આનંદિત થાય? જેમ અભવ્ય જીવ મોક્ષસંપદા સિદ્ધ ન કરી શકે તેમ રાવણની દૂતીઓ
સીતાને પ્રસન્ન કરી શકી નહિ. ઉપરાઉપર રાવણ દૂતી મોકલે, કામરૂપ દાવાનળની
પ્રજ્વલિત જ્વાળાથી વ્યાકુળ જાતજાતનાં અનુરાગનાં વચનો સીતાને કહેવરાવે, આ કાંઈ
જવાબ આપે નહિ, દૂતી જઈને રાવણને કહે છે કે દેવ! એ તો આહારપાણી છોડીને બેઠી
છે, તમને કેવી રીતે ઇચ્છે? તે કોઈની સાથે વાત કરતી નથી, સ્થિર અંગથી બેઠી છે,
અમારી તરફ દ્રષ્ટિ જ નથી કરતી, અમૃતથીયે સ્વાદિષ્ટ અને દૂધ વગેરેથી મિશ્રિત નાના
પ્રકારનાં વ્યંજનો તેના મુખ આગળ મૂકીએ છીએ તેને અડતીયે નથી. આ દૂતીઓની વાત
સાંભળીને રાવણ ખેદખિન્ન થાય છે. જેનું અંગ મદનાગ્નિની જ્વાળાથી વ્યાપ્ત છે તે
અત્યંત દુઃખરૂપ ચિંતાના સાગરમાં ડૂબી ગયો. કોઈ વાર નિશ્વાસ નાખે છે, કોઈ વાર
શોક કરે છે, તેનું મુખ સુકાઈ ગયું છે, કોઈ વાર કાંઈક ગાય છે, જેનું હૃદય કામરૂપ
અગ્નિથી દગ્ધ થયું છે, કાંઈક વિચારી વિચારીને નિશ્ચળ થાય છે, પોતાનું અંગ પૃથ્વી પર
પટકે, પાછો ઊઠે, સૂનમૂન બની જાય, સમજ્યા વિના ઊઠીને ચાલવા લાગે, વળી પાછો
આવે, જેમ હાથી સૂંઢને પટકે તેમ તે જમીન પર હાથ પછાડે, સીતાનું બરાબર ચિંતન
કરતો આંખમાંથી આંસુ વહાવે, કોઈવાર અવાજ કરીને બોલાવે, કોઈ વાર હૂંકાર કરે,
કોઈ વાર ચૂપ થઈ જાય, કોઈ વાર વૃથા બકવાસ, કરે, કોઈ વાર વારંવાર સીતા સીતા
બોલ્યા કરે, કોઈ વાર મુખ નીચું કરી નખથી ધરતી ખોતરે, કોઈ વાર પોતાના હૃદય
ઉપર હાથ મૂકે, કોઈ વાર હાથ ઊંચા કરે, કોઈ વાર પથારીમાં પડે, કોઈ વાર ઊભો થઈ
જાય, કોઈ વાર કમળ છાતી પર અડાડે, કોઈ વાર દૂર ફેંકી દે, કોઈ વાર શ્રૃંગારનાં કાવ્ય
વાંચે, કોઈ વાર આકાશ તરફ જુએ, કોઈ વાર હાથથી હાથ મસળે, કોઈ વાર પગથી
પૃથ્વી પર પ્રહાર કરે, નિશ્વાસરૂપ અગ્નિથી અધર શ્યામ થઈ ગયા છે. કોઈ વાર ‘કહે
કહે’ એવો અવાજ કરે છે, કોઈ વાર પોતાના વાળ વીંખે છે, કોઈ વાર વાળ બાંધે છે,
કોઈ વાર બગાસાં ખાય છે, કોઈ વાર મુખ પર કપડું ઢાંકે છે, કોઈ વાર બધાં વસ્ત્રો
પહેરી લે છે. સીતાનાં ચિત્રો બનાવે, કોઈ વાર આંસુ સારીને આર્દ્રતા કરે છે, દીન થઇને
હાહાકાર કરે છે, મદનગ્રહથી પિડાઈને અનેક ચેષ્ટા કરે છે, આશારૂપ ઇંધનથી પ્રજ્વલિત
કામરૂપ અગ્નિથી તેનું હૃદય જલે છે, શરીર પણ જલે છે, કોઇ વાર મનમાં વિચારે છે કે
હું કેવી અવસ્થા પામ્યો છું કે જેથી મારું શરીર પણ ટકાવી શકતો નથી. મેં અનેક ગઢ
અને સાગરની મધ્યમાં રહેલા મોટા મોટા હજારો વિદ્યાધરોને યુદ્ધમાં જીત્યા છે અને
લોકમાં પ્રસિદ્ધ ઇન્દ્ર નામના વિદ્યાધરને બંદીગૃહમાં નાખ્યો, અનેક રાજાઓને યુદ્ધમાં
જીત્યા, હવે મોહથી ઉન્મત્ત થયેલો હું પ્રમાદને વશ વર્તું છું. ગૌતમ સ્વામી રાજા શ્રેણિકને
કહે છે કે હે રાજન્! રાવણ તો કામને વશ થયો અને મહાબુદ્ધિમાન, મંત્રણા કરવામાં
નિપુણ વિભીષણે બધા મંત્રીઓને એકઠા કરી મંત્રણા કરી. કેવો છે વિભીષણ? રાવણના
રાજ્યનો ભાર જેના શિર પર પડેલો છે, જેણે સમસ્ત શાસ્ત્રોના જ્ઞાનરૂપ જળથી મનરૂપ
મેલને ધોઈ નાખ્યો