તેમ આમના પ્રત્યે એ આસક્ત થઈ. તે એક પુન્નાગ વૃક્ષની નીચે બેસી રુદન કરવા
લાગી, અત્યંત દીન શબ્દ ઉચ્ચારવા લાગી. વનની રજથી તેનું શરીર મલિન થઈ ગયું
હતું, તેને જોઈને રામની રમણી સીતા અત્યંત દયાળુ ચિત્તવાળી હતી તે ઊઠીને તેની
સમીપે આવી અને કહેવા લાગી કે તું શોક ન કર. તેનો હાથ પકડી, તેને શુભ વચનો
કહી, ધૈર્ય આપી રામની પાસે લાવી. ત્યારે રામે પૂછયું કે તું કોણ છે? આ દુષ્ટ
પ્રાણીઓથી ભરેલા વનમાં એકલી કેમ ફરે છે? ત્યો કમળ સરખા નેત્રવાળી અને
ભમરાના ગુંજારવ સમાન વચનોવાળી તે કહેવા લાગી કે હે પુરુષોત્તમ! મારી માતા તો
મૃત્યુ પામી તેની મને ખબર નથી, હુ ત્યારે બાળક હતી. વળી, તેના શોકથી પિતા પણ
પરલોકમાં ગયા. તેથી હું પૂર્વના પાપથી કુટુંબરહિત થઈ દંડકવનમાં આવી. મને મરવાની
અભિલાષા છે, પણ આ ભયાનક વનમાં કોઈ દુષ્ટ પ્રાણીએ મારું ભક્ષણ કર્યું નહિ. ઘણા
દિવસોથી આ વનમાં ભટકું છું. આજે મારા પાપકર્મનો નાશ થયો તેથી આપનાં દર્શન
થયા. હવે મારા પ્રાણ છૂટયા પહેલાં મને કૃપા કરીને ઇચ્છો. જે કન્યા કુળવાન, શીલવાન
હોય તેને કોણ ન ઇચ્છે? બધા જ ઇચ્છે. એના લજ્જારહિત વચન સાંભળીને બન્ને ભાઈ
નરોત્તમ પરસ્પર અવલોકન કરીને મૌન રહ્યા. બન્ને ભાઈ સર્વ શાસ્ત્રના અર્થના જ્ઞાનરૂપ
જળથી મનને ધોઈ ચૂક્યા છે, કૃત્ય-અકૃત્યના વિવેકમાં પ્રવીણ છે. પછી એમનું ચિત્ત
નિષ્કામ જાણીને તે નિશ્વાસ નાખી કહેવા લાગી કે હું જઉં? રામ-લક્ષ્મણે કહ્યું જે તારી
ઇચ્છા હોય તે પ્રમાણે કર. પછી તે ચાલી ગઈ. તેના ગયા પછી રામ, લક્ષ્મણ, સીતા
આશ્ચર્ય પામ્યાં. આ ક્રોધાયમાન થઇને શીઘ્ર પતિની સમીપે ગઈ. લક્ષ્મણ મનમાં વિચારવા
લાગ્યા કે એ કોની પુત્રી હશે? ક્યા દેશમાં જન્મી હશે? ટોળામાંથી છૂટી પડી ગયેલી
હરણી જેવી અહીં કેમ આવી હશે? હે શ્રેણિક! આ કાર્ય કરવા જેવું છે અને આ કરવા
જેવું નથી, આનો પરિપાક શુભ થશે કે અશુભ, એવો વિચાર જેવી બુદ્ધિ અજ્ઞાનરૂપ
તિમિરથી આચ્છાદિત છે તેવા અવિવેકથી રહિત છે તે આ લોકમાં જ્ઞાનરૂપ સૂર્યના
પ્રકાશથી યોગ્ય-અયોગ્ય જાણી, અયોગ્યનો ત્યાગ કરી, યોગ્ય ક્રિયામાં પ્રવર્તે છે.
તેંતાળીસમું પર્વ પૂર્ણ થયું.