કેવા મનોજ્ઞ લાગે છે! સીતાના શરીરની સુગંધથી ભમરા આવી પહોંચે છે તેમને બેય
ભાઈ ઉડાડી મૂકે છે. આ પ્રમાણે નાના પ્રકારનાં વનોમાં ધીરે ધીરે વિહાર કરતા બન્ને
ભાઈ જેમ સ્વર્ગના વનમાં દેવો રમતા હોય તેમ રમે છે. તેઓ અનેક દેશો જોતાં જોતાં
અનુક્રમે વંશસ્થળ નગરમાં આવ્યા. તે બન્ને પુણ્યના અધિકારી છે, પણ સીતાના કારણે
તેમને થોડું અંતર વટાવતાં પણ ઘણા દિવસો લાગે છે. તે દીર્ધકાળ તેમને દુઃખ કે કલેશ
આપતો નથી, સદાય સુખ જ આપે છે. તેમણે નગરની પાસે એક વંશધર નામનો પર્વત
જોયો, જાણે કે તે પૃથ્વી ભેદીને નીકળ્યો છે. ત્યાં વાંસવૃક્ષોનાં ઝૂંડ હોવાથી માર્ગ વિષમ છે,
ઊંચાં શિખરોની છાયાથી જાણે સદા સંધ્યા પથરાયેલી રહે છે, ઝરણાઓથી જાણે પર્વત્
હસે છે. તે નગરમાંથી રાજા અને પ્રજાને બહાર નીકળતા જોઈને શ્રી રામચંદ્ર પૂછવા
લાગ્યા. અરે કયા ભયથી નગર ત્યજી જાવ છો? ત્યારે કોઈ બોલ્યું કે આજે ત્રીજો દિવસ
છે, ત્રણ દિવસથી રાત્રે આ પહાડના શિખર ઉપર એવો ધ્વનિ થાય છે કે અત્યાર સુધી
કદી સાંભળવામાં આવ્યો નથી, પૃથ્વી કંપે છે અને દશે દિશામાં અવાજ ગૂંજે છે, વૃક્ષોનાં
મૂળ ઊખડી જાય છે, સરોવરોનાં જળ ચલાયમાન થાય છે, તે ભયાનક અવાજથી સર્વ
લોકોના કાનમાં પીડા થાય છે. જાણે કે લોઢાના ઘણથી કોઈ મારતું હોય. કોઈ દુષ્ટ
દેવજગતનો વેરી અમને મારવા તૈયારી કરી, આ ગિરિ ઉપર ક્રીડા કરે છે. તેના ભયથી
સંધ્યા સમયે લોકો ભાગે છે, સવારમાં પાછા આવે છે, પાંચ કોસ દૂર જઈને રહે છે, ત્યાં
તેનો અવાજ સંભળાતો નથી. આ વાત સાંભળી સીતાએ રામ-લક્ષ્મણને કહ્યું કે જ્યાં આ
બધા માણસો જાય છે ત્યાં આપણે પણ જઈએ. જે નીતિશાસ્ત્ર જાણે છે અને દેશકાળ
જાણીને પુરુષાર્થ કરે છે તે કદી પણ આપદા પામતા નથી. ત્યારે ધીરભાઈઓ હસીને
કહેવા લાગ્યા કે તું બહુ બીકણ છે માટે આ લોકો જ્યાં જાય છે ત્યાં તું પણ જા, સવારે
બધા આવે ત્યારે તું પણ આવજે. અમે તો આજે આ પર્વત પર રહીશું. આ અતિભયંકર
કોનો અવાજ છે તે જોઈશું એ નક્ક્ી વાત છે. આ લોકો દીન છે, ભયથી પશુ અને
બાળકોને લઈને ભાગે છે, અમને કોઈનો ભય નથી. ત્યારે સીતા કહેવા લાગી કે તમારી
હઠ છોડાવવા કોણ સમર્થ છે? તમારો આગ્રહ દુર્નિવાર છે. આમ કહીને તે પતિની પાછળ
ચાલી. તેનાં ચરણો ખેદખિન્ન હતાં. પહાડના શિખર પર તે નિર્મળ ચંદ્રકાંતિ જેવી શોભતી
હતી. શ્રી રામની પાછળ અને લક્ષ્મણની આગળ સીતા ચંદ્રકાંત અને ઇન્દ્રનીલમણિની
વચ્ચે પુષ્પરાગમણિ જેવી શોભતી હતી. તે પર્વતનું આભૂષણ બની ગઈ. રામ-લક્ષ્મણને
એવી બીક હતી કે ક્યાંક પર્વત ઉપરથી પડી ન જાય. તેથી એનો હાથ પકડીને ચાલતા
હતા. તે નિર્ભય પુરુષોત્તમ વિષમ પાષાણવાળો પર્વત ઓળંગીને સીતા સહિત શિખર પર
જઈ પહોંચ્યા. ત્યાં દેશભૂષણ અને કુળભૂષણ નામના બે મુનિ ધ્યાનારુઢ બન્ને હાથ
લંબાવી, કાયોત્સર્ગ આસનમાં ખડા હતા. તે પરમ તેજથી યુક્ત, સમુદ્ર સરખા ગંભીર,
પર્વત સમાન સ્થિર, શરીર અને આત્માને ભિન્ન ભિન્ન જાણનારા,