યો. જે બ્રાહ્મણ હતો તે કુશીલ અને હિંસાના દોષથી ચાંડાળને ત્યાં જન્મ્યો. એક
વખત મુનિઓમાં મહાતેજસ્વી મતિવર્ધન નામના આચાર્ય પદ્મિની નગરીમાં આવ્યા અને
વસંતતિલક નામના ઉદ્યાનમાં સંઘ સહિત બિરાજ્યા. અનુરાધા નામની આર્યિકાઓની
ગુરુણી આર્યિકાઓના સંઘ સહિત નગરની સમીપના ઉપવનમાં રહી. જે વનમાં મુનિ
બિરાજ્યા હતા તે વનના અધિકારીએ