ઉજ્જવળ છે. જાણે કે કૈલાસ પર્વત સુવર્ણની સાંકળથી સંયુક્ત ન હોય! તેનું કુંભસ્થળ
ભમરાઓની પંક્તિથી મંડિત છે જેણે દશે દિશાઓને સુગંધમય બનાવી છે, મહામદોન્મત્ત
છે, જેના નખ ચિકણા છે. રોમ કઠોર છે, મસ્તક ભલા શિષ્યના જેવું વિનયવાન અને
કોમળ છે, અંગ દ્રઢ છે, તે દીર્ઘકાય છે, જેના સ્કંધ નાના છે, લમણામાંથી મદ ઝરે છે
અને નારદ સમાન કલહપ્રિય છે. જેમ ગરુડ સર્પને જીતે છે તેમ આ નાગ એટલે
હાથીઓને જીતે છે. જેમ રાત્રિ નક્ષત્રોની પંક્તિથી શોભે છે તેમ આ નક્ષત્રમાળાથી -
આભરણોથી શોભે છે. સિંદૂરથી લાલ, ઊંચું કુંભસ્થળ દેવ અને મનુષ્યોનાં મન હરે છે
એવા ઐરાવત હાથી ઉપર બેસીને સુરપતિ આવ્યા અને બીજા દેવો પણ પોતપોતાનાં
વાહનો ઉપર બેસીને ઇન્દ્રની સાથે આવ્યાં. જિનેન્દ્રના દર્શનના ઉત્સાહથી જેમનાં મુખ
ખીલી ઊઠયાં છે એવા સોળે ય સ્વર્ગના સમસ્ત દેવ તથા ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી
દેવો આવ્યા તેમ જ કમલાયુધ આદિ સર્વ વિદ્યાધરો પોતાની સ્ત્રીઓ સહિત આવ્યા. તે
વિદ્યાધરો રૂપ અને વૈભવમાં દેવ સમાન હતા.
વીતરાગ! આપને નમસ્કાર હો. આપ પરમાત્મા પુરુષોત્તમ છો, સંસારસમુદ્રથી પાર થઇ
ગયા છો, આપ મહાન સાર્થવાહ છો, ભવ્ય જીવરૂપી વેપારીઓ ચૈતન્યધન સાથે આપના
સંગે નિર્વાણદ્વીપ જશે ત્યારે માર્ગમાં તે દોષરૂપી ચોરોથી લૂંટાશે નહિ, આપે
મોક્ષાભિલાષીઓને નિર્મળ મોક્ષનો પંથ બતાવ્યો છે અને ધ્યાનરૂપી અગ્નિથી કર્મઇંધનને
ભસ્મીભૂત કરેલ છે. જેમને કોઇ ભાઈ નથી, નાથ નથી તેવાં દુઃખરૂપી અગ્નિના તાપથી
સંતપ્ત જગતનાં પ્રાણીઓના આપ ભાઈ છો, નાથ છો. આપ પરમ પ્રતાપવંત છો. અમે
આપના ગુણોનું વર્ણન કેવી રીતે કરીએ? આપના ગુણ ઉપમારહિત અનંત છે, તે
કેવળજ્ઞાનગમ્ય છે.” આ પ્રમાણે ઇન્દ્રે ભગવાનની સ્તુતિ કરીને અષ્ટાંગ નમસ્કાર કર્યા. તે
સમોસરણનો વૈભવ જોઇને ખૂબ આશ્ચર્ય પામ્યા. તેનું સંક્ષેપમાં વર્ણન કરીએ છીએ.
કોટને ચાર ચાર દ્વાર છે. દરેક દ્વાર પર અષ્ટમંગળ દ્રવ્ય છે, ત્યાં રમણીક વાવ છે, સરોવર
અને ધજાઓ અદ્ભુત શોભા આપે છે. ત્યાં સ્ફટિકમણિની દીવાલ છે અને ગોળાકારે બાર
કોઠા છે. એક કોઠામાં મુનિરાજ છે, બીજામાં કલ્પવાસી દેવોની દેવીઓ છે, ત્રીજામાં
અર્જિકાઓ છે, ચોથામાં જ્યોતિષી દેવોની દેવીઓ છે, પાંચમામાં વ્યંતરદેવીઓ છે, છઠ્ઠામાં
ભવનવાસિની દેવીઓ છે, સાતમામાં જ્યોતિષી દેવી છે, આઠમામાં વ્યંતરદેવ છે, નવમામાં
ભવનવાસી દેવ, દશમામાં કલ્પવાસી દેવ, અગિયારમામાં મનુષ્ય અને બારમામાં તિર્યંચ
છે. આ બધા જીવો પરસ્પર વેરભાવરહિત બેઠા છે. ભગવાન અશોકવૃક્ષ સમીપે સિંહાસન
પર બિરાજે છે. તે અશોકવૃક્ષ પ્રાણીઓનો શોક દૂર કરે છે, સિંહાસન નાના પ્રકારના
રત્નોના ઉદ્યોતથી ઇન્દ્રધનુષ્ય સમાન