આકૃતિવાળા, જિનભાષિત ધર્મના આરાધક હતા. શ્રી રામ-લક્ષ્મણે તેમને જોઈને હાથ
જોડી નમસ્કાર કર્યા અને ખૂબ આશ્ચર્ય પામ્યા. મનમાં વિચારવા લાગ્યા કે સંસારનાં સર્વ
કાર્યો અસાર છે, દુઃખનાં કારણ છે. મિત્ર, દ્રવ્ય, સ્ત્રી, કુટુંબ એ ઇન્દ્રિયજનિત સુખ એ
બધું દુઃખ જ છે, એક ધર્મ જ સુખનું કારણ છે. અત્યંત ભક્તિવાળા બન્ને ભાઈ ખૂબ હર્ષ
પામી, વિનયથી નમ્ર શરીરે મુનિઓની સમીપે બેઠા. તે જ સમયે અસુરના આગમનથી
અત્યંત ભયંકર અવાજ થયો. માયામયી સર્પ, વીંછીથી બન્ને મુનિઓનું શરીર વીંટળાઈ
ગયું, સર્પો ભયંકર ફૂંફાડા મારતા હતા, કાજળ જેવા કાળા હતા, મોઢામાંથી જીભ બહાર
લબકારા મારતી હતી અને અનેક વર્ણના અતિસ્થૂળ વીંછીઓથી મુનિનું અંગ ઢંકાયેલું
જોઈને રામ-લક્ષ્મણ અસુર પર કોપ્યા. સીતા ભયથી પતિના અંગે વીંટળાઈ ગઈ. ત્યારે
તેમણે કહ્યું કે તું ડર નહિ. એને ધૈર્ય આપી, બન્ને સુભટોએ પાસે જઈ મુનિઓનાં શરીર
ઉપરથી સાપ, વીંછી દૂર કર્યા, ચરણારવિંદની પૂજા કરી અને યોગીશ્વરોની ભક્તિ, વંદના
કરી. શ્રી રામ વીણા લઈ વગાડવા લાગ્યા અને મધુર અવાજે ગાવા લાગ્યા. લક્ષ્મણ
ગાવા લાગ્યા. ગાનના શબ્દો આ પ્રમાણે હતાઃ મહાયોગીશ્વર ધીરવીર છે, મનવચનકાયથી
વંદ્ય છે, તેમની ચેષ્ટા મનોજ્ઞ છે, દેવોથી પણ પૂજ્ય છે, મહાભાગ્યવંત છે, તેમણે
અરહંતનો ધર્મ પ્રાપ્ત કર્યો છે, ઉપમારહિત છે, અખંડ, ઉત્તમ, ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ,
જિનધર્મના ધુરંધર, ધ્યાનરૂપ વજ્રદંડથી મોહરૂપ શિલાના ચૂરા કરી નાખ્યા છે, ધર્મરહિત
પ્રાણીઓને અવિવેકી જાણીને દયાથી વિવેકના માર્ગે લાવે છે. પરમદયાળુ પોતે તરે અને
બીજાઓને તારે છે. આ પ્રમાણે સ્તુતિ કરી બન્ને ભાઈઓએ એવું ગાયું કે વનના
તિર્યંચોનાં મન પણ મોહિત થયાં. ભક્તિથી પ્રેરાઈને સીતા નાચ કરવા લાગી, જેમ સુમેરુ
ઉપર શચિ નૃત્ય કરે છે. જેણે સમસ્ત સંગીતશાસ્ત્ર જાણ્યું હતું, સુંદર લક્ષણ ધરનારી,
અમૂલ્ય હાર-માળાદિ પહેરેલી, પરમલીલા સહિત જેણે અદ્ભુત નૃત્યકળા પ્રગટ કરી છે,
હાવભાવમાં પ્રવીણ, મંદમંદ ચરણ ધરતી, ગીત અનુસાર ભાવ બતાવતી સીતા અદ્ભુત
નૃત્ય કરતી ખૂબ શોભાયમાન જણાતી હતી. અસુરકૃત ઉપદ્રવ જાણે કે સૂર્ય જોઈ ન
શક્યો, અસ્ત પામ્યો. સંધ્યા પ્રગટ થઈને જતી રહી. આકાશમાં નક્ષત્રોનો પ્રકાશ થયો.
દશે દિશામાં અંધકાર ફેલાઈ ગયો. તે સમયે અસુરની માયાથી અત્યંત રૌદ્ર ભૂતોનું ટોળું
ખડખડ હસવા લાગ્યું, જેમનાં મુખ ભયંકર હતાં, તે કર્કશ અવાજ કરતા હતા, માયામયી
શિયાળણી મુખમાંથી ભયાનક અગ્નિની જ્વાળા કાઢતી હતી, સેંકડો મડદાં ભય ઉપજાવે
તેવું નૃત્ય કરતાં હતાં, તેમનાં મસ્તક, ભૂજા, જાંઘાદિમાંથી અગ્નિીની વૃષ્ટિ થતી હતી,
દુર્ગંધયુક્ત ઘટ્ટ લોહીનાં ટીપાં વરસતાં હતાં, નગ્નસ્વરૂપ ડાકણો હાડકાંનાં આભૂષણો પહેરી
આવતી, જેનાં શરીર ક્રૂર હતાં, તેનાં સ્તન ઊછળતાં હતાં, હાથમાં ખડ્ગ હતાં, તે નજરે
પડવા લાગી. તે ઉપરાંત સિંહ, વાઘાદિનાં મુખવાળા, તપેલા લોઢા જેવી આંખોવાળા,
હાથમાં ત્રિશૂળ લઈ હોઠ કરડતા, કુટિલ ભ્રમરવાળા, કઠોર અવાજ કરતા અનેક પિશાચો
નાચવા લાગ્યા.