યોગ્ય મળે, પણ વિષયાભિલાષી થઈને ધર્મનો અનુરાગી ન થાય તો પણ કાંઈ લાભ
નથી માટે ધર્મની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. કેટલાક તો બીજાના નોકર બનીને અત્યંત
દુઃખથી પેટ ભરે છે. કેટલાક યુદ્ધમાં જોડાય છે. યુદ્ધ શસ્ત્રના પ્રહારથી ભયંકર હોય છે,
રક્તના કીચડથી મહાગ્લાનિરૂપ છે. કેટલાક ખેતી કરીને ક્લેશથી કુટુંબનું ભરણપોષણ કરે
છે. તેમાં અનેક જીવોની હિંસા કરવી પડે છે. આ પ્રમાણે પ્રાણીઓ અનેક ઉદ્યમ કરે છે
અને તેમાં દુઃખ તથા ક્લેશ જ ભોગવે છે. સંસારી જીવ વિષયસુખના અત્યંત અભિલાષી
છે. કેટલાક તો દારિદ્રથી ખૂબ દુઃખી છે. કેટલાકને ધન મળે છે તો ચોર, અગ્નિ, જળ કે
રાજાદિક તે લઇ જશે એવા ભયથી સદા આકુળતારૂપ રહે છે. કેટલાક દ્રવ્ય ભોગવે છે
પરંતુ તૃષ્ણારૂપ અગ્નિની વૃદ્ધિથી બળી રહ્યા છે. કોઈકોઈને ધર્મની રુચિ ઉપજે છે પરંતુ
તેમને દુષ્ટ જીવો સંસારના જ માર્ગમાં નાખે છે. પરિગ્રહધારીઓના ચિત્તને નિર્મળતા ક્યાંથી હોય? એ ચિત્તની નિર્મળતા વિના ધર્મનું સેવન કેવી રીતે થાય? જ્યાં સુધી જીવને
પરિગ્રહથી આસકિત રહે છે ત્યાં સુધી જીવ હિંસામાં પ્રવર્તે છે અને હિંસાથી નરક
નિગોદાદિ કુયોનિમાં મહાદુઃખ ભોગવે છે. સંસારભ્રમણનું મૂળ હિંસા જ છે, જીવદયા
મોક્ષનું મૂળ છે. પરિગ્રહના સંયોગથી રાગદ્વેષ ઉપજે છે, તે રાગદ્વેષ જ સંસારનાં દુઃખનાં
કારણ છે. કેટલાક જીવો દર્શનમોહનો અભાવ થવાથી સમ્યગ્દર્શન પણ પામે છે પરંતુ
ચારિત્રમોહના ઉદયથી ચારિત્ર ધારણ કરી શકતા નથી અને કેટલાક ચારિત્ર ધારણ કરીને
પણ બાવીસ પરિષહોથી પીડિત બની ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. કોઈ અણુવત જ ધારણ
કરે છે અને કોઈ અણુવ્રત પણ ધારણ કરી શકતા નથી, કેવળ અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ જ રહે
છે. સંસારના અનંત જીવો સમ્યક્ત્વરહિત મિથ્યાદ્રષ્ટિ જ છે. જે મિથ્યાદ્રષ્ટિ તે વારંવાર
જન્મમરણ કરે છે. દુઃખરૂપ અગ્નિથી સંતપ્ત થઈને ભવસંકટમાં પડયા છે. મિથ્યાદ્રષ્ટિ જીવ
જીભના લોલુપી છે અને કામકલંકથી મલિન છે. ક્રોધ, માન, માયા, લોભમાં પ્રવર્તે છે
અને જે પુણ્યના અધિકારી જીવ સંસાર, શરીર, ભોગથી વિરક્ત થઈ શીધ્ર જ ચારિત્ર
અંગીકાર કરે છે અને તેને નિભાવે છે, સંયમમાં પ્રવર્તે છે, તે મહાધીર પરમ સમાધિથી
શરીર છોડીને સ્વર્ગમાં મહાન દેવ થઈને અદ્ભૂત સુખ ભોગવે છે, ત્યાંથી ચ્યવીને ઉત્તમ
મનુષ્ય થઈને મોક્ષ પામે છે. કોઈ મુનિઓ તપ કરીને અનુત્તર વિમાનમાં - અહમિન્દ્રથી
ચ્યવીને તીર્થંકરપદ પામે છે, કેટલાક ચક્રવર્તી, બળદેવ, કામદેવ વગેરે પદ પામે છે. કોઈ
મુનિ મહાતપ કરી, નિદાન કરી, સ્વર્ગમાં જઈને, ત્યાંથી ચ્યવીને વાસુદેવ થાય છે, તે
ભોગને છોડી શકતા નથી. આ પ્રમાણે શ્રી વર્ધમાન સ્વામીના મુખથી ધર્મોપદેશ સાંભળીને
દેવ, મનુષ્ય, તિર્યંચ, અનેક જીવ જ્ઞાન પામ્યા. કેટલાક ઉત્તમ પુરુષો મુનિ થયા, કેટલાક
શ્રાવક થયા, કેટલાક તિર્યંચ પણ શ્રાવક થયા. દેવ વ્રત ધારણ કરી શક્તા નથી તેથી
અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ જ થયા, પોતપોતાની શક્તિ પ્રમાણે અનેક જીવો ધર્મમાં પ્રવૃત્ત થયા,
પાપકર્મના ઉપાર્જનથી વિરક્ત થયા, ધર્મનું શ્રવણ કરી, ભગવાનને નમસ્કાર કરી
પોતપોતાના સ્થાનકે ગયા. શ્રેણિક મહારાજ પણ જિનવચનોનું શ્રવણ કરી, હર્ષિત થઈને
પોતાના નગરમાં ગયા.