વિધુરા નામની વિલાસની પુત્રીને જ્યારે પ્રવર શ્રેષ્ઠી પરણવા તૈયાર થયો ત્યારે
અગ્નિકેતુએ તેને કહ્યું કે આ તારી રુચિરા નામની પુત્રી છે તે મરીને બકરી, ગાડર, ભેંસ
થઈને તારા મામાની પુત્રી થઈ છે. હવે તું એને પરણે તે યોગ્ય નથી અને વિલાસને પણ
બધો વૃત્તાંત કહ્યો, કન્યાના પૂર્વભવ કહ્યા, તે સાંભળીને કન્યાને જાતિસ્મરણ જ્ઞાન થયું,
એટલે તે કુટુંબ પ્રત્યેનો મોહ ત્યજીને બધી સભાને કહેવા લાગી કે આ પ્રવર મારા
પૂર્વભવના પિતા છે. આમ કહીને તે આર્યિકા થઈ. અગ્નિકેતુ તાપસ મુનિ થયો. આ
વૃત્તાંત સાંભળીને અમે બન્ને ભાઈઓએ અત્યંત વૈરાગ્ય પામી અનંતવીર્ય સ્વામીની પાસે
જૈનેન્દ્રવ્રત અંગીકાર કર્યા. મોહના ઉદયથી પ્રાણીઓને ભવવનમાં ભ્રમણ કરાવે તેવા અનેક
અનાચાર થાય છે. સદ્ગુરુના પ્રભાવથી અનાચારનો પરિહાર થાય છે, સંસાર અસાર છે,
માતા, પિતા, બાંધવ, મિત્ર, સ્ત્રી, સંતાનાદિ તથા સુખદુઃખ બધું જ વિનશ્વર છે. આ
સાંભળીને પક્ષી ભવદુઃખથી ભયભીત થયું અને ધર્મગ્રહણની વાંછાથી વારંવાર અવાજ
કરવા લાગ્યું. ત્યારે ગુરુએ કહ્યું કે હે ભદ્ર! તું ભય ન પામ. શ્રાવકનાં વ્રત લે-જેથી ફરી
દુઃખની પરંપરા પ્રાપ્ત ન થાય. હવે તું શાંતભાવ ધારણ કર, કોઈ પ્રાણીને પીડા ન
ઉપજાવ, અહિંસા વ્રત ધારણ કર, મૃષા વાણીનો ત્યાગ કર, સંતોષ રાખ, રાત્રિભોજનનો
ત્યાગ કર, અભક્ષ્ય આહારનો ત્યાગ કર, ઉત્તમ ચેષ્ટાનો ધારક, થા અને ત્રણે કાળની
સંધ્યા વખતે શ્રી જિનેન્દ્રનું ધ્યાન ધર. હે સુબુદ્ધિ! ઉપવાસાદિ તપથી નાના પ્રકારના
નિયમ લે, પ્રમાદરહિત થઈ ઈન્દ્રિયોને જીત, સાધુઓની ભક્તિ કર અને અરિહંત દેવ,
ગુરુ નિર્ગ્રંથ અને દયામય ધર્મનો નિશ્ચય કર. આ પ્રમાણે મુનિએ આજ્ઞા કરી. ત્યારે
પક્ષીએ વારંવાર નમસ્કાર કરી મુનિની પાસે શ્રાવકનાં વ્રત ધારણ કર્યાં. સીતાએ જાણ્યું કે
આ ઉત્તમ શ્રાવક થયો. તેથી આનંદ પામી તેને પોતાના હાથે ખૂબ વહાલ કર્યું. તેને
વિશ્વાસ ઉત્પન્ન કરી બન્ને મુનિઓએ કહ્યું કે આ પક્ષી તપસ્વી શાંત ચિત્તવાળું બન્યું છે,
હવે તે ક્યાં જશે? ગહન વનમાં અનેક ક્રૂર જીવો છે, આ સમ્યગ્દ્રષ્ટિ પક્ષીની તમે સદા
રક્ષા કરજો. ગુરુનાં આ વચનો સાંભળીને તેને પાળવાની ઇચ્છાવાળી સીતાએ તેના પર
અનુગ્રહ કરીને રાખ્યું. રાજા જનકની પુત્રી પક્ષીને કરકમળથી વિશ્વાસ ઉપજાવતી, જેમ
ગરુડની માતા ગરુડને પાળતી શોભે તેમ શોભતી હતી. શ્રી રામ-લક્ષ્મણ પક્ષીને
જિનધર્મી જાણી અત્યંત ધર્માનુરાગ કરવા લાગ્યા અને મુનિઓની સ્તુતિ અને નમસ્કાર
કરવા લાગ્યા. બન્ને ચારણ મુનિ આકાશમાર્ગે ચાલ્યા ગયા. જતી વખતે તે જાણે કે
ધર્મરૂપ સમુદ્રના કલ્લોલ હોય તેવા શોભતા હતા. એક વનનો મદોન્મત્ત હાથી વનમાં
ઉપદ્રવ કરતો હતો. તેને લક્ષ્મણે વશ કર્યો અને તેની ઉપર બેસીને રામની પાસે આવ્યા.
તે ગજરાજ ગિરિરાજ સરખો હતો તેને જોઈ રામ પ્રસન્ન થયા. પેલું જ્ઞાની પક્ષી મુનિની
આજ્ઞા પ્રમાણે યથાવિધિ અણુવ્રત પાળવા લાગ્યું. મહાભાગ્યના યોગથી રામ-લક્ષ્મણ-
સીતાનું સાનિધ્ય તેને મળ્યું. એ એમની સાથે પૃથ્વી પર વિહાર કરવા લાગ્યું. ગૌતમ
સ્વામી રાજા શ્રેણિકને કહે છે કે હે રાજન્! ધર્મનું માહાત્મ્ય જુઓ. આ