શોકનો પ્રવાહ પ્રગટ થયો, અત્યંત વ્યાકુળ બનીને તે નાના પ્રકારે વિલાપ કરવા લાગી.
દુઃખરૂપ અગ્નિથી જેનું શરીર બળી રહ્યું છે એવી તે વાછડા વિનાની ગાય વિલાપ કરે
તેમ શોક કરવા લાગી. જેની આંખમાંથી આંસુ ઝરી રહ્યાં છે તેવી વિલાપ કરતી તેને
પતિએ જોઇ. જેનું ધૈર્ય નાશ પામ્યું છે, ધૂળથી જેનું અંગ મલિન બની ગયું છે, જેના વાળ
વીંખાઈ ગયા છે, જેની કટિમેખલા ઢીલી પડી ગઈ છે, જેનાં વક્ષસ્થળ, સ્તન અને જાંધ
પર નખના ઊઝરડા થયા છે, તે લોહીથી લાલ થયેલ છે, આવરણરહિત, લાવણ્યરહિત
અને જેની ચોળી ફાટી ગઈ છે, જાણે મત્ત હાથીએ કમલિનીને મસળી નાખી હોય તેવી
એને જોઈને પતિએ ધૈર્ય આપીને પૂછયું કે હે કાંતે! કયા દુષ્ટે તારી આવી અવસ્થા કરી
તે કહે. એવો કોણ છે. જેનું મરણ નજીક આવ્યું છે? તે મૂઢ પહાડના શિખર પર ચડીને
સૂવે છે, સૂર્ય સામે ક્રીડા કરીને અંધારિયા કૂવામાં પડે છે, તેનાથી દૈવ રૂઠયું છે, તે મારા
ક્રોધરૂપી અગ્નિમાં પતંગની જેમ પડશે. ધિક્કર છે તે પાપી અવિવેકીને! તે પશુ સમાન
અપવિત્ર, અનીતિયુક્ત છે, આ લોક અને પરલોકથી ભ્રષ્ટ છે, જેણે તને દુઃખ આપ્યું છે.
તું વડવાનળની શિખા સમાન છે, રૂદન ન કર. તું બીજી સ્ત્રી જેવી નથી, મોટા કુળની
પુત્રી છો અને મોટા કુળમાં પરણી છો. હમણાં જ તે દુષ્ટાચારીને હથેળીથી હણી નાખીને
પરલોકમાં મોકલી આપીશ, જેમ સિંહ ઉન્મત્ત હાથીને હણી નાખે છે તેમ. પતિએ જ્યારે
આ પ્રમાણે કહ્યું ત્યારે ચંદ્રનખા મહાકષ્ટથી રૂદન બંધ કરી ગદગદ વાણીથી કહેવા લાગી,
તેનું કપાળ વાળની લટથી ઢંકાયેલું હતું. તે બોલી, હે નાથ! હું પુત્રને જોવા માટે રોજ
વનમાં જતી હતી. આજે ગઈ ત્યારે મેં પુત્રનું મસ્તક કપાઈને ભૂમિ પર પડેલું જોયું અને
રુધિરની ધારથી વાંસનું વૃક્ષ લાલ થયેલું જોયું. કોઈ પાપી મારા પુત્રને મારીને ખડ્ગ
રત્ન લઈ ગયો છે. એ ખડ્ગ દેવોથી સેવવા યોગ્ય હતું. અનેક દુઃખોનું ભાજન,
ભાગ્યરહિત હું પુત્રનું મસ્તક ગોદમાં લઈને વિલાપ કરવા લાગી. જે પાપીએ શંબૂકને
માર્યો હતો તેણે મારી સાથે અનીતિ કરવાનું વિચાર્યું અને મારો હાથ પકડયો. મેં કહ્યું કે
મને છોડ. તે પાપી, હલકા કુળનાએ મને છોડી નહિ, નખ અને દાંતથી મારાં અંગ
વિદાર્યાં, નિર્જન વનમાં હું એકલી અને તે બળવાન પુરુષ હતો. હું અબળા હોવા છતાં
પૂર્વપુણ્યથી શીલ બચાવીને મહાકષ્ટે અહીં આવી. સર્વ વિદ્યાધરોનો સ્વામી, ત્રણ ખંડનો
અધિપતિ, ત્રણ લોકમાં પ્રસિદ્ધ, કોઈથી જીતી ન શકાય એવો રાવણ મારો ભાઈ અને તમે
ખરદૂષણ નામના મહારાજ, દૈત્ય જાતિના વિદ્યાધરોના અધિપતિ મારા પતિ હોવા છતાં
પણ હું દૈવયોગથી આવી અવસ્થા પામી. ચંદ્રનખાનાં આવાં વચન સાંભળી તે અત્યંત
ક્રોધથી જ્યાં પુત્રનું મૃતક શરીર પડયું હતું ત્યાં તત્કાળ ગયો અને પુત્રને મરેલો જોઈને
અત્યંત ખેદખિન્ન થયો. પહેલાં જે પુત્ર પૂનમના ચંદ્ર જેવો લાગતો હતો તે હવે અત્યંત
ભયાનક લાગવા માંડ્યો. ખરદૂષણે પોતાને ઘેર આવીને પોતાના કુટુંબ સાથે મંત્રણા કરી.
કેટલાક મંત્રી કઠોર ચિત્તવાળા હતા તે કહેવા લાગ્યા કે હે દેવ! જેણે ખડ્ગ રત્ન લઈ
લીધું અને પુત્રને હણી