કેવળી જગતપૂજ્ય બની સર્વ સંસારમાં દુઃખથી, રહિત નગર, ગ્રામ પર્વતાદિ સર્વ
સ્થાનોમાં વિહાર કરતા ધર્મનો ઉપદેશ કરવા લાગ્યા. તે બન્ને કેવળીઓના પૂર્વભવનું
ચરિત્ર જે નિર્મળ સ્વભાવના ધારક ભવ્ય જીવ શ્રવણ કરે છે તે સૂર્ય સમાન તેજસ્વી
પાપરૂપ તિમિરનો શીંઘ્ર નાશ કરે છે.
ચરિત્રવર્ણન કરનાર ઓગણચાળીસમું પર્વ પૂર્ણ થયું.
વંશસ્થળપુરનો રાજા સુરપ્રભ અત્યંત નિર્મળ ચિત્તવાળા રામ, લક્ષ્મણ, સીતાની ભક્તિ
કરવા લાગ્યો. મહેલના શિખરની કાંતિથી ઉજ્જવળ બનેલા આકાશવાળા નગરમાં
પધારવાની રાજાએ પ્રાર્થના કરી, પરંતુ રામે તે ન સ્વીકારી. વંશગિરિના સુંદર શિખર
પરના નલિની વનમાં એક રમણીય, વિશાળ શિલા પર આવી હંસ સમાન પોતે
બિરાજ્યા. વનમાં નાના પ્રકારનાં લતાઓથી પૂર્ણ વૃક્ષો છે. જાતજાતના પક્ષીઓ ત્યાં
અવાજ કરી રહ્યાં છે, સુગંધી પવન વાય છે, ભાતભાતનાં ફળફૂલોથી શોભે છે,
સરોવરોમાં કમળ ખીલી રહ્યાં છે. સ્થાન અત્યંત સુંદર છે, ત્યાં સર્વ ઋતુની શોભા બની
રહી છે. શુદ્ધ અરીસાની સપાટી જેવી મનોજ્ઞ ભૂમિ, પાંચ વર્ણનાં રત્નોથી શોભે છે. કુંદ,
મૌલશ્રી, માલતી, સ્થળકમળ, અશોકવૃક્ષ, નાગવૃક્ષ ઇત્યાદિ અનેક પ્રકારનાં સુગંધી વૃક્ષો
ખીલી રહ્યાં છે, તેમનાં મનોહર પાંદડાં ચમકે છે. ત્યાં રાજાની આજ્ઞાથી મહાભક્તિવંત
પુરુષોએ શ્રી રામને બિરાજવા માટે વસ્ત્રોના મહામનોહર મંડપ બનાવ્યા. સેવકો અત્યંત
ચતુર અને સાવધાન હતા. તે આનંદ કરાવતા, મંગળ વાણી બોલતા, સ્વામીની ભક્તિમાં
તત્પર રહેતા, તેમણે અનેક પ્રકારના પહોળા, ઊંચા વસ્ત્રોના મંડપ બનાવ્યા. તેમાં જુદાં
જુદાં ચિત્રો હતાં. તેની ઉપર ધજાઓ લહેરાતી હતી, અંદર મોતીની માળાઓ લચકતી
હતી, નાની નાની ઘંટડીઓવાળી મણિની ઝાલરો લટકતી હતી, અત્યંત દેદીપ્યમાન સૂર્યનાં
કિરણો જેવા ચમકતા કળશ પૃથ્વી પર મૂક્યા હતા, છત્ર, ચામર, સિંહાસનાદિ રાજચિહ્નો
તથા સર્વ સામગ્રી હાજર હતી, અનેક મંગળ દ્રવ્ય હતાં, એવા સુંદર સ્થળમાં તે સુખપૂર્વક
રહે છે. જ્યાં જ્યાં રઘુનાથ પગ મૂકે છે ત્યાં અનેક રાજા તેમની સેવા કરે છે. શય્યા.
આસન, મણિસુવર્ણનાં નાના પ્રકારનાં ઉપકરણ અને એલચી, લવિંગ,